“મફત-મફત કહેવાનું બંધ કરો, એમ કહેવું એ છેતરપિંડી છે, ટેક્સ વધશે તો તમારા પર બોજો, દેવું વધશે તો તમારા બાળકો પર”
August 17, 2022
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેવડી કલ્ચર ઉપર પ્રહાર કર્યો ત્યારથી અમુક રાજકારણીઓ દ્વારા કરવામાં આવતી મફત વીજળી, મફત શિક્ષણ, બેરોરાજગારી ભથ્થું, મહિલાઓને માસિક ભથ્થું વગેરે મુદ્દા રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યા છે.
ચૂંટણી સમયે અમુક રાજકારણીઓ બેધડક મફતની યોજનાઓ અને ભથ્થાંની જાહેરાત કરી દેતા હોય છે, પરંતુ આવા રાજકારણીઓ પ્રજાને – મતદારોને સાચી વાત નથી જણાવતા કે, વાસ્તવમાં કશું મફત હોતું નથી અને મફતના નામે જે કંઈ આપવામાં આવે તેની પાછળ દેવાં અને કરવેરા લાગતા જ હોય છે.
આ વિષય ઉપર તાજેતરમાં સંસદ ટીવી ઉપર યોજાયેલી એક ચર્ચામાં એગ્રો (EGROW)ના સીઈઓ પ્રો. ચરણસિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મફત-મફત કહેવાનું બંધ કરવું જોઇએ. આ એક પ્રકારની છેતરપિંડી છે. તેમણે આ સંદર્ભમાં વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું કે, ‘કોઈપણ સરકાર કદી મફતમાં કશું આપી શકતી નથી. હકીકતે રાજ્ય સરકારો દ્વારા જે કંઈ મફતમાં આપવામાં આવે તેના માટે કાંતો કેન્દ્ર સરકાર પાસેથી લોન રૂપે નાણા લેવામાં આવે છે અથવા રાજ્યના નાગરિકો ઉપર બીજી અલગ અલગ રીતે વેરા લાદવામાં આવે છે. પ્રો. ચરણસિંહે જણાવ્યું કે, મફતની જાહેરાતો કરનાર રાજકારણીઓએ મતદારો સમક્ષ સ્પષ્ટતા કરવી જોઇએ કે, તમને અત્યારે મફત આપીશું તો તે 10 વર્ષ પછી તમારા બાળકો પાસેથી વસુલ કરીશું અથવા તમારા ઉપર જ અલગ અલગ રીતે ટેક્સ લાદીશું કેમ કે તમને જે મફત આપવાનું છે તે માટે હું લોન લેવાનો છું.’
‘રાજ્ય પાસે આવું વધારાનું મફત આપવાના નાણા હોતા નથી, અને તેથી તમને જે મફત આપવામાં આવે છે એ તમને મફત લાગે છે, પણ હકીકતે એ મફત નથી જ. કશું મફતમાં આપવાની વાત કરવી અને સબસિડી આ બંને વચ્ચે તફાવત છે. જેમ કે અન્ન પર સબસિડી મળે, પેટ્રોલિયમ ઉપર સબસિડી મળે – પરંતુ એ બધું સંપૂર્ણ મફત નથી. એ માટે પણ કેન્દ્ર સરકાર ઉપર બોજ આવે જ છે.’
પ્રો. ચરણસિંહે આ સંદર્ભમાં મહિલાઓને પ્રતિ માસ 1000 રૂપિયા આપવાની જાહેરાતનો ઉલ્લેખ કર્યો. તેમણે પ્રશ્ન કર્યો કે આના માટે નાણા ક્યાંથી આવશે. મૂળ પંજાબના પ્રો. ચરણસિંહ કહ્યું કે, હું તમને પંજાબનું ઉદાહરણ આપું. અમારા રાજ્યમાં સ્થિતિ એ છે કે, રાજ્ય સરકાર આવક ઊભી કરવા માટે દારુની દુકાનો ખોલી દેશે. આને કારણે સ્થિતિ વધારે ગંભીર બનશે. લોકોને દારુની લત લાગશે અને નશાખોર બની જશે. દારુની દુકાનો ખોલી દેવાથી તમારે મફતની વહેંચણી કરવા માટે જે નાણા જોઇએ છે તે આવી જશે, પરંતુ નાગરિકોની ઉત્પાદક્તા ઉપર ગંભીર અસર પડશે. આ કારણે મફતની જાહેરાતો કરવામાં તેમજ સબસિડી આપવામાં કાળજી રાખવી જોઇએ, અન્યથા આગળ જતાં નાણાકીય સ્થિતિ એવી ખરાબ થશે કે દારુની દુકાનો ખોલીને આવક ઊભી કરવી પડશે.
પંજાબ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનો 50 ટકા ખર્ચ તો નિશ્ચિત છે જેમાં વ્યાજની ચૂકવણી, પગાર, પેન્શન વગેરેનો સમાવેશ થાય છે. હવે આટલો ખર્ચ તો નિશ્ચિત છે જ ત્યારે નવી નીતિ કેવી રીતે બનાવી શકાશે?
બીજો મુદ્દો, જે મફતનું આપવાની જાહેરાત થઈ રહી છે તે રાજ્યની જીડીપીના લગભગ 2.7 ટકા છે. આનો અર્થ એ થાય કે પંજાબની જે કુલ ખાધ છે તે રાજ્યની જીડીપીના 4.6 છે. રાજ્યની આવકની જે ખાધ છે તેના કરતાં આ આંકડા વધુ છે. આનો સીધો અર્થ એ છે કે જે મફતનું આપવાની જાહેરાતો છે તે લોન લઇને આપવામાં આવશે. લોન લઇને મફત આપવામાં આવશે તો વિચારો કે રાજ્યની નાણાકીય સ્થિતિનું શું થશે. હાલ પંજાબે જે મફતની જાહેરાતો કરેલી છે તે તેની કુલ આવકના 45 ટકા છે. આમ આવી રીતે બધું ફ્રીમાં આપવામાં આવશે તો બીજી યોજનાઓનું શું થશે? અને તેથી જ પંજાબની સ્થિતિ અત્યંત ગંભીર છે એમાં કોઈ શંકા નથી તેમ પ્રો. ચરણસિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે દેશમાં એવા કેટલાક રાજ્ય છે જે બેજવાબદારીભર્યું વર્તન કરીને જાહેરાતો કરે છે. આ સંદર્ભમાં તેમણે પંજાબની સાથે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને કેરળનાં ઉદાહરણ આપ્યાં હતાં જ્યાં મફતના નામે રાજ્યની તિજોરી પર બિનજરૂરી બોજ પડી રહ્યો છે. લોનની ચૂકવણીના પ્રમાણમાં પંજાબનો આવકનો રેશિયો 50 ટકા કરતાં ઓછો છે, અર્થાત આવકના પ્રમાણમાં લોનની ચૂકવણી 50 ટકા કરતાં વધુ છે. આ તફાવત દેશના અન્ય તમામ રાજ્યો કરતાં વધુ છે.
એટલું જ નહીં પરંતુ પંજાબ સરકારનો રોજિંદો ખર્ચ તેની આવકના 90 ટકા છે. આનો અર્થ એ છે કે પંજાબ સરકાર જે નવી લોન લેશે તેમાંથી કોઈ નવી યોજના તો આપી જ નહીં શકે, પરંતુ એ નવી લોન ખર્ચા પૂરા કરવામાં અને અગાઉ લીધેલી લોનનું વ્યાજ ચૂકવવામાં વપરાશે. આ રીતે રાજ્ય દેવાના ગંભીર અજગર ભરડામાં ફસાઈ જશે.
પ્રો. ચરણસિંહે જણાવ્યું કે, જો કેન્દ્ર સરકાર આ બધી રાજ્ય સરકારોની મદદ ન કરે તો આવાં રાજ્યોની સ્થિતિ ઘણી ખરાબ થઈ શકે તેમ છે. આપણે જોયું છે કે, પંજાબના મુખ્યપ્રધાન (ભગવંત માન) વડાપ્રધાનને મળવા ગયા હતા અને મદદ માગી હતી. આવી સ્થિતિ ઘણાં રાજ્યોની હોય છે.
તેમણે કહ્યું કે, જે રાજ્યો કેપિટલ એક્સપેન્ડિચર નથી કરતા તેનો અર્થ એ છે કે એ રાજ્યો ભાવિ પ્રગતિ સાથે સમાધાન કરી રહ્યા છે. આ બાબત પરથી વર્તમાન નાણાકીય સ્થિતિને આધારે ભવિષ્યનું શું થશે એ ખ્યાલ આવે છે.
પ્રો. ચરણસિંહે ભારતીય રિઝર્વ બેંકના જૂન મહિનાના અહેવાલનો હવાલો આપીને કહ્યું કે મને લાગે છે કે કેન્દ્ર સરકારે એક નીતિ બનાવવી જોઇએ અને રાજ્યોને કહેવું જોઇએ કે, જો તમારે કેન્દ્ર પાસેથી નાણાકીય સહાય લેવી હોય તો કેન્દ્રની અમુક શરતોનું પાલન કરવું પડશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે