અમિતભાઈ શાહના હસ્તે કલોલમાં બે આધુનિક હોસ્પિટલોનો શિલાન્યાસ અને ભૂમિપૂજન

— કલોલમાં કામદાર વીમા યોજનાની ૧૫૦ બેડની હોસ્પિટલ અને ૭૫૦ બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન

ગાંધનગરઃ  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ શ્રી અમિતભાઈ શાહે આજે ગાંધીનગર જિલ્લાના કલોલમાં કામદાર વીમા યોજના અંતર્ગત સંચાલિત 150 બેડની આધુનિક હોસ્પિટલનો શિલાન્યાસ તથા ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 750 બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું.

શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં કલોલ અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્યની આધુનિક સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થશે. આદર્શ મલ્ટીસ્પેશાલિટી હોસ્પિટલની સાથે સાથે તેમણે મેડિકલ કોલેજનું આયોજન પણ કરવા વ્યવસ્થાપકોને અનુરોધ કર્યો હતો. આવનારા સમયમાં કલોલને મેડિકલ કોલેજ મળશે તો સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ સાયન્સના અભ્યાસની સાથોસાથ દર્દીઓની સેવાનો લાભ પણ મળશે.

અમિતભાઈ શાહે કહ્યું હતું કે, કામદાર વીમા યોજના હેઠળ નિર્માણ પામનારી 150 બેડની સંપૂર્ણ આધુનિક હોસ્પિટલથી કલોલ, કડી અને છત્રાલ તથા આસપાસના વિસ્તારોમાં કામ કરતા શ્રમિક અને કામદાર ભાઈઓને ઘર આંગણે સારી મેડિકલ સેવાઓનો લાભ મળશે. એટલું જ નહીં કલોલ શહેર અને તાલુકાના સૌ નાગરિકોને પણ આ હોસ્પિટલની સેવાઓનો લાભ મળશે. તેમણે આગામી 24મી જાન્યુઆરી પહેલાં આ હોસ્પિટલનું ઉદઘાટન પણ થઈ જશે એવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કલોલમાં નિર્માણ પામનારી 750 બેડની આદર્શ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 35% જેટલા ગરીબ દર્દીઓને નિશુલ્ક સારવાર આપવાનો સંકલ્પ ટ્રસ્ટે કર્યો છે. આ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ નાગરિકોને પણ સારવાર ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું હતું કે, આ આધુનિક હોસ્પિટલથી આ ક્ષેત્રની બહુ મોટી સેવા થવાની છે. હૉલિસ્ટિક એપ્રોચ સાથે નિર્માણ પામનારી આદર્શ મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ માટે શ્રી અમિતભાઈ શાહે મહેસાણા લોકસભા વિસ્તારના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ આગેવાન શ્રી એ. કે. પટેલ અને ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અતુલભાઇ પટેલને અભિનંદન આપ્યા હતા અને આ વિસ્તારના સાંસદ તરીકે સમગ્ર નાગરિકો વતી આભારની લાગણી પણ પ્રદર્શિત કરી હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત સેવારત કામદાર વીમા યોજનાને સમગ્ર દેશભરમાં સજીવન કરીને ઉમદા કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ યાદવના નેતૃત્વમાં આ ક્ષેત્રમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જ તાજેતરમાં સાણંદમાં 150 બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ હોસ્પિટલથી આ વિસ્તારમાં કામ કરતા 1,30,000 જેટલા કામદારોને લાભ મળશે. અત્યાર સુધી આ વિસ્તારમાં માત્ર એક પબ્લિક હેલ્થ સેન્ટર હતું જ્યાં માત્ર 10 પથારીની સેવાઓ ઉપલબ્ધ હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની પ્રત્યેક ગરીબ વ્યક્તિને આરોગ્યનો અધિકાર આપ્યો છે એમ કહીને તેમણે જણાવ્યું હતું કે, દેશના 60 કરોડ ગરીબોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. આ સૌને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. આ પહેલાં કેટલાય ગરીબ વડીલો મોંઘી સારવાર કરાવી શકતા ન હતા. આજે ગરીબ દીકરો પણ સન્માનપૂર્વક પોતાના ઘરડા મા-બાપની સેવા અને સારવાર કરાવી શકે છે, એટલું જ નહીં ગરીબ મા-બાપો પણ પોતાના દીકરાને સારામાં સારી સારવાર વિનામૂલ્ય આપી શકે છે.

તેમણે ઉમેર્યું કે, ભારતમાં આયુષ્માન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત રૂ. 64,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગરીબોના સારા સ્વાસ્થ્ય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ પહેલે ભારતમાં આમુલ પરિવર્તન આણ્યું છે. દેશના 600થી વધુ જિલ્લાઓમાં ઇન્ટેન્સિવ કેરની સુવિધા સહિત 35,000 જેટલા નવા બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 730 જિલ્લાઓમાં ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી શરૂ કરવાનું આયોજન છે. એટલું જ નહીં, રિસર્ચ સેન્ટર્સ શરૂ કરવા ભારત સરકારે રૂપિયા 1,600 કરોડનું બજેટ ફાળવ્યું છે.

અગાઉની સરકારોના સમયમાં થયેલી કામગીરી અને આયોજન સાથે તુલના કરતાં શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે, વર્ષ 2013-14માં ભારતમાં સરકારી અને ખાનગી મળીને માત્ર 387 મેડિકલ કોલેજો હતી. આજે વર્ષ 2021-22 માં દેશમાં 600 મેડિકલ કોલેજો કાર્યરત છે. આઠ વર્ષ પહેલાં ભારતમાં એમબીબીએસની 51,348 સીટ હતી. જે વર્ષ 2021-22 માં વધીને 89,875 થઈ છે. મેડિકલના અભ્યાસમાં એમ.ડી અને એમ.એસના પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસની બેઠકો પણ 31,185 થી વધીને 60,202 થઈ છે. તેમણે કહ્યું હતું કે, 75 વર્ષની મેડિકલ સાયન્સની સુવિધાઓની સરખામણીમાં માત્ર આઠ વર્ષમાં મેડિકલ સાયન્સની સેવાઓમાં બમણો વધારોથયો છે. શ્રી અમિતભાઈ શાહે એમ પણ કહ્યું હતું કે, આવનારા સમયમાં 10 નવી એઈમ્સ હોસ્પિટલો આવી રહી છે. અને 22 નવી એઈમ્સ બનાવવાની યોજનાની જાહેરાત આગામી સમયમાં કરાશે.

ગુજરાતમાં પણ આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે એમ કહીને શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકારના પ્રયત્નોથી સંસ્થાગત ડિલિવરી, શિશુ મૃત્યુદર અને માતા મૃત્યુદરમાં નોંધપાત્ર સુધારો થયો છે. અત્યારે 100 પ્રસુતિમાંથી 96 પ્રસુતિ દવાખાનાઓમાં થઈ રહી છે. ગુજરાતમાં જેન્ડર રેશિયો પણ સુધર્યો છે. અગાઉ 1000 દીકરાઓ સામે દીકરીઓનું પ્રમાણ 866 હતું. આજે 1000 દીકરાઓ સામે દીકરીઓનું પ્રમાણ 955 એ પહોંચ્યું છે. ટીબી અને કેન્સર જેવા ગંભીર રોગો સામે શરૂઆતના તબક્કામાં જ સારવાર મળી રહે એ માટે ગુજરાતમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 80% નાગરિકોની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ ડ્રાઇવ દરમિયાન 137 એવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા છે કે જેમને પોતાને પણ કેન્સર હોવાની જાણકારી ન હતી. આવા તમામ દર્દીઓની સમયસર સારવાર શરૂ કરી શકાતાં તેમના સારા આયુષ્યની સંભાવના ઘણી વધી ગઈ છે.

સરકાર સાથે સમાજ પણ જોડાય તે પ્રજાકલ્યાણ શાસનની આ જ સાચી દિશા છે, તેવું કહી મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, કલોલ વિસ્તારની આ નવીન હોસ્પિટલના ભૂમિપૂજનથી ઔધોગિક વસાહતના અને આસપાસના કામદારો- શ્રમયોગીઓ અને તેમના પરિવારજનોની સાથે કલોલ આસપાસના ગામોના જરૂરિયાતમંદ દર્દીઓની સારવારનો સેવાયજ્ઞ પણ શરૂ થવાનો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આરોગ્ય લગતી કોઇપણ નાની-મોટી સમસ્યા માનવીને ઉદ્દભવે એટલે દવા- દવાખાના- લેબોરેટરી ટેસ્ટના ખર્ચના ખપ્પરમાં ના છૂટકે હોમાવું જ પડે છે. સામાન્ય પરિવાર માટે કોઇપણ બિમારી આર્થિક સંકટ લાવી દે છે. આજે ભૂમિપૂજન થયેલ હોસ્પિટલ આવનારા દિવસોમાં સર્વે સન્તુ નિરામયા સાકાર થશે, તેવો આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શ્રમ અને શ્રમિકનું સન્માન કરતાં દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રમ એવ જયતે નો મંત્ર આપ્યો છે, તેવું કહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સરકાર માત્ર આરોગ્ય સારવાર જ નહિ, બહુવિઘ સમાજ સુરક્ષા આ યોજનાથી કામદારો અને તેના પરિવારજનોને આપે છે. ગરીબ- વંચિત, પીડિત, શોષિત, શ્રમિક, કામદાર સૌના કલ્યાણની ભાવના આ સરકારના મનમાં સાચા અર્થમાં છે, જે વાત આજે ભૂમિપૂજન થયેલ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રઘાનશ્રીએ દેશના જન જનના આરોગ્યની ચિંતા કરી છે. તે જ રીતે આપણા પનોતા પુત્ર અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે સૌની સુરક્ષા અને સલામતી માટે સમર્પિત નેતા છે. જેમના હૈયે રાષ્ટ્રહિત પ્રાયોરીટી પર રહ્યું છે. કોઇપણ રાજય કે રાષ્ટ્રના ઔધોગિક વિકાસમાં શ્રમશક્તિનું યોગદાન પાયાનું હોય છે. વાયબ્રન્ટ સમિટના માધ્યમથી ઉધોગ-વેપારર રોકાણોના દ્વાર વિશ્વ ઉધોગકારો, રોકણકારો માટે ખોલી આપ્યા છે. આ સમિટની જવલંત સફળતા અને વર્લ્ડકલાસ ફેસેલિટીઝ, પોલિસી ડ્રીવન સ્ટેટ, ગુડ ગર્વનન્સ, ઝિરો મેન ડેયઝ લોસ, લેબર પીસ આ બધાને કારણે ગુજરાત ઉદ્યોગો-રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. દેશના અન્ય રાજ્યોના શ્રમિકો, કામદારો પણ રોજી-રોટી માટે ગુજરાત આવીને વસ્યા છે અને વડાપ્રધાનશ્રીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો છે.

ગુજરાત સરકાર શ્રમિકોના હિતોને વરેલી સરકાર છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને અકસ્માત જુથ વીમા યોજનામાં રૂ. એક લાખની વીમા સહાય આપવામાં આવે છે. ગ્રામીણ કામદારોને પણ આરોગ્ય છત્રનો લાભ સરકાર આપે છે. સાથે જ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર પણ પૂરી પાડીએ છીએ. ગુજરાતમાં સંગઠિત ક્ષેત્રના કામદારોને તો ESIC લાભ મળે છે પરંતુ આપણે એથી પણ આગળ વધ્યા છીયે. અસંગઠિત ક્ષેત્રમાં બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા કામદારોને U-WIN કાર્ડ આપીને તેમને પણ સરકારની યોજનાના લાભો આપીયે છીયે.

દેશની તમામ ભાષાઓને મહત્વ આપવું જોઇએ, તેવું કેન્દ્રીય શ્રમ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ યાદવે જણાવી ગુજરાતી ભાષામાં પોતાના પ્રવચનનો આરંભ કરતા જણાવ્યું હતું કે, ઉત્તમ સ્વાસ્થ સુખી જીવન માટેની મહત્વની ચાવી છે. ઇએસઆઇસી ભારત સરકારની મહત્વની યોજના છે. જેના લાભ દેશભરમાં ૧૩.૫ લાખ લાભાર્થીઓ લઇ રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશના દરેક નાગરિકના સ્વાસ્થની ચિંતા કરે છે. દેશના કોઇ નાગરિકને સ્વાસ્થની તકલીફ ન પડે તે માટે સ્વાસ્થલક્ષી અનેક યોજના અમલી બનાવી છે. પી.એમ.જે.વાય તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઇએસઆઇસી પી.એમ.જે.વાય યોજના સાથે જોડાઇને કામ કરી રહી છે. જેનો આરંભ દેશના બે જિલ્લામાં થઇ હતી. હાલમાં ૧૫૭ જિલ્લામાં કાર્યરત છે. શ્રમયોગીની સ્વાસ્થની ચિંતા કરતી આ સરકારે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ૪.૫૦ એકરમાં રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે ૧૫૦ બેડની ઇએસઆરસી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ અધતન હોસ્પિટલનો લાભ કલોલ, કડી, કલોલ અને આસપાસમાં રહેતા નાગરિકો અને એક લાખ જેટલા શ્રમયોગીઓની થશે.

આ પ્રસંગે આર્દશ હોસ્પિટલના મેનેજીંગ ડિરેકટરશ્રી અને પૂર્વ ઘારાસભ્ય શ્રી ર્ડા. અતુલભાઇ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને કલોલમાં નિર્માણ પામનાર ૭૫૦ બેડની હોસ્પિટલની સુવિઘાઓની વિસ્તૃત વાત કરી હતી.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો