રાહુલની ઈડી દ્વારા તપાસ અગાઉ કોંગ્રેસે સાંસદો, હોદ્દેદારોને દિલ્હી બોલાવ્યાઃ મોદી કોઇ જ રાજકીય તમાશા વગર આપેલી તારીખે એસઆઇટી સમક્ષ પહોંચ્યા હતા, નેટીઝન્સે કર્યું યાદ

નવી દિલ્હીઃ હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગાંધીનગરમાં ગોધરાકાંડ અંગેની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(એસઆઇટી) સમક્ષ હાજર થયા હતા તેનો વર્ષો જૂનો વિડિયો આજે અચાનક જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો વાયરલ કરી રહેલા નેટીઝન્સ મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે કે જ્યારે નરેન્દ્રભાઇને તપાસ સંસ્થાએ બોલાવ્યા હતા ત્યારે તેઓ કેવા એ જ તારીખે, સમયસર હાજર રહ્યા હતા અને કોઇ જ તમાશો કર્યા વગર ન્યાયી પ્રક્રિયાને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. અને આની તુલનામાં હાલ રાહુલ ગાંધીને હવાલાના કેસમાં જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તપાસ માટે બોલાવ્યા છે ત્યારે કેવા તમાશાના આસાર છે.

ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે કે રાહુલ ગાંધી ઇડી સમક્ષ હાજર થાય તે દિવસે તેમણે કોંગ્રેસના સાંસદોને દિલ્હી બોલાવ્યા છે. રાહુલ ઇડી ઓફિસે યાત્રા સ્વરુપે પહોંચે તેવી યોજના હોવાના અહેવાલ પર નેટીઝન્સ નરેન્દ્રભાઇ એસઆઇટી સમક્ષ કોઇ જ રાજકીય તમાશો કર્યા વગર હાજર થયા હતા અને કલાકો સુધીની પૂછપરછમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો તે વાતને યાદ કરી રહ્યા છે.

નેટીઝન્સ આલોક ભટ્ટે એસઆઇટી ઓફિસની બહાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મિડિયાને આપેલી બાઇટનો વિડિયો મૂકયો છે. નરેન્દ્રભાઇ કહે છે કે તેઓને સત્યાવીસ તારીખે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું અને તેઓ આવી ગયા છે. નરેન્દ્રભાઇએ કોઇજ રાજકીય અણગમા વગર કે પોતાને કાયદાથી અને સંવિધાનથી ઉપર બતાવ્યા વગર સામાન્ય માણસની માફક પૂછપરછમાં સહકાર આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નેશનલ હેરલ્ડ કેસમાં પૂછપરછ માટે સોનીયા અને રાહુલ ગાંધીને ઇડી સમક્ષ આઠ જૂનના દિવસે હાજર રહેવાનું કહેવામાં આવ્યું પછી કોંગ્રેસના પ્રવક્તાએ જાહેર કર્યું હતું કે સોનીયા ગાંધીને કોવિડ ઇન્ફેક્શન થયું છે. સોનીયા ગાંધી આ જ કારણ બતાવીને ઇડી સમક્ષ નિયત તારીખે હાજર નથી રહેવાના. તો રાહુલ ગાંધીએ પણ ઇડીએ સૂચવેલી આઠ જૂનની તારીખે હાજર રહેવાનું ટાળ્યું છે કારણકે પાંચમી તારીખ સુધી તો તેઓ વિદેશના પ્રવાસે હતા. રાહુલને હવે તેરમી જૂનની નવી તારીખ ફાળવવામાં આવી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રાહુલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થાય તે પહેલાં કોંગ્રેસે તેના તમામ સાંસદ તેમજ રાજ્યોના વરિષ્ઠ હોદ્દેદારોને દિલ્હી બોલાવ્યા છે. શક્ય છે કે કોંગ્રેસના સાંસદો તેમજ રાજ્ય સંગઠનોના હોદ્દેદારો ઈડીના સમન્સ વિરુદ્ધ દિલ્હીમાં દેખાવો કરશે તેમજ રાહુલ ગાંધી પૂછપરછ માટે હાજર થવા જાય ત્યારે તેમની સાથે ઈડી ઑફિસ સુધી જશે.

હવાલાના આ કેસમાં માતા-પુત્ર બંને જામીન ઉપર છે અને ઈડીએ તપાસને આધારે સમન્સ પાઠવ્યા છે, તેની સામે ભૂતકાળમાં નરેન્દ્ર મોદી સામે માત્ર મીડિયા ટ્રાયલને આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ગોધરાકાંડની તપાસ કરી રહેલી એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તે સમયે છ કરોડની પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ એવા નરેન્દ્ર મોદીની પાંચ કલાક કરતાં વધુ પૂછપરછ કરવામાં આવી હતી. જો તેમણે ધાર્યું હોત તો તેઓ પણ લાખો લોકોને એસઆઈટી પૂછપરછ ઑફિસની બહાર એકત્ર કરી શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યું નહોતું અને કાયદાનું સન્માન કરીને તમામ પ્રશ્નોના ધીરજપૂર્વક જવાબ આપ્યા હતા. તેની સામે ગાંધી પરિવારના સભ્યોએ જ્યારે પણ અદાલત અથવા કોઈ તપાસ એજન્સી સમક્ષ હાજર થવું પડે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને એકત્ર કરવામાં આવે છે.

થોડાં વર્ષ પહેલાં (2018માં) આ જ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અદાલતમાં હાજર થવું પડ્યું ત્યારે પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો અદાલતની બહાર એકત્રિત થયા હતા. તે સમયે માતા-પુત્ર બંનેએ જામીન માગ્યા હતા જે અદાલતે મંજૂર રાખ્યા હતા.

કોંગ્રેસે આ વખતે તેના રાજ્ય સંગઠનોના પ્રમુખોને દિલ્હી બોલાવી લીધા છે અને આજે ગુરુવારે એક બેઠક કરીને ગાંધી પરિવારના સમર્થનમાં રાજ્ય સ્તરે વિરોધ પ્રદર્શન અને દેખાવો કરવાની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવશે એવું માનવામાં આવે છે.

ઈડીનો આરોપ છે કે નેશનલ હેરલ્ડ કેસના સોદામાં હવાલા કૌભાંડ થયું છે, અને તેથી એ કેસના મુખ્ય શકમંદ તરીકે ગાંધી પરિવારના સભ્યોને પૂછપરછ માટે બોલાવ્યા છે. હવાલાના આરોપ અંગે કોંગ્રેસનું કહેવું છે કે, આ ખોટો કેસ છે કેમ કે સોદામાં કોઈ નાણાકીય લેવડ-દેવડ થઈ નથી.

તાજેતર ના લેખો