એસ્ટોલ પ્રોજેક્ટ; 200 માળની ઉંચાઈ સુધી પાણીને ઉપર ઉઠાવીને 174 ગામોને અપાશે, વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
June 08, 2022
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ એક વાર ફરી ગુજરાતની મુલાકાત લેશે અને પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટા પ્રોજેક્ટ્સને ગુજરાતની જનતાને સમર્પિત કરશે, જેમાંનો એક એસ્ટોલ પ્રોજેક્ટ પણ છે, જેનું તેઓ ઉદ્ઘાટન કરશે. રાજ્ય સરકાર જણાવે છે કે આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે.
ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે જાણકારી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટને પૂર્ણ કરવો એ અમારા માટે એક મોટો પડકાર હતો, પરંતુ મને ખુશી છે કે અમારા એન્જિનિયર્સે આ તમામ પડકારોનો સામનો કરીને આ પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એસ્ટોલ પ્રોજેક્ટ એક મોટી ચમત્કારિક સિદ્ધિ છે. તેના દ્વારા લગભગ 200 માળ (1875 ફીટ)ની ઉંચાઈ સુધી પાણીને ઉપર પહોંચાડીને આ પહાડી વિસ્તારમાં પાણીનું વિતરણ અમે શક્ય બનાવ્યું છે. માનનીય વડાપ્રધાન દ્વારા તેના ઉદ્ઘાટન પછી ધરમપુર અને કપરાડા વિસ્તારના 174 ગામડાઓમાં રહેતા 4.50 લાખ લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઇ જવાનું છે.”
ગુજરાત માટે એસ્ટોલ પ્રોજેક્ટ શા માટે છે ખાસ
આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડાની ભૌગોલિક રચના એવી છે કે ત્યાં ન તો વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે છે કે ન તો ભૂગર્ભજળની પરિસ્થિતિ સારી છે, કારણકે અહીંની મોટાભાગની જમીન પથરાળ છે અને તેના કારણે વર્ષાઋતુના સમયમાં અહીંના જળાશયોમાં પાણી તો ભરાઈ જાય છે, પરંતુ તે પાણી જમીનની અંદર નથી ઉતરી શકતું. તેના કારણે વર્ષાઋતુના થોડાક સમય પછી જ અહીંના જળાશયો સંપૂર્ણપણે સૂકાઈ જાય છે. વર્ષ 2018માં રૂ.586.16 કરોડના ખર્ચે આ પહાડી વિસ્તારમાં રહેતા લોકો સુધી દરરોજ પીવાનું પાણી પહોંચે તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારે એસ્ટોલ પ્રોજેક્ટની શરૂઆત કરી.
શું છે એસ્ટોલ પ્રોજેક્ટ
• મધુબન બંધ (વોટર હોલ્ડિંગ ગ્રોસ કેપેસિટી 567 મિલિયન ક્યુબિક મીટર) ના પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) લોકોના ઘરો સુધી પાણી પહોંચાડવાની યોજના છે.
• આ પ્રોજેક્ટ હેઠળ 28 પંપિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમની ક્ષમતા 8 મેગાવોટ વોલ્ટ એમ્પિયર (MVA) છે, જેના દ્વારા દરરોજ લગભગ 7.5 કરોડ લીટર પીવાના પાણીને 4.50 લાખ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
• આ પ્રોજેક્ટ અંતર્ગત 81 કિમીની પંપિંગ લાઇન, 855 કિમીની ડિસ્ટ્રિબ્યુશન લાઇન અને નાની-નાની વસાહતો સુધી પાણી પહોંચાડવા માટે 340 કિમી લાંબી પાઇપલાઇન બિછાવવામાં આવી છે.
• પીવાના શુદ્ધ પાણીને ઉપલબ્ધ કરાવવા માટે બે ફિલ્ટર પ્લાન્ટ (બંનેની દરરોજની 3.3 કરોડ લીટર પાણીની ક્ષમતા) ની સ્થાપના, જેમની કુલ ક્ષમતા પ્રતિદિન 6.6 કરોડ લીટર પાણીની છે.
• પાણીનો સંગ્રહ કરવા માટે આ વિસ્તારોમાં 6 ઉંચી ટાંકીઓ (0.47 કરોડ લીટરની ક્ષમતા), 28 અંડરગ્રાઉન્ડ ટાંકીઓ (7.7 કરોડ લીટરની ક્ષમતા) અને ગામડાઓ તેમજ ફળિયાઓમાં જમીન સ્તરની 1202 ટાંકીઓ (4.4 કરોડ લીટરની ક્ષમતા)નું નિર્માણ કરવામાં આવ્યું છે.
પાઇપલાઇનને બિછાવવામાં પણ કરવામાં આવ્યો છે વિશિષ્ટ ટેક્નિકનો ઉપયોગ
• અહીંની જમીનની રચના અનુસાર જ અહીંયા પાઇપલાઇન બિછાવવામાં આવી છે, જે ક્યાંક ઊંચી છે તો ક્યાંક નીચી છે.
• આ કારણે આ પાઇપોમાં કેટલાક સ્થળોએ પાણીનું દબાણ સામાન્ય છે, તો કેટલાક સ્થળોએ પાણીનું દબાણ સામાન્ય કરતા ઘણું વધારે (40 પ્રતિ કિગ્રા સેન્ટિમીટર સ્કૉયર) છે. આ દબાણ એટલું વધારે છે કે તેનાથી પાઇપલાઇનોને ઘણું નુકસાન પહોંચી શકે છે.
• આ તમામ મુશ્કેલીઓના સમાધાન તરીકે મુખ્ય પાઇપની અંદર 12 મિલિમીટર જાડાઈની માઇલ્ડ સ્ટીલ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી મુખ્ય પાઇપને ફાટવાથી બચાવી શકાય.
એન્જિનિયરિંગ ક્ષેત્રે એક મોટો ચમત્કાર છે એસ્ટોલ પ્રોજેક્ટ
ગુજરાત સરકારનો એસ્ટોલ પ્રોજેક્ટ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક ચમત્કાર જ કહી શકાય! એવું એટલા માટે કહી શકાય કારણકે આ પ્રોજેક્ટ હેઠળ મધુબન બંધથી પાણીને લગભગ 200 માળની ઉંચાઈ સુધી પાણીને ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામો (કુલ 174 ગામો) સુધી પહોંચાડવામાં આવશે. પહેલીવાર એવું થઈ રહ્યું છે કે મધુબન બંધના પાણીને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. આ પહેલા આ બંધનો ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવતો હતો. જોકે, પીવાના પાણીની સાથે-સાથે આ બંધના પાણીનો પહેલાની જેમ જ સિંચાઇ માટે પણ ઉપયોગ કરવાનું ચાલુ રહેશે.
Related Stories
લોકો કહેતા હતા કે અવકાશ ક્ષેત્રે કોણ ખાનગી કંપની આવશે, પણ 60થી વધુ આવી છેઃ ઇન-સ્પેસના ઉદઘાટન પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદી
ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્ર માટે જે યોજનાઓ શરૂ કરી હતી તેનો કેન્દ્રમાં અમલ કર્યોઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
વડાપ્રધાને ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને ટીમને શત પ્રતિશત સશક્તિકરણના પ્રયાસો બદલ અભિનંદન આપ્યા
Biggest domes for PM Modi’s ultra-mega-program in South Gujarat on June 10
PM Narendrabhai likely to dedicate Estol drinking water project in South Gujarat on June 10
Recent Stories
- Ahmedabad Airport issues passenger advisory amid heightened airport security
- Bhuj–Ahmedabad Namo Bharat Rapid Rail Partially Cancelled
- PIB Fact Check Unit debunks fake video claiming attack on Hazira port in Surat, Gujarat
- Blackout at Mundra and Kandla ports; shipping movement stopped until daylight
- Security measures raised to MARSEC Level 2 at all Indian ports, terminals, and ships
- Passenger advised to reach airport 3 hrs prior to departure as BCAS directs enhanced airport security
- Gujarat's 7 airports in latest NOTAM declared by Govt of India ; to remain shut on May 9