અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદના બાવળા APMC ખાતે ‘ઋણ સ્વીકાર સંમેલન’ યોજાયું

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે અમદાવદ જિલ્લાના બાળવા ખાતે ખેડૂત સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું કે, આજે મારા જેવા વ્યક્તિ માટે આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે બહુ સંતોષનો દિવસ છે. કારણ કે અનેક વર્ષોથી સિંચાઇ વિનાના કુલ 164 ગામો સંપૂર્ણ સિંચાઇ વ્યવસ્થાથી મળી રહી છે. ગુજરાત સરકારે પહેલા 153 ગામો અને ત્યારબાદ આપણા એકદમ સૂકાભઠ્ઠ 11 ગામો આમ કુલ 164 ગામોના 69632 હેક્ટરના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ, ઋષિકેશ પટેલ તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર વ્યક્ત કરતા ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે, મારા ક્ષેત્રના આ 164 ગામોમાં તમે પાણી નથી મોકલ્યું પણ શાક્ષાત લક્ષ્મી મોકલવાનું કામ કર્યું છે.

આ અમદાવાદ જિલ્લામાં નર્મદાનું પાણી નહેરથી આવવાથી અહીનો ખેડૂત આવનારા સમયમાં 3 પાક લેતો થશે અને આર્થિક રીતે સમૃદ્ધ થશે તેવો વિશ્વાસ શ્રી અમિતભાઇ શાહે વ્યક્ત કર્યો હતો.
આ અવસરે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઇ જો નર્મદાનું પાણી ગુજરાતમાં ન લાવ્યા હોત, અમદાવાદ જિલ્લા સુધી ન લાવ્યા હોત તો શું પરિસ્થિત હોત એ આપણે સૌ જાણીએ છીએ. શ્રી નરેન્દ્રભાઇએ ભગીરથ કાર્ય કરીને મા નર્મદાનું પાણી અમદાવાદ જિલ્લા સુધી પહોંચાડયું છે.

ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે વધુમાં કહ્યું કે, સાણંદ તાલુકાના 37 અને બાવળા તાલુકાના 16 ગામો જે તેમના મતવિસ્તારમાં આવે છે, તેમને નર્મદાના પાણીનો લાભ મળશે.

ભૂતકાળમાં ખેડૂતો ઉપર ખાતરના નામે કાળા બજારની લાઠીઓ પડતી પરંતુ હાલમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે પ્રાકૃતિક ખેતીનો સંદેશ સૌ ખેડૂતોને આપ્યો છે. ગુજરાતમાં ત્રણ લાખ કરતા વધારે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. યુરિયાના ખૂબ મોટા ઉપયોગથી ખેતીમાં ડાંગર, ઘઉં જેવા પાકો રસાયણયુક્ત ઉગતા હતાં, પરંતુ હવે ગુજરાત સરકારના પ્રાકૃતિક ખેતી તરફના પ્રયત્નોથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ગાયની મહત્વતા સમજાતા તેમણે કહ્યું કે, એક ગાયને પાળવાથી તેના દ્વારા પ્રાપ્ત થતા ખાતરથી યુરીયા અને કીટનાશકનો ખર્ચો બચી જાય છે અને ગાય દ્વારા કરેલી પ્રાકૃતિક ખેતી સફળ બને છે એમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી અમિતભાઈ શાહે ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે, હાલમાં પાંચ દસ પ્રગતિશીલ ખેડૂતો જે ખેતીમાં સારું કરી રહ્યા હોય તેઓ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લે અને તેમની પાસેથી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજે. જો પ્રાકૃતિક ખેતી ગુજરાતમાં સફળ રહી તો પાંચ વર્ષમાં જ ગુજરાત યુરિયા મુક્ત ખેતી કરતું જોવા મળશે.

પ્રાથમિક સેવા સહકારી મંડળીમાં પહેલા ધિરાણ એજન્સીઓ પેટ્રોલ પંપ, પાણી વિતરણ, પીસીઓ જેવા કામો નહોતા કરી શકતા પરંતુ હવેથી અનેકવિધ કામો પ્રાથમિક સેવા સહકારી મંડળીમાં જોડાઈને તેઓ કરાવી શકશે. થોડા જ સમયમાં મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટીનું કાર્યપાલન અમૂલના ધારાધોરણો પ્રમાણે થશે જેમાં સીધો નફો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે અને ખેડૂત મિત્રોને તેનો સીધો લાભ મળશે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, શ્રી અમિતભાઇ શાહની આજે ઉપસ્થિતિ એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. નળકાંઠાના ખેડૂતો પાણીના પડકાર વચ્ચે ખેતી કરતા હતા. પણ સિંચાઈથી વંચિત ખેડૂતોને હવે સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે. આ નિર્ણય કરવા બદલ શ્રી અમિતભાઇ શાહનો આભાર તેમણે માન્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હરિયાળી ક્રાંતિ અને ખેડૂતોની ઉન્નતિનું સપનું શ્રી નરેન્દ્રભાઇમાં નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનમાં જય અનુસંધાન ઉમેરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ ક્ષેત્રે પણ ટેકનોલોજીના ઉપયોગની નવી રાહ ચીંધી છે.

ગુજરાતમાં ડ્રોન ટેકનોલોજીથી ખાતર – દવાનો છંટકાવ, રાસાયણિકના બદલે પ્રાકૃતિક ખેતીને પ્રાથમિકતા આપવના પરિણામે આજે ડાંગ જિલ્લો 100 % રાસાયણિક ખાતરથી મુક્ત બન્યો છે. એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીના હરિત ક્રાંતિના સ્વપ્નને ઝડપથી પૂર્ણ કરવા સમગ્ર સરકાર ટીમ તરીકે કટિબદ્ધ હોવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, પાંચ તાલુકાના આ વિસ્તારને નર્મદાના કમાન્ડ એરિયામાં સમાવવા બદલ 132 ગામના ખેડૂતો શ્રી અમિતભાઇ શાહ અને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના આભારી છે. ખેડૂતો સંપન્ન બને, તેમના પરિવારોની ઉન્નતિ થાય તેવો નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતોની આવક વધશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

ધોળકાના ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તકે જણાવ્યું હતું કે, આ જગ્યા આજે ઐતિહાસિક બની ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ધરોઈ ડેમમાંથી મળતું 1000 ક્યુસેક પાણી બંધ થયું હતું. શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલા સાબરમતી અને ત્યારબાદ ફતેવાડી કમાન્ડના ગામોને નર્મદાના કમાન્ડમાં સમાવવામાં આવ્યા છે.

ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ખેડૂતોનો પાણીનો દાયકાઓ જૂનો પ્રશ્ન હલ કરી ખેડૂતોને ખૂબ જ મોટી રાહત આપી છે, જેના માટે સહુ ખેડૂતો ઋણી છે.

આજના ઋણ સ્વીકાર સંમેલનમાં અમદાવાદ જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ, બાવળા APMCના ડિરેક્ટર્સ સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

તાજેતર ના લેખો