ભારતે છ મહિનામાં રૂપિયા 8000 કરોડના સૈન્ય શસ્ત્ર-સરંજામની નિકાસ કરી

નવી દિલ્હીઃ  ભારતે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રૂપિયા 8000 કરોડના શસ્ત્ર-સરંજામની નિકાસ કરી છે અને વર્ષ 2025 સુધીમાં વાર્ષિક રૂપિયા 35,000 કરોડના સૈન્ય સરંજામની નિકાસ કરવાનો લક્ષ્યાંક છે.

સંરક્ષણ સચિવ અજય કુમારને ટાંકીને આ અંગે પ્રકાશિત (https://www.moneycontrol.com/news/business/defence-exports-touch-rs-8000-crore-in-h1-as-sector-gains-from-make-in-india-9437631.html ) એક અહેવાલ મુજબ દેશનું લક્ષ્યાંક છે કે આ અમૃતકાળમાં અર્થાત 100મો સ્વતંત્રતા દિવસ આવે ત્યાં સુધીના 25 વર્ષમાં ભારત સંરક્ષણ ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં પાંચમા નંબરનું સ્થાન હાંસલ કરશે.

સંરક્ષણ ક્ષેત્રે આવું આમુલ પરિવર્તન આવવાનું કારણ એ છે કે, ભારત સરકારે મહત્ત્વાકાંક્ષી મેઇક-ઈન-ઈન્ડિયા યોજના શરૂ કરી છે જેને પરિણામે દેશ આ ક્ષેત્રમાં નિકાસ કરવાની સ્થિતિમાં પહોંચી શક્યો છે. વ્યક્તિગત સુરક્ષા ચીજો, ઑફશૉર પેટ્રોલ વેસલ, એએલએચ હેલિકોપ્ટર, એસયુ એવિઓનિક્સ, કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ, કવચ એમઓડી-2 લૉન્ચર તથા એફસીએસ, રડારનાં સાધનો, ઈલેક્ટ્રોનિક સિસ્ટમ તેમજ લાઇટ એન્જિનિયરિંગ મિકેનિકલ પાર્ટ જેવી અનેકવિધ ચીજોની નિકાસ શક્ય બની છે.

defence exports 1

સંરક્ષણ મંત્રાલય સૈન્ય સરંજામની નિકાસ વધારવા માટે અન્ય ચીજોના કોન્ટ્રેક્ટ કરવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે. તેમાં શ્રીલંકાને બે ડોર્નિયર મિલિટરી એરક્રાફ્ટ તથા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ – તેજસનો સમાવેશ થાય છે. આ બંને યુદ્ધવિમાનનું નિર્માણ સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા કરવામાં આવ્યું છે.

આ વર્ષે જાન્યુઆરીમાં આપણે બનાવેલી બ્રહ્મોસ સુપરસોનિક એન્ટી-શિપ મિસાઇલના વેચાણ માટે ભારત અને ફિલિપિન્સ વચ્ચે 375 મિલિયન ડૉલરનો કરાર થયો હતો.

સંરક્ષણ મંત્રાલય હેઠળ 16 કંપનીઓ ઉપરાંત 50 કરતાં વધુ ખાનગી કંપનીઓ હાલ દેશમાં સંરક્ષણ શસ્ત્ર-સરંજામનું નિર્માણ કરી રહી છે અને દેશ હાલ ઈટાલી, ફ્રાન્સ અને ચીલી સહિત 75 દેશોમાં વિવિધ સૈન્ય સરંજામની નિકાસ કરે છે.

defence exports 3

દેશ ગુજરાત

તાજેતર ના લેખો