ખાદ્યતેલોના ભાવો પર વૈશ્વિક પરિબળોની અસર, ભારત માટે ખાદ્યતેલોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાનો અવસર

  • ભારત યુક્રેનમાંથી 90 ટકા જેટલું સનફ્લાવર ઓઇલની આયાત કરે છે.
  • રશિયા-યુક્રેન યુદ્ધથી આયાત અવરોધાવાથી તેના ભાવમાં ઊછાળો આવ્યો છે તેની અસર અન્ય ખાદ્યતેલોના ભાવ પર પડી છે

ગુણવંત સાધુ

દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે તેવા સમયે ખાદ્યતેલોના વધેલા ભાવોએ મોંઘવારીના માર વચ્ચે લોકોના રસોડાના બજેટને ખોરવી નાખ્યું છે. આ વર્ષની શરૂઆતથી વિવિધ ખાદ્યતેલોના ભાવો વધતા રહ્યા છે. પરંતુ પાછલા થોડા મહિનાઓમાં તેમાં ઊછાળો આવ્યો છે. ખાદ્યતેલોના ભાવોમાં થયેલો વધારો માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, પરંતુ ભારત સહિત વિશ્વના અનેક દેશો મોંઘા તેલોના કારણે પરેશાન છે. ખાદ્યતેલોના ભાવો વધવા પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો વધુ જવાબદાર છે. ભારત મોટા પ્રમાણમાં ખાદ્યતેલોની આયાત કરે છે તેથી પૂરવઠો ખોરવાતા તેની અસર ભાવો પર થઇ છે. રશિયાએ યુક્રેન પર કરેલા લશ્કરી હુમલા પછી વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલથી લઇને ખાદ્યતેલો સુધીની ચીજવસ્તુઓના ભાવોમાં ભડકો થયો છે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયા જેવા ખાદ્યતેલોનું મોટા પાયે ઉત્પાદન કરતા દેશોએ નિકાસો પર પ્રતિબંધ મૂકતા તેલોના પૂરવઠા પર અસર પડી હતી.

ગુજરાતમાં મુખ્યત્વે સિંગતેલ, સનફ્લાવર તેલ, કપાસિયા, રાઇસબ્રાન જેવા તેલોનો વપરાશ વધારે છે. જ્યારે ભારતમાં સૌથી વધુ વપરાશ પામ તેલનો છે. તે પછી સોયાબીન, અને સરસિયું અને સનફ્લાવર તેલનો વપરાશ થાય છે. આ ખાદ્યતેલોનો હિસ્સો દેશના કુલ વપરાશમાં લગભગ 70 ટકાથી વધુ છે. સનફ્લાવર તેલના ભાવમાં ઊછાળો આવતા લોકો અન્ય તેલો તરફ વળી રહ્યા છે તેથી અન્ય તેલોના ભાવ પણ વધ્યા છે.

ભારતખાદ્યતેલોના કુલ વપરાશના 85 ટકાની આયાત કરવી પડે છે

ભારતની વાત કરીએ તો, ભારત ખાદ્યતેલોના વપરાશમાં ચીન અને અમેરિકા પછી ત્રીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે. દેશમાં તેલિબિયાંનું વધુ ઉત્પાદન થતું હોવા છતાં ખાદ્યતેલોનું ઘરેલું ઉત્પાદન લોકોના વપરાશને પહોંચી વળે એટલું નથી. તેથી વિવિધ ખાદ્યતેલોની આયાત કરવી પડે છે. ભારત ખાદ્યતેલોનો વિશ્વમાં સૌથી મોટો આયાતકર્તા દેશ છે અને તેના વપરાશના 85 ટકા ખાદ્યતેલોની આયાત કરે છે. ભારત જે વિવિધ વનસ્પતિ તેલોની આયાત કરે છે તેમાં મુખ્યત્વે ક્રુડ પામ ઓઇલ, સોયાબીન ક્રુડ અને એડિબલ ઓઇલ્સ, રિફાઇન્ડ પામ ઓઇલ અને સનફ્લાવર સીડ ઓઇલ મુખ્ય છે.

ભારત મુખ્યત્વે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી પામ તેલની, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાંથી સોયા તેલની અને યુક્રેન તથા આર્જેન્ટિનાામંથી સનફ્લાવર ઓઇલની આયાત કરે છે. પરંપરાગત રીતે, પામ તેલ ભારતની કુલ ખાદ્ય તેલની આયાતમાં લગભગ બે તૃતીયાંશ (62%) હિસ્સો ધરાવે છે, જ્યારે સોયાઓઇલ અને સનફ્લાવર તેલ અનુક્રમે 20% અને 16% હિસ્સો ધરાવે છે.

ભારત યુક્રેનમાંથી 90 ટકા જેટલું સનફ્લાવર ઓઇલની આયાત કરે છે, જે અવરોધાવાથી ઘરઆંગણે પૂરવઠા પર અસર પડવાથી તેના ભાવમાં ઊછાળો આવ્યો છે. તેની અન્ય ખાદ્યતેલોના ભાવ પર અસર પડી છે. વિવિધ ખાદ્યતેલોના છૂટક ભાવ ગયા વર્ષની તુલનામાં કેટલા વધ્યા છે તે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યું છે.

ગયા વર્ષની તુલનામાં ખાદ્યતેલોની સરેરાશ રીટેલ કિંમતમાં ફેરફાર

ખાદ્યતેલનું નામ

27-8-2021

27-8-2022

ફેરફાર

વનસ્પતિ તેલ

135.43

152.04

12.6 ટકા

સનફ્લાવર તેલ

165.6

176.89

7.2 ટકા

સિંગતેલ

175.76

186.98

7 ટકા

સોયાબિન તેલ

152.65

155.20

1.6 ટકા

પામ તેલ

134.43

133.96

લગભગ સ્થિર

સરસિયું

173.16

173.31

લગભગ સ્થિર

દેશમાં ખાદ્યતેલોની સરેરાશ રીટેલ કિંમત રૂપિયામાં (1 લિટર દીઠ)

(આ આંકડા ગ્રાહક બાબતોના વિભાગ (પ્રાઇસ મોનિટરિંગ સેલ)માંથી મેળવ્યા છે.)

કેન્દ્ર સરકાર તરફથી ભાવોને કાબૂમાં લેવા સમયસર દરમિયાનગીરી

કેન્દ્ર સરકાર તરફથી ખાદ્યતેલોના ભાવોને કાબૂમાં લેવા માટે પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. ખાદ્યતેલોની આયાત પર આ વર્ષે જૂન મહિનામાં વેરાકીય રાહત આપવામાં આવી હતી. રિફાઈન્ડ સોયાબીન તેલ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની બેઝિક ડ્યુટી 32.5% થી ઘટાડીને 17.5% કરવામાં આવી છે અને રિફાઈન્ડ પામ ઓઈલ પરની બેઝિક ડ્યુટી 17.5% થી ઘટાડીને 12.5% કરવામાં આવી છે. સરકારે રિફાઈન્ડ પામ ઓઈલની ફ્રી આયાતને 31-12- 2022 સુધી લંબાવી છે. સરકારની દરમિયાનગીરીના પગલે ખાદ્યતેલોની મોટી કંપનીઓએ તેલોમાં લિટર દીઠ રૂ.10થી રૂ.15 વચ્ચેનો ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત, દેશમાં ખાદ્યતેલો સરળતાથી ઉપલબ્ધ બની રહે તે માટે તેલો અને તેલિબિયાં પર 31 ડિસેમ્બર, 2022 સુધી સ્ટોક લિમિટ લાગુ કરવામાં આવી છે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની કેન્દ્રીય ટીમોએ સંગ્રહખોરી અને નફાખોરીને રોકવા માટે મોટા તેલીબિયાં ઉત્પાદક/વપરાશ કરતા રાજ્યોમાં છૂટક વિક્રેતાઓ, જથ્થાબંધ વિક્રેતાઓ, મોટા વિક્રેતાઓ અને પ્રોસેસર્સ દ્વારા રાખવામાં આવેલા ખાદ્યતેલ અને તેલીબિયાંના સ્ટોકનું અચાનક નિરીક્ષણ કર્યું હતું.

રાજ્ય સરકારોને આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, 1955 હેઠળ કાયદામાં કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર ડિફોલ્ટર એન્ટિટીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે અને પુરવઠા શૃંખલાને પ્રતિકૂળ અસર ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આગામી સમયમાં ખાદ્યતેલોના ભાવ ઘટવાની આશા

સામાન્ય રીતે અગાઉ ઘણીવાર જોવા મળ્યું છે તેમ, ખાદ્યતેલોના ભાવ વર્ષ દરમિયાન વધતા ઘટતા રહેતા હોય છે. પરંતુ જે પરિબળોના કારણે ભાવ ઊછળ્યા હોય, તેની અસર ઓછી થાય પછી ભાવો સામાન્ય બને છે. આ વર્ષે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સારો વરસાદ થયો છે, તેથી એકંદરે ખેતી માટે ખૂબ ફાયદો થવાની આશા છે. તે સાથે મગફળી અને અન્ય તેલીબિયાંનો ખૂબ સારો પાક થવાની આશા છે. તેના પગલે ખાદ્યતેલોના ભાવમાં થોડો ઘટાડો આવી શકે છે. ઉપરાંત, સરકાર દ્વારા આયાત ડ્યુટીમાં ઘટાડો, સતત દેખરેખ જેવા પગલાં ભાવોને કાબૂમાં રાખી શકે છે.

ખાદ્યતેલોના ઉત્પાદનમાં ભારતે આત્મનિર્ભર થવાનો અવસર

દેશમાં ખાદ્યતેલોના મોટાપાયે વપરાશ સામે ઉત્પાદન ઓછું છે અને તેથી દેશે તેમની આયાત કરવી પડે છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય ભાવોએ ખરીદીથી સરકારી તિજોરી પર બોજો પડે છે. વળી, આપણે ખાદ્યતેલોની આયાત માટે વિશ્વના જે દેશો પર આપણે આધાર રાખવો પડે છે ત્યાં વિવિધ કારણોસર ભાવોની વધઘટ કે પ્રતિબંધોના કારણે દેશના ગ્રાહકો, ઉત્પાદકો અને આયાતકારોને નુકસાન સહન કરવું પડે છે અથવા ઊંચી કિંમત ચુકવવી પડે છે. આ સંદર્ભમાં, એ ઉલ્લેખનીય છે કે ભારતમાં તેલીબિયાંના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવાની ક્ષમતા છે જે આયાત પરની નિર્ભરતા ઘટાડી શકે છે અને ખેડૂતોને પણ ફાયદો કરી શકે છે. ભારત સરકાર ખાદ્ય તેલના બીજનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટે પણ ઘણા પગલાં લઈ રહી છે.

દાખલા તરીકે, તેલીબિયાં પરના ટેક્નોલોજી મિશન અને અન્ય નીતિગત પહેલોએ ભારતને દેશમાં તેલીબિયાં હેઠળનો વિસ્તાર 1986માં 9 મિલિયન ટનથી વધારીને 2018-19માં 32 મિલિયન ટન કરવામાં મદદ કરી છે, જોકે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે તે પૂરતું નથી.

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ ઓઇલ પામ એરીયા વિસ્તરણ, તેલીબિયાં પાકોના લઘુતમ ટેકાના ભાવમાં વધારો, તેલીબિયાં માટે બફર સ્ટોક બનાવવો, તેલીબિયાં પાકોનું ક્લસ્ટર પ્રદર્શન વગેરે જેવી અન્ય અનેક પહેલો સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે અમલમાં મૂકવામાં આવી રહી છે. ખેડૂતોને નવી જાતો વિશે જાગૃત કરવાની જરૂર છે અને સારી ગુણવત્તાવાળા બિયારણો ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. આ માટે ક્લસ્ટર પ્રદર્શન અને અન્ય વિસ્તરણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકાય છે.

ચોખાની કુશકીનું તેલ એટલે કે રાઇસ બ્રાન તેલ જેવા વિકલ્પો શહેરી ગ્રાહકોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે, કારણ કે તે હૃદય રોગ અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડવા માટે જાણીતું છે. ચોખાના કુલ ઉત્પાદનમાં રાઇસ બ્રાનનો હિસ્સો લગભગ 8.5 ટકા છે અને તેમાં લગભગ 15 ટકતત્વસામગ્રી છે. ઉપલબ્ધ ચોખાના થૂલીનો ઉપયોગ કરીને આશરે 20 લાખ ટન ખાદ્યતેલનું ઉત્પાદન કરી શકાય છે.

તાજેતર ના લેખો