રાજ્યભરમાં ૨૯ ઓક્ટોબર- લાભપાંચમથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
October 28, 2022
નોંધણી કરાયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનીક જાણ કરાશે
પાકની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાશે
કૃષિ મંત્રી શ્રી રાજકોટ ખાતેથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે
ગાંધીનગર: રાજ્યભરમાં ૨૯ ઓક્ટોબર- લાભપાંચમથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદીનો પ્રારંભ કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.
કૃષિ મંત્રી શ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.૫,૮૫૦, મગનો રૂ.૭,૭૫૫, અડદનો રૂ.૬,૬૦૦ અને સોયાબિનનો રૂ.૪,૩૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં મગફળીના ૯,૭૯,૦૦૦ મે.ટન, મગના ૯,૫૮૮ મે.ટન, અડદના ૨૩,૮૭૨ મે.ટન અને સોયાબિનના ૮૧,૮૨૦ મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે.
જે અંતર્ગત ખરીફ ૨૦૨૨-૨૩માં મગફળીની ટેકાના ભાવે ખરીદીની રૂ.૫૭૨૯ કરોડ, મગ પાકની રૂ.૭૬ કરોડ, અડદ પાકની રૂ.૧૫૮ કરોડ અને સોયાબીન પાકની રૂ.૩૫૨ કરોડ મૂલ્ય મળી અંદાજિત કુલ રૂ.૬૩૧૫ કરોડની ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી માટેનું આયોજન હાથ ધરાયુ છે. જેનો રાજ્યના અંદાજિત ૩.૫૦ લાખ ખેડૂતોને લાભ મળશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે રાજ્યમાં વિવિધ ૧૬૦ ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવાનું સઘન આયોજન કરાયું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS દ્વારા અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. વેચાણ કરેલ જણસનું ખેડૂતોને ચૂકવણું સીધુ તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
લાભપાંચમ, તા.૨૯ ઓકટોબર-૨૦૨૨થી કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા મુહૂર્ત સ્વરૂપે રાજકોટ ખાતે સમગ્ર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવશે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે