રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦%; સૌથી વધુ કચ્છમાં ૧૫૬ ટકા, સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં ૮૨.૨૯ ટકા

ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦.૧૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં ૧૫૫.૩૬ ટકા અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં ૮૨.૨૯ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં ૧૦૭.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૪૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૮.૩૧ ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૪/૮/૨૦૨૨ ના રોજ સવારે ૭.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાકમાં ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં ૨૦૩ મીમી એટલે કે આઠ ઇંચથી વધુ, મોરબી તાલુકામાં ૧૩૪ મીમી, બેચરાજીમાં ૧૨૪ મીમી અને રાધનપુર તાલુકામાં ૧૨૧ મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

આ ઉપરાંત વિસનગર તાલુકામાં ૧૧૪ મીમી, ઇડર તાલુકામાં ૧૨૦ મીમી, અને પાટણ તાલુકામાં ૯૮ મીમી મળી કુલ ૩ તાલુકામાં ચાર ઇંચ જેટલો, વિજાપુર તાલુકામાં ૮૨ મીમી, સરસ્વતીમાં ૯૦ મીમી, અમીરગઢમાં ૮૯ મીમી, પોશીનામાં ૮૯ મીમી, માણસામાં ૮૯ મીમી, જોટાણામાં ૮૪ મીમી અને હિમતનગરમાં ૭૪ મીમી મળી કુલ ૯ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

સપ્તેશ્વર, સાંતલપુર, ઉંઝા, સિધ્ધપુર, પ્રાંતિજ, કડી, હરીજ, કલોલ, વિજયનગર, ચિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજ મળી કુલ ૧૫ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૪૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના જળ સંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વાર મળેલા અહેવાલો મુજબ રાજ્યના ૨૦૭ જળાશયો માં તા. ૨૪/૮/૨૦૨૨ સુધીમાં ૮૧.૪૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૯૦.૯૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

સરદાર સરોવર જળાશયમાં ૩૦,૩૨,૪૬, MCFT જળસંગ્રહ છે. અને ૨૦૬ જળાશયોમાં ૪,૨૭,૨૧૧ MCFT જળસંગ્રહ થયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પરિણામે ૫૭ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. જ્યારે ૭૨ જળાશયો સરદાર સરોવર સહીત ૭૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે, ૨૯ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા વચ્ચે, ૨૨ જળાશયો ૨૫ ટકાથી ૫૦ ટકા વચ્ચે, અને ૨૮ જળાશયો ૨૪ ટકાથી ઓછા ભરાયા છે.

રાજ્યના ૫૬ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૩૯ જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ હાઈ એલર્ટ પર, ૧૬ જળાશયોમાં ૮૦ ટકાથી ૯૦ ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ એલર્ટ પર તથા ૧૯ જળાશયોમાં ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ હોઈ સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

દેશ ગુજરાત

🗃️ This story is from our archives and may contain outdated information.