ચાર ફેક ન્યુઝ ફેલાવવામાં આવ્યા, થોડા કલાકમાં ચારેયનો પર્દાફાશ

નવી દિલ્હીઃ ગઈકાલથી શરૂ કરીને હજુ આજ સુધી એવા ચાર સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે જેના કોઈ આધાર-પુરાવા જ નથી. આવા દરેક ફેક ન્યૂઝને સત્તાવાર રદિયા આપવામાં આવેલા હોવા છતાં એ રદિયાને ધ્યાનમાં લીધા વિના સોશિયલ મીડિયામાં અનેક લોકો એ ફેલાવ્યા કરે છે.

આવા પહેલા ફેક ન્યૂઝ હતા યુપીઆઈ દર અંગેના. ગઈકાલે કોઇએ એવા સમાચાર ફેલાવી દીધા હતા કે યુપીઆઈ સેવાઓ ઉપર અર્થાત ડિજિટલ માધ્યમથી થતા નાણાકીય વ્યવહારો ઉપર સરકાર ચાર્જ વસુલ કરશે. આ સમાચાર ફેલાતાં સોશિયલ મીડિયા ઉપર અનેક લોકોએ સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. અનેક લોકોએ આવી સેવા ઉપર ચાર્જ ન લેવો જોઇએ એવી લાગણી વ્યક્ત કરી હતી. તો સામે અનેક લોકો એવા પણ હતા ચાર્જની તરફેણ કરી હતી. એક યુઝરે કહ્યું કે, દેશના સામાન્ય નાગરિકો ઉપર મોંઘવારી અને ભાવ વધારા જેવી અનેક બાબતોનો બોજ છે ત્યારે યુપીઆઈ પર ચાર્જ લેવાનો બોજ ન નાખવો જોઇએ. જોકે આ દલીલના જવાબમાં પીસીઆઈ સિક્યોરિટી સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલના એસોસિયેટ ડિરેક્ટર નિતિન ભટનાગરે કહ્યું કે, ચાર્જ લેવામાં નહીં આવે તો બિઝનેસ ટકી શકશે નહીં.

જોકે છેવટે નાણા મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી હતી કે યુપીઆઈ પર ચાર્જ વસુલવાની કોઈ દરખાસ્ત સરકાર પાસે નથી.

આવા જ એક ફેક સમાચાર ઘઉંની આયાત અંગે ફેલાયા હતા. કોઇએ એવા સમાચાર વહેતા કરી દીધા હતા કે ભારત ઘઉંની આયાત કરશે. આ વિશે પણ લોકોએ વિરોધમાં પ્રત્યાઘાત આપ્યા હતા. જોકે ખાદ્યાન્ન મંત્રાલય દ્વારા ઘઉંની નિકાસની કોઈ દરખાસ્ત હોવાનો ઇનકાર કરવામાં આવતા વિવાદ શમ્યો હતો.

આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ એક ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે નાગરિકો પાસેથી ઓછા કરવેરા લેવામાં આવતા હતા અને કોર્પોરેટ કંપનીઓ પાસેથી વધુ ટેક્સ વસુલ કરવામાં આવતો હતો. તેમણે આ અંગે એક ગ્રાફિક શૅર કરીને દાવો કર્યો કે ભાજપના શાસનમાં કોર્પોરેટ કંપનીઓ પાસે ઓછો ટેક્સ લેવામાં આવે છે પરંતુ સામાન્ય નાગરિકો પાસેથી વધુ કરવેરા વસુલ કરવામાં આવે છે.

તેમના આવા દાવા અંગે નાણા મંત્રાલય દ્વારા રદિયો આપવામાં આવ્યો હોવાનું અને રાહુલ ગાંધીનો દાવો ખોટો હોવાનું જણાવવામાં આવ્યું હતું તેમ ધ હૉક આઈના ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે.

આ યુઝરે સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈએ લૂકઆઉટ નોટિસ જારી કરી હોવા અંગેના સમાચારનો પણ પર્દાફાશ કર્યો છે. ગઈકાલે રવિવારે આખો દિવસ તમામ સમાચાર ચેનલ ઉપર માત્ર આ મુદ્દા પર જ ચર્ચા થતી રહી હતી, પરંતુ અહેવાલ અને ચર્ચા બધું સૂત્રો આધારિત હતું, કોઇની પાસે સત્તાવાર સમાચાર નહોતા.

મોડેથી એએનઆઈ સમાચાર સંસ્થાએ સ્વયં સીબીઆઈના સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે, સિસોદિયા વિરુદ્ધ હજુ સુધી લૂક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો નથી, પણ ટૂંક સમયમાં જારી થવાની શક્યતા છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો