પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ નથી કેજરીવાલ પાસે; મેધા પાટકર અંગેનો જવાબ કેવી રીતે ટાળ્યો?

અમદાવાદઃ છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં એક એવી વાત ફેલાયેલી છે કે, કેજરીવાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે મેધા પાટકરને પ્રોજેક્ટ કરવા માગે છે. મેધા પાટકરે કેટલાય દાયકા સુધી નર્મદા યોજનાની કામગીરીમાં અવરોધ નાખીને ગુજરાતને અને ખાસ કરીને કચ્છના સૂકા પ્રદેશોને લાંબો સમય તરસ્યા રાખવાનું પાપ કરેલું છે.

આ સંદર્ભમાં એક પત્રકારે કેજરીવાલને પ્રશ્ન કર્યો કે ગુજરાત અને નર્મદા વિરોધી મેધા પાટકરને સીએમના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે, એ વિશે તમે શું કહેશો. આવા પ્રશ્નનો કોઈ તર્કબદ્ધ જવાબ આપવાને બદલે કેજરીવાલે કહ્યું કે, મૈને સુના હૈ કિ ભાજપા વાલે નરેન્દ્ર મોદી કે બાદ સોનિયા ગાંધી કો પીએમ કે તૌર પર પ્રોજેક્ટ કરને વાલે હૈ.

અન્ય એક મહિલા પત્રકારે કેજરીવાલને પંજાબના સંદર્ભમાં પ્રશ્ન કર્યો હતો. પત્રકારે પંજાબમાં કોંગ્રેસના નેતાએ કરેલા આક્ષેપનો ઉલ્લેખ કરીને પૂછ્યું હતું કે, પંજાબમાં કર્મચારીઓને આપવા માટે સરકાર પાસે નાણા નથી, પરંતુ ગુજરાતમાં જાહેરખબરો પાછળ જંગી રકમ ખર્ચવામાં આવી રહી છે. આ પ્રશ્નનો પણ કોઈ સીધો અને તર્કબદ્ધ જવાબ આપવાને બદલે કેજરીવાલે સાવ એવું હાસ્યાસ્પદ નિવેદન કરી દીધું હતું કે, કોંગ્રેસ અબ ખતમ હો ગઈ હૈ. આપ કોંગ્રેસ કે પ્રશ્નોકો લેના બંદ કર દીજીએ.

અગાઉ દિલ્હીમાં, પંજાબમાં જ્યાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો ભ્રષ્ટાચાર કે રમખાણો કે અન્ય ગેરકાયદે બાબતોમાં સંડોવાયેલા હોય અને અદાલતમાં કસૂરવાર ઠરે છતાં તે અંગે પત્રકારોના પ્રશ્નોનો કેજરીવાલે આજ સુધી કદી સીધો અને તર્કબદ્ધ જવાબ આપ્યો નથી.

તાજેતરમાં દિલ્હીના ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફાર કરીને કૌભાંડ આચરવાના આરોપમાં ફસાયા ત્યારે પણ કેજરીવાલ સહિત આખા પક્ષે એ શરાબનીતિ વિશે કોઈપણ જવાબ આપવાને બદલે વડાપ્રધાન ઉપર અને સીબીઆઈ ઉપર અને ઈડી ઉપર આક્ષેપો કર્યા હતા. એ કેસમાં હજુ આજે પણ કેજરીવાલ મંડળીએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી અને હજુ પણ બીજા સામે આંગળીઓ ચિંધવાનું ચાલુ રાખ્યું છે.

દેશ ગુજરાત