લોકો કહેતા હતા કે અવકાશ ક્ષેત્રે કોણ ખાનગી કંપની આવશે, પણ 60થી વધુ આવી છેઃ ઇન-સ્પેસના ઉદઘાટન પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદી

બોપલ, ગુજરાતઃ: અહીં ઇન-સ્પેસના વડામથકનું ઉદ્દઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું 21મી સદીની વિકાસયાત્રામાં એક શાનદાર પ્રકરણ જોડાયું છે. દેશનું અવકાશ ક્ષેત્ર 400 બિલિયન ડૉલરનો ઉદ્યોગ છે અને 2040 સુધીમાં એક ટ્રિલિયન ડૉલરનો બિઝનેસ થવાની સંભાવના પડી છે તેમ જણાવી વડાપ્રધાને દેશના યુવાનોને તેનો લાભ લેવા આગળ આવવાની હાકલ કરી હતી.

વડાપ્રધાને કહ્યું કે હું સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ડિપ્લોમસીમાં ભારતની મજબૂત ભૂમિકા જોઉં છું. અનંત સંભાવનાઓ કદી સીમિત પ્રયાસોથી હાંસલ કરી ન શકાય તેમ જણાવી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્પેસ ટેકનોલોજીનો આ પ્રયાસ આગળ સતત ચાલુ રહેશે.

ભારત નવી ભારતીય અંતરિક્ષ નીતિ ઉપર કામ કરી રહ્યો છે. સ્પેસ ક્ષેત્રમાં ઇઝ ઑફ ડુઇંગ માટે નવી નીતિ લાવીશું. તેમણે જણાવ્યું કે, (1) સ્પેસ અને (2) સી – સમુદ્ર આ બંને ક્ષેત્ર માટે નવી પ્રોત્સાહક નીતિઓ દ્વારા અમે સંભાવનાઓના દ્વારા ખોલી રહ્યા છીએ. આ બંને ક્ષેત્રમાં ભારત લીડ પણ કરી શકે અને નિયંત્રણ પણ કરી શકશે.

વડાપ્રધાને અપીલ કરી કે, સ્કૂલ-કૉલેજોએ અવકાશ સાથે જોડાયેલી કંપનીઓ વિદ્યાર્થીઓને બતાવે, તેની મુલાકાત કરાવે. ભારતમાં અગાઉ સેટેલાઇટ લૉન્ચ થાય ત્યારે એ આખા ક્ષેત્રમાં કોઈને એન્ટ્રી ન મળે. રાજકારણીઓને વીઆઈપી ક્ષેત્રમાં બેસાડીને બતાવવામાં આવતું. પરંતુ હવે શ્રીહરિકોટામાં સેટેલાઈટ લૉન્ચ જોઈ શકાય તેવી ગેલરી બનાવવામાં આવી છે જ્યાં 10,000 લોકો બેસીને જોઈ શકે.

અગાઉ સરકાર જ તમામ સ્પેસ મિશન અને ક્ષેત્રમાં કામ કરતી. પ્રાઇવેટ ક્ષેત્રને માત્ર વેન્ડર બનાવી દેવાથી તેના માટે આગળ વધવાના રસ્તે અવરોધ રહ્યા હતા. તેઓ વિજ્ઞાની હોય કે યુવાન પણ કામ જ નહોતા કરી શકતા. આ બધામાં નુકસાન દેશનું થતું હતું.

દેશ આજે ઇન-સ્પેસ દ્વારા વિનર બનાવવાનું અભિયાન શરૂ કરી રહ્યો છે. ભારતના સરકારી સ્પેસ સંસ્થાઓનું સામર્થ્ય તથા ખાનગી ક્ષેત્રનું પેશન સાથે આવશે ત્યારે આકાશ પણ ઓછું પડશે. આગામી દિવસોમાં ભારતના અવકાશ ક્ષેત્રની તાકાત નવી ઊંચાઈએ હશે. ઇન-સ્પેસ, સ્ટાર્ટઅપ અને ઇસરોની વચ્ચે મધ્યસ્થી તરીકે કામગીરી કરશે.

વડાપ્રધાને જણાવ્યું કે, જો આજે કોઈ યુવાન વિશાળ બિલ્ડિંગ બનાવવા માગતો હોય તો એને શું આપણે એવું કહીશું કે તારે પીડબલ્યુડી પાસે જ બનાવડાવવું પડશે? અથવા કોઈ યુવાન કશુંક ઈનોવેશન કરવા માગતો હોય તો શું આપણે કહી શકીએ કે આ કામ માત્ર સરકારી વ્યવસ્થા મારફતે જ થઈ શકશે? આ સાંભળવામાં જ વિચિત્ર લાગે છે, પરંતુ આપણા દેશમાં અલગ અલગ ક્ષેત્રમાં આ જ સ્થિતિ હતી. આજે યુવાન રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર થવા માગે છે ત્યારે આપણે તેની સામે એવી શરત ન મૂકી શકીએ કે જે કરવું હોય તે સરકારી માર્ગે કરો. એ સમય ચાલ્યો ગયો. અમારી સરકાર ભારતના યુવાનો સામેના તમામ અવરોધ દૂર કરી રહી છે. ખાનગી ક્ષેત્ર માટે ઈઝ ઑફ ડુઇંગ સરળ બનાવીએ જેથી સૌને લાભ થાય.

અવકાશ ક્ષેત્રમાં પહેલાની વ્યવસ્થા હતી તેમાં યુવાનોને તક મળતી નહોતી. દેશનું દુર્ભાગ્ય હતું કે સમય સાથે રેગ્યુલેશન અને રિસ્ટ્રિક્શન વચ્ચેનું અંતર હતું તે ભૂલી જવાયું હતું. આજે યુવાન રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર થવા માગે છે ત્યારે આપણે તેની સામે એવી શરત ન મૂકી શકીએ કે જે કરવું હોય તે સરકારી માર્ગે કરો. એ સમય ચાલ્યો ગયો. અમારી સરકાર ભારતના યુવાનો સામેના તમામ અવરોધ દૂર કરી રહી છે. ખાનગી ક્ષેત્ર માટે ઈઝ ઑફ ડુઇંગ સરળ બનાવીએ જેથી સૌને લાભ થાય.

અમે અવકાશ ક્ષેત્રમાં સુધારા કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો આશંકા વ્યક્ત કરતા હતા કે અવકાશ ક્ષેત્રમાં કોણ ખાનગી કંપની આવશે. પણ આજે 60થી વધુ ખાનગી કંપનીઓ આવી છે. એ જોઇને મને પ્રસન્નતા થાય છે. કેટલીક ખાનગી કંપનીઓએ પીએસએલવી તૈયાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે એટલું જ નહીં પરંતુ કેટલીક કંપનીઓએ તો ડિઝાઇન પણ બનાવી લીધી છે. આ તમામ સફળતાઓની સંપૂર્ણ ક્રેડિટ ઇસરોને જાય છે.

કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ ઉપરાંત ઈસરો અધ્યક્ષ એસ સોમનાથ, પવનકુમાર ગોએન્કા – અધ્યક્ષ ઇનસ્પેસ ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, ભારતે આજે અગાઉની સરકારોએ નીતિ નિર્ધારણ માટે જેટલું કામ થવું જોઇતું હતું એ નહોતું કર્યું. દેશના નિષ્ણાતો યોગ્ય કામ કરી શકે એવી નીતિ જ નહોતી. નરેન્દ્ર મોદીજીએ વડાપ્રધાન બન્યા બાદ સૌથી પહેલું કામ વિવિધ નીતિ બનાવવાનું કામ કર્યું. આજે જે વડામથકનું ઉદ્દઘાટન કર્યું તે આપણા માટે ઘણી મોટી સંભાવનાઓ ઊભી કરશે.

મોદીજી ભારતના લોકોમાં વિશ્વાસ રાખે છે અને તેનું પ્રમાણ તેમના જ એક નિવેદનથી મળે છે, તેમ જણાવી અમિત શાહે વડાપ્રધાનનું એ નિવેદન ટાંક્યું હતું કે, “અંતરિક્ષ ક્ષેત્રમાં જરૂર એ વાતની છે કે પ્રતિભા ઉપર કોઈ બંધન ન હોય, પછી તે સાર્વજનિક ક્ષેત્રની હોય કે ખાનગી ક્ષેત્રની”.

તાજેતર ના લેખો