વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જાંબુઘોડામાં ૮૯૫ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત
November 01, 2022
— જાંબુઘોડાએ ૧૮૫૭માં નવી ક્રાંતિ સર્જવાનું કામ કર્યું છે
— ગુજરાતમાં શહીદોના નામ સાથે શાળાઓના નામ જોડવાની પ્રથા શરૂ કરવામાં આવી છે જેના કારણે આવનારી નવી પેઢીને તેમની ગૌરવ ગાથાની ખબર પડે
જાંબુઘોડાઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા ખાતે ૮૯૫ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું. તે અગાઉ સવારે વડાપ્રધાને રાજસ્થાનના માનગઢ ખાતે એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતાં બે દિવસ પહેલાં મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રધ્ધાંજલી આપી હતી અને વડાપ્રધાનશ્રીનો ગુજરાતને ખરા સમયે ત્વરીત ગતિથી મદદ પહોંચાડવા બદલ આભાર માન્યો હતો. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હંમેશા આદિવાસીઓનો ઉત્કર્ષ થાય તે માટે પ્રાથમિકતા આપી છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વિવિધ ક્ષેત્રે ઇતિહાસ રચી શકવા શક્તિમાન છે. અંબાજી થી ઉંમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર વર્ષોથી પાયાની સુવિદ્યાઓથી વંચિત હતો પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી ભાઇઓની પીડાનો અંત લાવી દીધો છે. આદિવાસી વિસ્તારનો વિકાસ ડબલ એન્જિનની સરકાર દ્વારા સાકાર થયો છે.
ત્યારબાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત અને દેશના આદિવાસી સમાજ માટેનો અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આજે માનગઢ ધામ ખાતે આદિવાસી સમાજના શુરવીરોને નમન કરવાનો અવસર મને મળ્યો છે. પંચમહાલ જિલ્લાના શુરવીરોને આજે નમન કરવાનો અને માથું નમાવવાનો દિવસ છે. આ પૂરા વિસ્તારો માટે પાયાની જરૂરીયાતોના લોકાર્પણનો દિવસ છે. ગુરૂ ગોવિંદસિંહ યુનિવર્સિટીનું કેમ્પસ વિશાળ છે. જાંબુઘોડાએ ૧૮૫૭માં નવી ક્રાંતિ સર્જવાનું કામ કર્યું છે. આ ક્રાંતિમાં તાત્યા ટોપેનું નામ મોખરે આવે અને તેમની સાથે લડાઇ લડનારાઓનું નામ મોખરે આવતુ હોય તો તે જાંબુઘોડા છે.
ગુજરાતમાં શહીદોના નામ સાથે શાળાઓના નામ જોડવાની પ્રથા શરૂ કરવામાં આવી છે જેના કારણે આવનારી નવી પેઢીને તેમની ગૌરવ ગાથાની ખબર પડે. આજે આ શાળાઓ નવા રંગરૂપ સાથે તૈયાર થઇ ગઇ છે. આજની પેઢીને આદિવાસી લોકો કેવી મુશ્કેલીઓમાંથી પસાર થયા છે તેની ખબર પણ નહીં હોય.પહેલાં આદિવાસી લોકોના બાળકો શિક્ષણ મેળવી શકતા ન હતાં. પરંતુ આજે આદિવાસીઓના બાળકો દેશ અને વિદેશોમાં શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરી દેશ અને પ્રદેશનું નામ રોશન કરી રહ્યાં છે. આજે દિકરીઓ માટે મોડેલ સ્કુલ અને ડે સ્કુલોને આધુનિક બનાવવામાં આવી છે, શાળામાં પૌષ્ટીક આહાર પુરો પાડવામાં આવે છે. મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં મારા સહિત મારા સાથી મંત્રીશ્રીઓ દિકરીઓ સુશિક્ષીત બને તે માટે ઉનાળાના ધોમ ધખતા તાપમાં કન્યા કેળવણી રથ લઇને નિકળતાં હતાં અને આદિવાસી સમાજે અમારી નિયતને સમજીને અમને પુરો સહકાર આપ્યો છે. વનબંધુ કલ્યાણ યોજનાએ સર્વાંગીણ વિકાસનું કામ કર્યું છે. ગયા પંદર વર્ષમાં એક લાખ કરોડનું બજેટ આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે વપરાયુ હતું અને આવનારા વર્ષમાં નવા એક લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવશે.
પહેલાંની સરકારોમાં આદિવાસી વિસ્તારોમાં હેન્ડપંપ મંજુર થાય ત્યારે ઢોલ નગારા વગાડવામાં આવતાં હતાં પરંતુ આ ડબલ એન્જિનની સરકાર આવતા હેન્ડપંપ નાબુદ કરી ઘેર ઘેર નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. આદિવાસી સમાજના વિસ્તારમાં ડેરીનો વિકાસ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં તેજ ગતિથી ઔદ્યોગિકરણ થઇ રહ્યું છે તેમાં આદિવાસી સમાજને પણ પ્રભુત્વ આપવામાં આવ્યું છે. આધુનિક ટ્રેનીંગ સેન્ટરો થકી ૧૮ લાખ આદિવાસી ભાઇઓ અને બહેનોને ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ આપવામાં આવી રહ્યું છે. આજે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી વિદેશોમાં નોકરી કરવા જતા રહ્યાં છે. આવનારા દિવસોમાં કોઇપણ ક્ષેત્રનો અભ્યાસ માતૃભાષામાં કરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે ગરીબમાં ગરીબ બાળક ડોક્ટર, એન્જિનિયર બની તેમના સ્વપ્ન સાકાર કરી શકશે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ગુજરામાં ૨૪ કલાક વિજળી આપવાનું કામ ડાંગ જિલ્લામાંથી કરવામાં આવ્યું છે. આઝાદી બાદ ભારત સરકારમાં કોઇ આદિવાસી મંત્રાલય કે તેનું બજેટ ફાળવવામાં આવતું ન હતું પરંતુ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતા આદિવાસીઓ ભાઇઓના ઉત્કર્ષ માટે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. પહેલાં આદિવાસી ભાઇઓ કાયદાની આંટીઘુંટીના કારણે વાંસ કાપી શકતો ન હતો પરંતુ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતા વાંસને કાંપવાનો, અને તેની વિવિધ વસ્તુઓ વેચાણ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ડબલ એન્જિનની સરકાર પિડીતો, વંચિતો અને દલિતોની સરકાર છે. કોરોના મહામારીમાં પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર ઘેર ઘેર જઇ વેક્શિનથી સુરક્ષીત કરવામાં આવ્યા છે. મફતમાં અનાજ પુરૂ પાડવામાં આવ્યું છે. ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે તે માટે વર્ષે રૂ. ૧૨૦૦૦/- સીધા ખેડૂતોના ખાતામાં જમાં કરાવવામાં આવે છે. અંબાજી થી ઉમરગામ સુધીના વિસ્તારોમાં આવતા તિર્થધામોનો વિકાસ કરવામાં આવ્યો છે. કોઇપણ ક્ષેત્રનો વિકાસ કરવા માટે નિયત સારી હોય તો તેમાં સફળતા જરૂર મળે છે. તમારા બધાના આશિર્વાદ અમને મળતો રહે તો પછી ડબલ એન્જિનની સરકારને બિક શેની હોય.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે