ત્રણ નગરપાલિકામાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-પાણી પુરવઠા-ભુગર્ભ ગટર યોજનાનાં કામો માટે ૧૧૪.૬૮ કરોડ મંજૂર
October 27, 2022
— વાપીમાં વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થાના કામો માટે રૂ. ર૬.પર કરોડ
— મુંદ્રા-બારોઇ નગરપાલિકામાં રૂ. ૮૩.૭૯ કરોડના ભુગર્ભ ગટર યોજનાના કામો
— ભરૂચ નગરમાં બે ઝોનમાં પાણી પુરવઠા યોજના માટે રૂ. ૪.૩૭ કરોડ
ગાંધીનગરઃ રાજ્યના નગરોમાં વસતા નગરજનોની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ કરવાના અભિગમથી ત્રણ નગરપાલિકાઓને નાગરિક સુવિધાના કામો માટે કુલ ૧૧૪.૬૮ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ સંદર્ભમાં જે દરખાસ્તો રજુ કરવામાં આવી હતી તેમાં વાપી, ભરૂચ અને મુંદ્રા-બારોઇ નગરપાલિકાના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.
તદઅનુસાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વાપી નગરપાલિકાને વરસાદી પાણીની વ્યવસ્થા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના રૂ. ર૬.પર કરોડના કામો માટે અનુમતિ આપી છે.
વાપી નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે આશરે એવરેજ ૧૦૦ ઇંચ જેટલો વરસાદ પડે છે. આના પરિણામે ર થી ૩ ફૂટ જેટલો પાણીનો ભરાવો થાય છે અને પૂર્વ વિસ્તારના રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા રહે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ રૂપે વાપી નગરપાલિકા દ્વારા GUDM મારફતે રજૂ થયેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટેની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે.
આ દરખાસ્ત મંજૂર થતાં હવે, વાપી નગરપાલિકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો હાથ ધરશે અને નાગરિકોના ઘરોમાં થતો પાણીનો ભરાવો અટકશે તથા જાનમાલનું નુકશાન પણ બચી જશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત કચ્છની મુંદ્રા-બારોઇ નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાના કામો માટેની રૂ. ૮૩.૭૯ કરોડની દરખાસ્ત પણ મંજૂર કરી છે.
આ નગરોની આગામી વર્ષ ર૦પર ની વસ્તીની રોજની ૧ર.૧૧ એમ.એલ.ડી સીવેજ જનરેશનની સંભાવના ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટર યોજનાના કામોનું આયોજન કરવામાં આવેલું છે.
આ યોજના અંતર્ગત ૧૦ એમ.એલ.ડી ક્ષમતાનો સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, હાઉસ કનેક્શન ચેમ્બર, પમ્પીંગ મશીનરી તેમજ સીવર કલેક્ટીંગ સીસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ નગરપાલિકાના ડુંગરી વિસ્તાર ઝોન-૬ અને શક્તિનગર ઝોન-ર માં પાણી પુરવઠા યોજનાના કામો માટે ૪.૩૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ બેય ઝોનમાં આગામી ર૦પ૦ના વર્ષની વસ્તીનો અંદાજ ધ્યાનમાં રાખીને રોજની ૧૬.૦ર એમ.એલ.ડી પાણી જરૂરિયાતને પહોંચી વળવા આ પાણી પુરવઠા યોજના મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરી છે.
સમગ્રતયા મુખ્યમંત્રીશ્રીએ ત્રણ નગરપાલિકાઓને રૂ. ૧૧૪.૬૮ કરોડની રકમના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે