રૂપિયા 3.4 ટ્રિલિયનની કિંમતના એપલ આઈફોનનું ઉત્પાદન ભારતમાં થશે

નવી દિલ્હીઃ  એપલ કંપની તેનું ઉત્પાદન કેન્દ્ર ચીનથી ખસેડી ભારત લાવી રહી છે. આગામી પાંચ વર્ષમાં કંપની 3.4 ટ્રિલિયન રૂપિયાના એપલ આઈફોનનું ભારતમાં નિર્માણ કરશે અને તેમાંથી 80 ટકા ફોન નિકાસ થશે.

એપલના તાઇવાનના કોન્ટ્રાક્ટર પેટ્રોજેને આઈફોન-14 મોડલનું ભારતમાં ઉત્પાદન શરૂ પણ કરી દીધું છે. હકીકતે પેટ્રોજેન એ બીજી સપ્લાયર કંપની છે જેણે ભારતમાં ઉત્પાદન શરૂ કર્યું છે. અગાઉ ફોક્સકોને સપ્ટેમ્બરમાં જ ભારતમાં ઉત્પાદન શરૂ કરી દીધું હતું.

પેટ્રોજેને તમિલનાડુમાં ફેક્ટરી સ્થાપી છે જ્યાં 7000 કરતાં વધુ લોકો કામ કરી રહ્યા છે. કંપનીએ અગાઉ આ વર્ષના પ્રારંભે એપલ આઈફોન-12નું ઉત્પાદન શરૂ કર્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે તીવ્ર ટ્રેડ વૉર ઉપરાંત ચીનમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા અસાધારણ પ્રતિબંધોને કારણે કંપનીએ તેના ફોનના ઉત્પાદન માટે વૈકલ્પિક સ્થળની શોધ શરૂ કરી હતી અને છેવટે ભારત ઉપર પસંદગી ઉતારી હતી.

ભારત પણ સર્વિસ ક્ષેત્રની સાથે સાથે ઉત્પાદન હબ બનવાની ગણતરી સાથે ચીન સાથે સ્પર્ધા કરી રહ્યું છે. એ માટે નીતિમાં પણ આવશ્યક ફેરફાર કરવામાં આવ્યા છે જેને પગલે દુનિયાભરની બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે ચીનને બદલે ભારત તરફ નજર નાખી રહી છે.

એપલે સૌથી પહેલાં 2017માં ભારતમાં આઈફોન એસેમ્બલ કરવાની કામગીરી શરૂ કરી હતી. આવતા વર્ષે એટલે કે 2023માં એપલ ભારતમાંથી રેકોર્ડ છ મિલિયન ફોનની નિકાસ કરવાનું લક્ષ્યાંક રાખે છે. કંપનીએ 2021માં દેશમાંથી 4.8 મિલિયન ફોનની નિકાસ કરી હતી. એપલના આ નિર્ણયને કારણે ચીનમાં તેના ફોનના ઉત્પાદન તેમજ નિકાસમાં 2021માં ભારે ઘટાડો થયો હતો અને એ જ વલણ આગામી વર્ષોમાં ચાલુ રહેશે.

Image

ફોક્સકોમ અને પેટ્રોજેનનાં ઉત્પાદન એકમો તમિલનાડુમાં છે જ્યારે આઈફોન બનાવતી ત્રીજી કોન્ટ્રાક્ટર કંપની વિસ્ટ્રોનનું ઉત્પાદન એકમ બેંગલુરુમાં છે. એપલ હાલ આઈફોન-એસઈ, આઈફોન-12, આઈફોન-13 તથા આઈફોન-14 (બેઝિક) ફોનનું ઉત્પાદન ભારતમાં કરે છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો