આપણને શાંતિ પસંદ છે, યુદ્ધ તો અંતિમ વિકલ્પ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ  ભારતની પ્રાથમિકતા હંમેશાં શાંતિ માટેની હોય છે અને યુદ્ધ તો અંતિમ વિકલ્પ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. દિવાળીની ઉજવણી કરવા કારગીલ પહોંચેલા વડાપ્રધાને જોશભર્યા વક્તવ્ય દ્વારા સૈન્ય જવાનોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા આઠ વર્ષની જેમ આ વખતની દિવાળી પણ સૈન્યના જવાનો સાથે ઉજવી હતી. વડાપ્રધાન વહેલી સવારે કારગીલ પહોંચી ગયા હતા અને ત્યાં દિવાળીની શુભેચ્છા પાઠવીને સૈન્ય જવાનોનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાને તેમના હાથે જવાનોને મીઠાઈ ખવડાવી હતી અને જવાનોએ વડાપ્રધાન સમક્ષ દેશભક્તિના ગીતો ગાઇને આનંદ વ્યક્ત કર્યો હતો.

સૈન્યના જવાનોને સંબોધતા નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, આપણે વૈશ્વિક શાંતિમાં માનીએ છીએ, પરંતુ દેશ સામે નજર બગાડનાર કોઇપણને તેમની ભાષામાં જડબાતોડ જવાબ આપવાની સશસ્ત્ર દળો પાસે ક્ષમતા અને તૈયારી હોય છે.

વડાપ્રધાને ભૂતકાળની ઘટના યાદ કરીને કહ્યું હતું કે 1999ના કારગીલ સંઘર્ષ પછી પોતે સરહદી ક્ષેત્રની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે દિવાળી આતંકના અંતનો ઉત્સવ છે.

નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, સરહદો સુરક્ષિત હોય તો જ દેશ સુરક્ષિત રહે. તેમણે બાહ્ય અને આંતરિક પડકારો, નક્સલવાદનો સફાયો કરવા માટેનાં પગલાં, અર્થતંત્રને મજબૂત કરવા માટેની સરકારની કામગીરી વગેરે વિષયો ઉપર પણ વાત કરીને સરહદ ઉપર તહેનાત સૈન્ય જવાનોને વિશ્વાસ અપાવ્યો હતો કે પ્રત્યેક દેશવાસી તમારી સાથે છે. વડાપ્રધાને ખાસ કરીને સૈન્યમાં મહિલાઓના સમાવેશ અંગે પણ આનંદ વ્યક્ત કર્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો