ઉત્પાદન ક્ષેત્રમાં આવી ઝડપ, કામદારોની માંગ 33 મહિનામાં સૌથી ઊંચી

નવી દિલ્હીઃ માંગ અને પુરવઠો વધવાની સાથે ગત ઑક્ટોબર મહિનામાં ઉત્પાદન ક્ષેત્રમાં તેજી આવી છે. તેને પગલે કારખાનાઓમાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં કામદારોની ભરતી ખૂબ ઝડપથી થઈ રહી છે.

અન્ય દેશના અર્થતંત્રની સરખામણીમાં ભારતમાં ફુગાવો અને અમેરિકી ડૉલરની સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવા છતાં તેની સામે ટકી રહેનારાં પરિબળો વધારે મજબૂત જોવા મળ્યા છે તેમ એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા જારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

એસ એન્ડ પી ગ્લોબલના અહેવાલ અનુસાર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ સપ્ટેમ્બર મહિનામાં 55.1 હતો તે ઑક્ટોબરમાં વધીને 55.3 થયો છે, જે રોઇટર્સ દ્વારા મૂકવામાં આવેલા 54.9ના અંદાજ કરતાં વધારે છે. આ આંકડો 16 મહિનાના ગાળાની પ્રગતિમાં 50 લેવલ વધારે દર્શાવે છે.

ભારતીય ઉત્પાદન ક્ષેત્રે ઑક્ટોબરમાં ફરીથી મજબૂત સંકેતો દર્શાવ્યા છે. ફેક્ટરી ઓર્ડર અને ઉત્પાદનમાં મક્કમ રીતે વધારો થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે, તેમ એસ એન્ડ પીના ઈકોનોમિક્સ એસોસિએટ ડિરેક્ટર પોલીઆના દ લિમાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઉત્પાદકો એવી મજબૂત ધારણા સાથે ખર્ચ વધારી રહ્યા છે કે આગામી મહિનાઓમાં માંગ વધવાની છે. ઈનપુટ ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે અને કંપનીઓ વધુ ખરીદીની અપેક્ષાએ તેમનો સ્ટૉક વધારી રહ્યા છે.

ગયા મહિને સાર્વત્રિક માંગ અને પુરવઠાની પ્રગતિ આંશિક રીતે ધીમી હતી છતાં વિકાસનો આંક મજબૂત છે કેમ કે મે મહિનાથી વિદેશી માંગમાં ઘણો વધારો જોવા મળે છે.

આ તમામ પરિબળોને કારણે કંપનીઓ કામદારોની સંખ્યા પણ ખૂબ વધારી રહી છે જે જાન્યુઆરી 2020 પછી સૌથી ઝડપી છે. પરિણામે લાંબાગાળે ઉત્પાદન સતત વધતું રહેશે એવો આશાવાદ રખાય છે.

એસ એન્ડ પીના આ અહેવાલ મુજબ સપ્ટેમ્બર સુધી ફુગાવાનો દર ઊંચો રહ્યો હતો જે હવે ઘટવાની પૂરી શક્યતા છે. જેને કારણે ભારતીય રિઝર્વ બેંકને પણ રાહત મળશે અને તે આગામી મહિનાઓમાં દરનો વધારો કરવાના અભિગમમાં ધીમી ગતિ અખત્યાર કરશે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો