સ્પેક્ટ્રમ ફાળવણીની ગતિથી અચંબિત એરટેલના સુનિલ મિત્તલે કહ્યું 30 વર્ષમાં આ પહેલો અનુભવ!

નવી દિલ્હીઃ દેશમાં ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસથી કેટલી સરળતા થઈ છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ આજે જોવા મળ્યું. સંદેશાવ્યવહાર ક્ષેત્રની દેશની ટોચની કંપની ભારતી એરટેલના સ્થાપક અને ચૅરમેન સુનિલ ભારતી મિત્તલે આ અંગે જે આનંદ વ્યક્ત કર્યો છે તે દેશ પ્રત્યે હંમેશાં નકારાત્મક વલણ ધરાવનારાઓ પ્રત્યે તમાચા સમાન છે.

સુનિલ ભારતી મિત્તલે તેમને થયેલો અનુભવ શૅર કરતાં લખ્યું છે કે, “ગઈકાલે એરટેલે સ્પેક્ટ્રમની ફાળવણી માટે રૂપિયા 8,312.4 કરોડ ચૂક્યા અને થોડા કલાકમાં જ (કંપનીને) નિર્ધારિત ફ્રિક્વન્સી બૅન્ડ માટેનો પત્ર આપી દેવામાં આવ્યો. અપાયેલા વચન અનુસાર ઈ-બૅન્ડની ફાળવણી થઈ ગઈ.

કોઈ હોહા નહીં, કોઈ ફૉલોપ નહીં, (સરકારી કચેરીઓમાં) અહીંથી ત્યાં દોડાદોડ કરવાની જરૂર નહીં અને કોઈ મોટા દાવા નહીં. આ ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ છે અને તે પૂર્ણ સ્વરૂપમાં કામ કરી રહ્યું છે. ડીઓટી સાથેના મારા 30 વર્ષ કરતાં વધુ સમયના સીધા અનુભવમાં આવું પ્રથમ વખત બન્યું!

બિઝનેસ જે રીતે હોવો જોઇએ એવું જ થયું. (સરકારમાં) ટોચના સ્થાને તેમજ ટેલીકૉમ વિભાગમાં નેતાગીરી શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. કેવો સરસ બદલાવ છે! એવો બદલાવ જે આ દેશને બદલી શકે એમ છે – એક વિકસિત દેશ તરીકેના સ્વપ્નને વધુ બળ મળે.”

દેશના વધુ એક ટોચના ઉદ્યોગપતિએ આ રીતે જાહેરમાં વ્યક્ત કરેલો રાજીપો વાસ્તવમાં દેશ-વિદેશમાં ભારતની છબીને વધુ ઉજાગર કરશે. એટલું જ નહીં પરંતુ ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસની બાબતમાં દેશ 79 સ્થાન આગળ આવી ગયો છે તેનું આ પ્રમાણ છે.

દેશ ગુજરાત