20 વર્ષમાં માળખાકીય સુવિધાઓના વિકાસથી ગુજરાતના નાગરિકોને મળ્યું ‘ઇઝ ઑફ લિવિંગ’

— પ્રગતિપથ, વિકાસપથ, કિસાનપથ, પ્રવાસીપથ જેવી યોજનાઓથી ગુજરાતને મળી રોડ કનેક્ટિવિટી

— અમદાવાદ મેટ્રો, વંદે ભારત અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટથી વિકસાવાયું રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર

— ગેસ આધારિત અર્થતંત્રના વિકાસ માટે સંકલિત રાજ્ય-વ્યાપી ગેસ ગ્રીડ વિકસાવાઈ

— 75,000 કિમીનું રાજ્યવ્યાપી વોટર ગ્રીડ નેટવર્ક જેમાં 14,000 થી વધુ ગામડાં અને 154 નગરોને આવરી લેવાયાં

— જ્યોતિગ્રામ યોજનાથી રાજ્યના તમામ ગામડાંને 24 કલાક વીજળી મળી

— પીએમ ગતિશક્તિ પોર્ટલ શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું

ગાંધીનગર:   સુવ્યવસ્થિત અને સુગ્રથિત માળખાકીય સુવિધાઓ આર્થિક અને સામાજિક વિકાસમાં વધારો કરે છે તેમજ રાજ્ય અને દેશના વિકાસને નવી ઉંચાઇએ લઇ જાય છે. છેલ્લા 20 વર્ષોમાં ગુજરાત સરકારે રાજ્યમાં અદ્યતન માળખાકીય સુવિધાઓ આપીને નાગરિકોને ‘ઇઝ ઓફ લિવિંગ’ પ્રદાન કર્યું છે. 20 વર્ષ પહેલા જ્યારે નરેન્દ્ર મોદીને રાજ્યની શાસનધુરા સોંપવામાં આવી ત્યારે ગુજરાત ઘણા પડકારોનો સામનો કરી રહ્યું હતું. પોતાના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરવા માટેના સંનિષ્ઠ પ્રયાસો શરૂ કર્યા.

તેમના નેતૃત્વમાં ભવિષ્યની આર્થિક સમૃદ્ધિ માટે રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો અને તે માટે ફોકસ્ડ ટાર્ગેટેડ એક્શન પ્લાન્સ અમલી બનાવવામાં આવ્યા. જેના પરિણામે, રાજ્યએ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપમાં મોટા પાયે પરિવર્તન જોયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે કંડારેલી વિકાસની આ જ કેડી પર આગળ વધીને ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત કાર્યરત છે.

વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત ગુજરાતને મળી રોડ કનેક્ટિવિટી

રાજ્યના આદિવાસી વિસ્તાર તેમજ દરિયાકાંઠા, ઔદ્યોગિક અને ગ્રામીણ વિસ્તારોને રાજ્યના મુખ્ય પ્રવાહના વિસ્તારો અને છેવાડાના વિસ્તારો સાથે જોડવા માટે પ્રગતિપથ યોજના જાહેર કરવામાં આવી, જેમાં રાજ્યના છેડાને જોડતા 9 હાઇ સ્પીડ કોરિડોરને પહોળા અને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. કુલ રૂ.2488 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટમાં કુલ 3710 કિમી લંબાઇના હાઇવે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ પહેલનો હેતુ ગુજરાતના તમામ ખૂણાઓને જોડતા મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવાનો છે, જેથી 80 કિમી/કલાકની સરેરાશ ઝડપ જાળવીને મુસાફરો રાજ્યના કોઈપણ ભાગમાં 6-8 કલાકમાં પહોંચી શકે.

નગરપાલિકાઓ, શહેરી વિસ્તારો, શહેરો અને મોટાં શહેરોમાંથી પસાર થતા રાજ્યના માર્ગોનું આધુનિકીકરણ કરવા માટે વિકાસપથ યોજના અમલમાં મૂકવામાં આવી. સમગ્ર વર્ષ દરમિયાન લોકો માટે આવાગમન સરળ બને તે હેતુથી આ પહેલમાં રસ્તાની પહોળાઈ વધારવી, ફૂટપાથ નાખવા, યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવી વગેરે જેવી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રૂ.750 કરોડના રોકાણ સાથે, આ પહેલ હેઠળ 189 નગરપાલિકાઓમાં વિકાસ થયો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી આપવા અને ખેડૂતોના કૃષિ ઉત્પાદનો સમયસર બજાર સુધી પહોંચે તે માટે કિસાનપથ યોજના અમલમાં મૂકવામાં આવી. તેના દ્વારા રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓના અપગ્રેડેશન અને સુધારણાની દિશામાં કામ શરૂ થયું. તેનાથી ખેડૂતોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો અને તેમની ખેતપેદાશો અને દૂધ ઝડપથી બજારમાં પહોંચતા થયા. આ યોજનાએ ખેડૂતોને કેન્દ્રિત માળખાકીય સુવિધા પૂરી પાડી. ગુજરાતના 3800 ગામોને આ યોજનાનો લાભ મળ્યો હતો. રૂ.2000 કરોડના રોકાણ સાથે લગભગ 2600 પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા હતા.

આ સાથે જ પ્રવાસન ક્ષેત્રે કનેક્ટિવિટી વધારવા માટે પ્રવાસીપથ યોજના અમલમાં મૂકવામાં આવી. આ એક એવી પહેલ હતી જેણે 60 થી વધુ પ્રવાસી સ્થળો વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો કરીને પ્રવાસન ઉદ્યોગને નોંધપાત્ર વેગ આપ્યો હતો. તેનાથી પ્રવાસન સ્થળોની આસપાસ આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. રૂ.2300 કરોડ કરતાં વધુના કેન્દ્રિત રોકાણો સાથે આ પહેલથી રાજ્યના 24 થી વધુ જિલ્લાઓને ફાયદો થયો છે.

રેલવે કનેક્ટિવિટી

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક મજબૂત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે ગુજરાતમાં મેટ્રો ટ્રેન દોડે તેવું સ્વપ્ન જોયું હતું અને અમદાવાદ તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સના મંડાણ કર્યા હતા. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હેઠળ આ સ્વપ્ન હકીકતમાં પલટાયું છે. તાજેતરમાં અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કા અંતર્ગત થલતેજથી વસ્ત્રાલ રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. સુરત મેટ્રોનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી નવી વંદે ભારત ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો છે, જે ગાંધીનગરથી મુંબઈ ખાતે દોડશે. દેશની આ પહેલી એવી વંદે ભારત ટ્રેન છે, જે ‘કવચ’ ટેક્નીકથી સજ્જ છે અને દેશમાં જ વિકસિત થયેલી છે.

વધુમાં, ઔદ્યોગિક પ્રદેશો, બંદરો અને દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC) સાથે રેલવે જોડાણ સુનિશ્ચિત કરવા માટે ‘ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ’ (G-RIDE) નામની સમર્પિત કંપનીની રચના કરવામાં આવી હતી. આ પહેલથી રાજ્યની વૈશ્વિક નિકાસ સ્પર્ધાત્મકતામાં ઘણો વધારો થયો છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી વિશ્વભરના પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે, તે માટે જાન્યુઆરી 2021માં વડાપ્રધાને કેવડિયા સુધી જતી 8 નવી ટ્રેનોનો પણ શુભારંભ કરાવ્યો હતો.

ગેસ, વીજળી અને પાણીની સુવિધા

ગેસ આધારિત અર્થતંત્રનો વિકાસ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન અને સમર્થન હેઠળ ગુજરાતે ઓપન એક્સેસ- કોમન કેરિયરના ધોરણે એક સંકલિત રાજ્ય-વ્યાપી ગેસ ગ્રીડ વિકસાવી છે. મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોને જોડતા 25 જિલ્લાઓમાં આજે 2600 કિમીથી વધુની લંબાઇનું પાઇપલાઇન ગેસ ગ્રીડ નેટવર્ક કાર્યરત છે. તેનાથી ઔદ્યોગિક ઉત્પાદનોમાં વધારો થયો છે અને વૈશ્વિક બજારો સાથે સ્પર્ધા કરવામાં મદદ મળી છે.

સિંચાઈ માટે પાણીનું વિતરણ કરવાના ઉદ્દેશથી 75,000 કિમીનું રાજ્યવ્યાપી વોટર ગ્રીડ નેટવર્ક અને 14,000 થી વધુ ગામડાઓ અને 154 નગરોને પાણી પહોંચાડવા માટે રાજ્યવ્યાપી પીવાના પાણીની ગ્રીડની સ્થાપના કરતો વોટરરગ્રીડ પ્રોજેક્ટ છે, જે એક મિશન મોડ પ્રોજેક્ટ છે, જે વસ્તીના ત્રણ-ચતુર્થાંશ ભાગને આવરી લે છે. ગુજરાતના દુષ્કાળ અને પાણીની અછતના ઐતિહાસિક મુદ્દાઓને વ્યૂહાત્મક રીતે ઉકેલવામાં આવ્યા છે, જેના પરિણામે ભૂતકાળમાં 75% વસ્તી ભૂગર્ભ જળ પર નિર્ભર હતી, જ્યારે હવે રાજ્યની 75% વસ્તી સરફેસ વોટર એટલે કે જમીનની ઉપરની સપાટીના પાણીમાંથી પુરવઠો મેળવે છે.

2001માં, ગુજરાતના વીજળી ક્ષેત્રની હાલત કફોડી હતી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રાતના સમયે વીજળી ઉપલબ્ધ થતી નહોતી. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આપણા વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જ્યોતિગ્રામ યોજના લાગુ કરીને રાજ્યના તમામ ગામડાઓમાં 24 કલાક વીજળી પહોંચાડી. આ ઉપરાંત, રાજ્ય સરકારે વીજળીના ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં વ્યાપક સુધારા કર્યા અને 2009માં પાવર સરપ્લસ સ્ટેટનો દરજ્જો પ્રાપ્ત કર્યો. આજે ગુજરાતમાં 24×7 અવિરત ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ છે.

પોર્ટ કનેક્ટિવિટી

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બંદરોનો વિકાસ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. ભારતનું પ્રથમ ખાનગી બંદર એટલે ગુજરાતનું પીપાવાવ, તેમના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યમાં ચાર ગ્રીનફિલ્ડ પોર્ટ લોકેશન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. ગુજરાતે એક પારદર્શક અને ભવિષ્યવાદી એવી પોર્ટ પોલિસી પણ જાહેર કરી છે, જે પોર્ટ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે.

વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આપણા વડાપ્રધાને સ્પષ્ટપણે સૂચવ્યું હતું કે ગુજરાત ભારતના 40% દરિયાઈ વેપારનું સંચાલન કરશે અને આજે ગુજરાત ભારનતા 40% કરતા વધુ કાર્ગોનું સંચાલન કરી રહ્યું છે, જે ગુજરાત માટે ખરેખર ગર્વની વાત છે.

બંદર ક્ષેત્રનું ખાનગીકરણ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય છે, અને આ માટે અત્યાધુનિક બંદરો વિકસિત કરવામાં આવ્યા છે. ગુજરાતનું કંડલા બંદર તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સાથે જ તાજેતરમાં વડાપ્રધાને ગુજરાતના ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ પણ કર્યો છે. રૂ.4024 કરોડના ખર્ચે વિકસિત થનારું આ સીએનજી ટર્મિનલ અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકસિત થશે. આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

અત્યાધુનિક એરપોર્ટ્સ અને રેલવે સ્ટેશનનું નિર્માણ

ગુજરાતના નાગરિકોને મજબૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની નેમ સાથે રાજ્ય સરકારે એરપોર્ટ્સ અને રેલવે સ્ટેશનનો પણ અત્યાધુનિક વિકાસ કર્યો છે. ભારત સરકારની રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ ‘ઉડાન’ યોજના હેઠળ રાજ્યના 9 એરપોર્ટ્સ પર 18 રૂટ દ્વારા હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટ ખાતે અદ્યતન સુવિધાઓ ધરાવતું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેના માટે 924 હેક્ટરની જમીન સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવવામાં આવી છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સ્થિત રેલવે સ્ટેશનનો અત્યાધુનિક વિકાસ કરવામાં આવ્યો અને વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ રેલવે સ્ટેશનની ઉપર જ ગુજરાત આવતા પ્રવાસીઓની સુવિધા માટે ફાઇવ સ્ટાર હોટલ ‘ધ લીલા’નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટેના ભારતીય રેલવેના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરથી પ્રેરિત હશે.

દેશના વડાપ્રધાન તરીકે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ગતિ આપવા માટે નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે. તેમની આ પહેલને વધાવી લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પીએમ ગતિશક્તિ પોર્ટલ શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પોર્ટલ આગામી સમયમાં ગુજરાતના સુગ્રથિત વિકાસને નવી દિશા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર નાગરિકો માટે એક મજબૂત માળખાગત સુવિધાઓનું નેટવર્ક વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો