અયોધ્યા, કાશી, કેદારનાથ … આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહી છે, પાવાગઢ મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સોઃમોદી
June 18, 2022
પાવાગઢ: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે સદીઓ પછી માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને નવી પ્રેરણા અને ઉર્જા તો આપે છે પરંતુ સાથે સાથે આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત પણ કરે છે. વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદે પણ મહાકાળીના આર્શિવાદ મેળવી પ્રભુ સેવાથી પ્રજા સેવાનો માર્ગ કંડાર્યો હતો એ જ રીતે મહાકાળીએ આપણને ઉર્જા- ત્યાગ- સર્મપણ સાથે દેશના જન-જનનો સેવક બનીને સેવા કરવાના આર્શિવાદ મને આપ્યા છે.
પ્રધાનમંત્રીશ્રીએ આજે ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કર્યું હતુ.
આ પ્રસંગે માતાના દરબારથી સંતોને સંબોધન કરતા વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યુ કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને કેટલીક પળો વિતાવવાનો આશિર્વાદ પ્રાપ્ત કરવાનુ સૌભાગ્ય મને મળ્યું છે. મારુ જીવન ધન્ય થઈ ગયું. સપનુ સંકલ્પ બનતુ હોય અને તે સિદ્ધ થતુ હોય તો આનંદ થાય છે. આજની પળ મારા અંતરમનને વિશેષ આનંદ આપે છે.
પાંચ શતાબ્દી પછી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આજથી થોડા દિવસ બાદ આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનુ મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ જ વિશેષતા છે. ગુપ્ત નવરાત્રિ છે, પણ શક્તિ સુપ્ત અને લૂપ્ત થતી નથી. જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે. પાવાગઢમાં મા કાળીના આશિર્વાદથી આ જ શક્તિનુ પ્રાગટ્ય જોઈ રહ્યાં છીએ. સદીઓ બાદ મહાકાળીનુ આ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે આપણા મસ્તિષ્કને ઉંચુ કરે છે.
Historic moments when Prime Minister Narendrabhai Modi hoisted religious flag atop the redeveloped Mahakali Mandir at Pavagadh this morning. After five centuries the Mandir got flag atop it. The occasion is considered parallel to the dedication of reconstructed Somnath Mandir. pic.twitter.com/rPOkzD9b1I
— DeshGujarat (@DeshGujarat) June 18, 2022
તેમણે કહ્યુ કે, આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એકવાર ફરીથી શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનુ પ્રતિક નથી, પણ સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે તેનુ પ્રતિક છે. અયોધ્યા, કાશી કે કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. પોતાની પ્રાચીન ઓળખને પણ ઉમંગથી જીવી રહ્યા છે. દરેક ભારતીય તેના પર ગર્વ કરે છે. આ આધ્યાત્મિક સ્તર નવી શક્યતાઓના સ્ત્રોત બની રહ્યાં છે. પાવાગઢના મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે.
તેમણે કહ્યુ કે, આ અવસર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસનુ પ્રતિક છે. મને મહાકાળી મંદિરમાં ધજારોહણ અને પૂજાની તક મળી. માતા મને પણ આશિર્વાદ આપે કે હુ વધુ ઉર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનનો સેવક બનીને તેમની સેવા કરું. મારુ જે પણ સામ્યર્થ છે, મારા જીવનમાં જે પણ પુણ્ય છે, તે હુ દેશની માતા અને બહેનોના કલ્યાણ માટે, દેશ માટે સમર્પિત કરું છું.
વડાપ્રધાનશ્રીએ કહયું હતુ કે, સદીઓના સંઘર્ષ બાદ ભારત આઝાદ થયુ તો ગુલામી અને અત્યાચારની ભાવનાથી ભરેલા હતા. આપણા અસ્તિત્વના પડકારરૂપ હતા. તેના માટે આપણે લડ્યા હતા. સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર પટેલ થકી સોમનાથથી થઈ હતી. આજે જે ધજા ફરકી છે, તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે. પંચમહાલના લોકોએ સદીઓથી આ મંદિરને સાચવ્યુ છે. આજે તેમનુ સપનુ પૂરુ થયું. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ. એક સમયે અહીં માતાના ચરણોમાં લગ્નની કંકોતરીઓ મૂકાતી, અને બાદમાં નિમંત્રણ માતાની સામે વંચાવાતી હતી. તેના બાદ નિમંત્રણ મોકલનારને શુભેચ્છા જતી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. માતાના આર્શીવાદ વગર તે સંભવ ન હતું. વિકાસકાર્યોમાં ખાસ વાત એ છે કે, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપ્યુ, પણ ગર્ભગૃહનુ મૂળ સ્વરૂપ એવુ જ રખાયુ છે. લોકોએ અહી મળીને કામ કર્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રવાસન પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો છે. રાજ્ય સરકાર યાત્રિકોની પ્રાર્થના અને પર્યટન બંને સુગમ બને તે માટે પ્રયત્નશીલ છે, જેના પરિણામે ગુજરાતના યાત્રાધામો ભવ્ય બની રહ્યા છે. ગુજરાતની પવિત્રભૂમિ પર અનેક પ્રતિષ્ઠિત દેવસ્થાનો છે જેના કારણે રાજ્યમાં પિલ્ગ્રિમેજ ટુરિઝમનો મોટા પાયે વિકાસ થયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, પાવાગઢ ધામમાં આવતા શ્રધ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે ૧૨૧ કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા, આવનારા દિવસોમાં રૂપિયા ૩૭ કરોડના ખર્ચે વિકાસ કામો થવાના છે. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પામેલા ચાંપાનેર ખાતે અનેક પ્રવાસીઓ આવે છે, ત્યારે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં રૂ. ૨૦ કરોડની જોગવાઈ પણ કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશા-નિર્દેશમાં રાજ્ય સરકારે યાત્રાધામોનો સુઆયોજિત વિકાસ કર્યો છે. ભારત સરકારની પ્રસાદ યોજનામાં ગુજરાતના દ્વારિકા, સોમનાથ અને અંબાજીનો સમાવેશ થતા યાત્રાધામોના વિકાસને વધુ વેગ મળ્યો છે.
તાજેતરમાં સોમનાથ ખાતે નવનિર્મિત સર્કિટ હાઉસ, અંબાજીમાં સુવર્ણ મંડિત મંદિર સાથે ૫૧ શક્તિપીઠ, પરિક્રમા પથ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરેનું વડાપ્રધાનશ્રી દ્વારા ઉદ્દઘાટન તેમ જ માધવપુર ઘેડના પવિત્ર મેળાના આયોજનથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને થયેલા લાભની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આસ્થાના પ્રતિક એવા યાત્રાધામોની સુવિધાઓનો વિવેકપૂર્વક ઉપયોગ થાય અને યાત્રાધામ સ્વચ્છ રહે તેવા હેતુથી નજીકના મંદિરો અને પવિત્ર સ્થળોની સાફ-સફાઈ કરવામાં યોગદાન આપવા જનતાને અપીલ કરી હતી.
ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઇ પટેલે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યુ હતું કે, વર્ષો જૂના આ મંદિરમાં માતાજી બિરાજમાન છે અને દેશના શક્તિપીઠો પૈકીના એક એવા આ મંદિરમાં વર્ષે દોઢથી બે કરોડ લોકો દર્શાનાથે આવે છે. મંદિરનું પરિસર ખૂબ જ સાકડું હતુ અને મંદિર પણ ખૂબ જૂનું થઇ ગયું હતું. પગથિયા વ્યવસ્થિત નહોતા એટલે યાત્રિકોને કોઇપણ પ્રકારની તકલીફો ન પડે તે માટે માતાજીના મંદિર સુધીના ૫૦૦ પગથિયાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, મંદિરના નિર્માણ માટે રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચ પૈકી ૭૦ ટકા ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને ૩૦ ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આગામી સમયમાં યજ્ઞશાળા, દૂધિયા તળાવ પાસે બૃહદ ભોજનશાળા અને પ્રવાસીઓના રાત્રિ રોકાણ માટેની ભક્તિનિવાસ સુવિધાઓ તેમજ છાસિયા તળાવ પાસેથી સીધી જ માતાજીના મંદિર સુધી પહોંચાડતી બે મોટી લિફ્ટ ઊભી કરવામાં આવશે સાથે જ પાવાગઢ પર્વત પર માતાજીના મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતો પ્રદક્ષિણા પથ તૈયાર કરવામાં આવશે. માંચી પાસે અતિથિગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે. આજુબાજુમાં પર્વત પર વનવિભાગના સહયોગથી મોટાપાયે વૃક્ષારોપણનું આયોજન હાથ ધરાશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને ટ્રસ્ટી મંડળ દ્વારા ચાંદીનું શ્રી કાલી યંત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા પાવાગઢ ખાતેના વન પ્રોજેક્ટ માટે ૬૦ લાખ રૂપિયાનો ચેક રાજ્ય સરકારને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ અવસરે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી, ટ્રસ્ટીશ્રીઓ તેમજ સાંધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
Aerial shots of redeveloped Mahakali Mandir in Pavagadh, Gujarat where Prime Minister Narendrabhai Modi will shortly install first religious flag after centuries atop the Shikhar. pic.twitter.com/pooi9fOnc1
— DeshGujarat (@DeshGujarat) June 18, 2022
તાજેતર ના લેખો
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું