નરેન્દ્રભાઇના ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિજિટલ ઇકોનોમીનો હિસ્સો ૨૫ ટકા હશે

સુરેન્‍દ્રનગર:  કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખર મેડિકલ હોલ, વઢવાણ ખાતે ‘સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ઇવેન્ટ’ માં ઉપસ્થિત રહી ‘ન્યુ ઈન્ડિયા ફૉર યંગ ઈન્ડિયા:  ડીકેડ ઑફ ઓપોર્ચ્યુનિટીઝ’ વિષય પર સી.યુ.શાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા બદલાવ અને સરકારની કામગીરી વિશે જાણકારી આપી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રી ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ ડિજિટલ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે આજે દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. આગામી એક જ વર્ષમાં ભારતની ડિજિટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડૉલરને આંબી જશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિજિટલ ઇકોનોમીનો હિસ્સો ૨૫ ટકા જેટલો હશે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી વધારે વિદેશી રોકાણ ધરાવતો દેશ બન્યો છે. આ ઉપરાંત, કોરોના કાળમાં અમેરિકા, યુરોપ જેવા દેશોમાં પણ શક્ય નહોતું બન્યું તે રીતે સુંદર વ્યવસ્થા કરી દેશના દરેક નાગરિકને રસી મળે તથા આ મહામારી દરમિયાન અને બાદમાં પણ દેશનો એક પણ નાગરિક ભૂખ્યો ન સુવે તેની તકેદારી સરકારે રાખી છે. વર્ષ ૧૯૮૫માં સરકાર દ્વારા રૂ. ૧૦૦ આપવામાં આવતા ત્યારે લોકો સુધી માત્ર રૂ.૧૫ જ પહોંચતાં હતાં, જ્યારે આજે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગના કારણે દેશના ગરીબોને તેમને મળવાપાત્ર લાભો સમયસર અને સીધેસીધા તેના ખાતામાં ડીબીટી મારફતે મળી રહ્યા છે.

વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ, 5-જીના ક્ષેત્રમાં ભારત વિશ્વભરમાં અગ્રેસર બની રહ્યું છે. મલ્ટીનેશનલ કંપનીઓના પ્લાન્ટ દ્વારા મોબાઈલ અને કાર મેન્યુફેક્ચરિંગ સહિતની ઘણી પ્રોડક્ટ્સની વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ, સ્પેસ, ડ્રોન ટેકનોલોજી અને ડિજિટલ ગવર્નન્સ & ડિજિટલ ઈકોનોમી, ડિફેન્સ ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ થયો છે એમ જણાવી મંત્રીશ્રીએ ‘સારે જહાં સે અચ્છા ડિજિટલ ઈન્ડિયા હમારા’ સૂત્ર આપ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઇ મુંજપરાએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારે નેશનલ યુથ પોલિસીના નવા ડ્રાફ્ટમાં યુવા વિકાસ માટેના દસ વર્ષના વિઝનને સામેલ કર્યું છે. આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને અનુરૂપ છે અને તેનો હેતુ યુવાનોના વિકાસ માટે વિગતવાર પગલાં લેવાનો છે. શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગ, આરોગ્ય, રમતગમત અને સામાજિક ન્યાય જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં વંચિત વર્ગોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

i-hubના CEO શ્રી હિરામય મહંતાએ સ્ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરતા જણાવ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપનું પણ ઘણું મહત્ત્વ છે. આજે સ્ટુડન્ટ્સને કોઈપણ પ્રકારની આર્થિક અગવડ હોય તો સરકાર તેને મદદ કરે છે આવા અયોજનનાં પરિણામે જ ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં સી.યુ.શાહ યુનિવર્સિટીના પ્રો. શ્રી ડૉ.એચ.જે.જાની દ્વારા સ્વાગત પ્રવચન અને સી.યુ.શાહ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટશ્રી રાહુલ રાવલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો