ડેફએક્સ્પો-૨૦૨૨ દરમિયાન ૧.૫૩ લાખ કરોડના ૪૫૧ એમ.ઓ.યુ. અને એગ્રીમેન્ટ પર કરાયા હસ્તાક્ષર
October 20, 2022
— વર્ષ 2024-25 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રે ભારતનો નિકાસ લક્ષ્યાંક 35 હજાર કરોડથી વધારીને 40 હજાર કરોડ સુધી લઈ જવાશે
ગાંધીનગરઃ 12માં ડિફેન્સ એક્સપો-2022 અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહની પ્રેરક ઉપસ્થિતિમાં ‘બંધન’ સમાપન સમારોહ યોજાયો હતો.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ડિફેન્સ એક્સપો-2022ના સમાપન સમારોહમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું અભિવાદન કરી જણાવ્યું હતું કે, 12માં ડિફેન્સ એક્સપો-2022માં આત્મનિર્ભર ભારતના દર્શન થાય છે. શસ્ત્ર સરંજામની આયાત કરનારા દેશ તરીકે ભારતની ઓળખ હતી એ ભારત શસ્ત્ર સરંજામની નિકાસ કરનારો દેશ બન્યો છે, જે પ્રત્યેક ભારતીય માટે ગર્વની વાત છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારત હંમેશા શાંતિ-સૌહાર્દ અને ભાઈચારામાં માને છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વ બંધુત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને પરિવાર માને છે ત્યારે ભારતના શસ્ત્રો હંમેશા શાંતિ માટે છે તેવું રાજ્યપાલ શ્રી સ્પષ્ટપણે જણાવી ઉમેર્યું હતું કે, જ્યારે વીરતા આત્મનિર્ભરતા તથા સ્વવિકાસ માટે હોય ત્યારે અશાંતિ કરનારાઓની હિંમત ચાલતી નથી એટલે જ ભય વિના પ્રીતિ નથી હોતી એવું આપણે સ્પષ્ટ માનીએ છીએ. ભારત કોઈને છોડતું નથી અને ભારતને છેડનારાને છોડતું નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ નેતૃત્વમાં ભારતે પ્રત્યેક ક્ષેત્રમાં ઉડીને આંખે વળગે તેવા વિકાસ કાર્યો છે. જે સરકારની ઈચ્છાશક્તિ અને ભારતીય નાગરિકોના કઠોર પરિશ્રમનું પરિણામ છે. રાજ્યપાલશ્રીએ ડિફેન્સ એક્સપો-2022માં દેશ-વિદેશથી પધારેલા મહાનુભાવોનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરી આ અવસરે થઈ રહેલા સમજૂતી કરારોથી દેશના રક્ષા ક્ષેત્રે નવા સીમાચિહ્નો હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે 12માં ડિફેન્સ એક્સ્પોના ગુજરાતમાં સફળ આયોજન બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે, ગુજરાત દેશની આર્થિક, આધ્યાત્મિક અને રાજકીય ગતિવિધિઓમાં સદીઓથી મહત્વનું યોગદાન આપતું આવ્યું છે. આધ્યાત્મિક ક્ષેત્રે ભક્ત નરસિંહ મહેતા, જ્ઞાન-સમાજ સુધારકમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાજનીતિ ક્ષેત્રે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સાથે આધુનિક યુગના વૈશ્વિક નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતની જ દેન છે. મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ તથા ઉદ્યોગ ક્ષેત્રે જમશેદજી તાતા અને ધીરુભાઈ અંબાણીએ ભારતને નવી ઓળખ અપાવી છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આયોજિત ડિફેન્સ એક્સ્પો-2022 ભારતના અર્થતંત્રમાં પોતાનું વિશેષ યોગદાન આપીને દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશે. છેલ્લાં 24 વર્ષોથી શરૂ થયેલા ડિફેન્સ એક્સ્પો થકી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નવો અધ્યાય શરૂ થયો છે. નવા ભારતને રક્ષાક્ષેત્રે વધુ સશક્ત, સમૃદ્ધ અને સમર્થ બનાવવા માટે ડિફેન્સ એક્સ્પોએ સ્વદેશી ઉદ્યમી-ઉત્પાદકોને વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરાવ્યું છે. હાઈબ્રિડ ફોર્મેટમાં યોજાયેલા ડિફેન્સ એક્સ્પો-2022માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થયેલા વિશ્વના સંરક્ષણ મંત્રીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓને સંરક્ષણ ક્ષેત્રે ભારતની નવીન ઊર્જા-શક્તિના દર્શન થયાં છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝન સાગરમાલા પ્રોજેક્ટને સાકાર કરવા ડિફેન્સ એક્સ્પો-2022માં ‘શાંતિ અને સહયોગ’ થીમ હેઠળ IOR+ કોન્ક્લેવ, સ્ટાર્ટઅપ્સ મંથન, ઇન્ડો-આફ્રિકા ડાયલોગ તથા બંધન જેવી મહત્વની ઇવેન્ટ્સનું સફળ આયોજન કરાયું હતું. ભારત સંરક્ષણ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’થી ‘મેક ફોર વર્લ્ડ’ના લક્ષ્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી વર્ષ 2024-25 સુધીમાં ભારતનો સંરક્ષણ ક્ષેત્રે રૂ. 35 હજાર કરોડનો નિકાસ લક્ષ્યાંક વધારીને હવે રૂ. 40 હજાર કરોડ સુધી લઈ જવાશે. તેમણે ડિફેન્સ એક્સ્પો-2022ને સફળ તેમજ યાદગાર બનાવવામાં યોગદાન આપનાર સંરક્ષણ મંત્રાલય, ગુજરાત સરકાર, વિવિધ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ સહિત તમામ સહભાગીઓને અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો.
રક્ષાસચિવ શ્રી અજયકુમારે ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના સમાપન સમારોહના ‘બંધન’ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે, ગુજરાતમાં આયોજિત ૧૨માં ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. વર્ષ ૨૦૨૦માં લખનઉ ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પોના તમામ રેકોર્ડ તોડ્યાં છે. ડેફએક્સ્પો-૨૦૨૨ અંતર્ગત અંદાજે રૂ. ૧.૫૩ લાખ કરોડના ૪૫૧ એમ.ઓ.યુ. અને એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. જેના થકી ઈન્ડસ્ટ્રી ટુ ઈન્ડસ્ટ્રી, ઈન્ડસ્ટ્રી ટુ સ્ટેટ ગવર્મેન્ટ અને ઈન્ડસ્ટ્રી ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ સહયોગ પ્રાપ્ત કરવા તેમજ તે અંગેના લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદરૂપ થશે. સંરક્ષણ ક્ષેત્રમાં આવનારા આ રોકાણથી આગામી સમયમાં દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ડેફએક્સ્પો-૨૦૨૨નું સફળતાપૂર્વક આયોજિત કરવા બદલ ગુજરાત સરકારનો તેમણે આભાર માન્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડીઆરડીઓ દ્વારા વિવિધ કંપનીઓને લાયસન્સિંગ માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’