આઈએનએસ વિક્રાંત ભારતીયોની મહેનત અને કુશળતાનું પ્રતીક છેઃ વડાપ્રધાન

કોચીઃ  સ્વદેશી ટેકનોલોજી અને સ્વદેશી સાધનોથી તૈયાર થયેલા યુદ્ધવાહક જહાજ આઈએનએસ વિક્રાંતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તે સાથે નૌકાદળના ધ્વજમાંથી અંગ્રેજ ગુલામીનો ક્રોસ દૂર કરીને તેને સ્થાને છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળના પ્રતીક સાથેના નવા ધ્વજનું પણ અનાવરણ કર્યું હતું.

કેરળના કોચી ખાતે સંપૂર્ણ સ્વદેશી ધોરણે તૈયાર થયેલા યુદ્ધવાહક જહાજ આઈએનએસ વિક્રાંત રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, વિક્રાંત વિશાળ છે, વિક્રાંત ભવ્ય છે, વિક્રાંત વિશિષ્ટ છે. વિક્રાંત માત્ર યુદ્ધ જહાજ નથી પરંતુ 21મી સદીના ભારતની મહેનત, કુશળતા અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

તેમણે જણાવ્યું કે વિક્રાંત સાચા અર્થમાં સ્વદેશી સંભાવનાનું પ્રમાણ છે. વિક્રાંતના દરેકે દરેક ભાગની વિશિષ્ટતા છે, તેમાં વપરાયેલી તમામ સામગ્રી સ્વદેશી છે.

ભારતે આ સાથે વિશ્વના એવા જૂજ દેશોની કક્ષામાં સ્થાન મેળવ્યું છે જે આટલા જંગી યુદ્ધ જહાજોનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. માત્ર જૂજ વિકસિત દેશો જ આ કરી શક્યા છે, આજે ભારત પણ તેમાં સામેલ થયું છે તેમ વડાપ્રધાને કહ્યું હતું.

તેમણે ઉમેર્યું કે ભારતના સામર્થ્ય ઉપર વિશ્વાસ કરવાથી આવું અસાધારણ પરિણામ મળી શકે છે.

તે સાથે નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, નૌકાદળના ધ્વજમાં ગુલામીના પ્રતીક સમાન સેન્ટ જ્યોર્જ ક્રોસને દૂર કરીને તેના સ્થાને છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળના શાહી પ્રતીકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો