હેમકુંડ સાહિબમાં રોપ-વે સુવિધા બદલ અકાલ તખ્તના જથેદારે નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ  ઉત્તરાખંડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે રોપ-વે યોજનાઓ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો તેને કારણે દેશના કરોડો હિન્દુઓની સાથે સાથે સિખ સમુદાય પણ અત્યંત ખુશ છે. વડાપ્રધાન દ્વારા જે બે રોપ-વે યોજના માટે શિલાન્યાસ કરવામાં આવ્યો તેમાં એક છે- ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ અને બીજો- ગૌરીકુંડથી કેદારનાથ ધામ.

ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ રોપ-વે યોજનાથી દેશનો સિખ સમુદાય અત્યંત આનંદિત છે. આવો આનંદ અને આભાર વ્યક્ત કરતો એક પત્ર શ્રી અમૃતસર સાહિબ ખાતેના અકાલ તખ્તના જથેદાર હરપ્રીતસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખ્યો છે.

જથ્થેદાર શ્રી અકાલ તખ્ત સાહિબે લખ્યું છેઃ ગુરુદ્વારા હેમકુંડ સાહિબ માટે રોપ-વે માટે શિલાન્યાસ કરવા બદલ અભિનંદન. સિખ સમુદાય માટે આ ઐતિહાસિક પ્રસંગ ગણાય અને તેનાથી વધુને વધુ યાત્રાળુઓ આ પવિત્ર યાત્રાધામની મુલાકાત લઈ શકશે. તમે સિખ પરંપરાઓ તેમજ ગુરુ સાહેબના સંદેશ પ્રત્યે અસાધારણ સંવેદનશીલતા અને માન દર્શાવતા રહ્યા છો. શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે શ્રી અમિત શાહની મુલાકાત વખતે અમે ઘણી ચર્ચા કરી હતી અને અમે રજૂ કરેલા સિખ સમુદાયના મુદ્દા તમારા સુધી પહોંચાડવાનું તેમણે આશ્વાસન આપ્યું હતું. આ ભવ્ય પહેલ બદલ તમારો આભાર.

જ્ઞાની હરપ્રીત સિંહના આ પત્ર બદલ વડાપ્રધાને પોતે કૃતજ્ઞતા વ્યક્ત કરીને એ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાને જથેદાર શ્રી અકાલ તખ્ત સાહિબને આશ્વાસન આપ્યું કે, આપણે સૌ સાથે મળીને ગુરુ સાહેબોના વિઝનને પૂર્ણ કરીશું.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો