જેની તપાસ ચાલી રહી છે એ દિલ્હી જલ બોર્ડ કૌભાંડ શું છે?

નવી દિલ્હીઃ  દિલ્હીમાં આમ આદમી પાર્ટી સંચાલિત દિલ્હીમાં વધુ એક કૌભાંડની તપાસ ચાલી રહી છે. એ કૌભાંડ છે દિલ્હી જલ બોર્ડ (ડીજેબી)નું અને તેની કામગીરી નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની દેખરેખ હેઠળ થાય છે. આ કૌભાંડ રૂપિયા 20 કરોડનું છે જે ડીજેબીને મળવા જોઇતા હતા, પરંતુ પહોંચી ગયા છે એક ખાનગી એજન્સીના ખાતામાં.

વાસ્તવમાં દિલ્હીના ઉપ-રાજ્યપાલ વી.કે. સક્સેના પાસે એક ફરિયાદ આવી હતી કે દિલ્હી જલ બોર્ડ દ્વારા નિયમિત રીતે જે પાણીનું વિતરણ થાય છે તેના બિલની રકમ જલ બોર્ડ પાસે આવતી નથી.

ઉપ-રાજ્યપાલને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે, દર મહિને બિલની રકમ તો નાગરિકો પાસેથી ઉઘરાવવામાં આવે છે, પરંતુ એ નાણા ડીજેબીના ખાતામાં જમા થવાને બદલે અમુક ચોક્કસ અધિકારીઓ પાસે પહોંચી જાય છે. આ વાત ધ્યાનમાં આવતા ઉપ-રાજ્યપાલ સક્સેનાએ દિલ્હીના મુખ્ય સચિવને આવા ભ્રષ્ટ અધિકારીઓને ઓળખી કાઢવા અને કૌભાંડ માટે જવાબદારી નક્કી કરીને તેનો અહેવાલ આપવો.

ડીજેબીના જણાવ્યા અનુસાર પાણીના બિલ પેટે ગ્રાહકો (દિલ્હીના નાગરિકો) પાસેથી રૂપિયા 20 કરોડ ઉઘરાવવામાં આવ્યા છે અને એ રકમ છેલ્લા ઘણાં વર્ષથી ડીજેબીના બેંક ખાતામાં જમા થવાને બદલે કોઈ પ્રાઈવેટ બેંકના ખાતામાં જમા થાય છે.

તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ડીજેબીએ પોતાના વતી પાણીના બિલની રકમ એકત્ર કરવા 2012માં કૉર્પોરેશન બેંકને ત્રણ વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. આવું કૌભાંડ ચાલી રહ્યું છે એવું ધ્યાનાં આવ્યા પછી પણ કેજરીવાલ દ્વારા આ કોન્ટ્રેક્ટ 2016માં, 2017માં અને ત્યારબાદ 2019માં પણ રિન્યુ કરવામાં આવ્યો. કોન્ટ્રેક્ટ નિયમિત મળવાને કારણે બેંકે નિયમોનું સદંતર ઉલ્લંઘન કરીને ડીજેબીના ચોક્કસ અધિકારીઓની મિલિભગતથી બિલના નાણા એકત્ર કરવાનું કામ મેસર્સ ફ્રેશપે આઈટી સોલ્યુશન્સ પ્રા. લિ. ને સોંપ્યું. આ એજન્સીએ નાગરિકો પાસેથી રોકડ અથવા ચેક એકત્ર કરીને કૉર્પોરેશન બેંકમાં જમા કરાવવાના હતા. પરંતુ આ રકમ એક પ્રાઇવેટ બેંકના ખાતામાં જમા થવા લાગી.

2019માં ડીજેબીના ચેરમેન કેજરીવાલ પોતે બની ગયા અને બિલના નાણા આ રીતે અન્યત્ર પગ કરી જાય છે એની જાણ હોવા છતાં 10 ઑક્ટોબર, 2019ના રોજ બેંકનો કોન્ટ્રેક્ટ રિન્યુ કરી દીધો. ત્યારબાદ બેંકે પણ નાણા – ચેક એકત્ર કરવાની જવાબદારી જે મેસર્સ ફ્રેશપે આઈટી સોલ્યુશન પ્રા. લિ. પાસે હતી તેનો કોન્ટ્રેક્ટ 2020 સુધી લંબાવી દીધો.

ઉપ-રાજ્યપાલ કાર્યાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, સમગ્ર કૌભાંડની જાણ થયા પછી જવાબદાર ડીજેબી અધિકારીઓ સામે પગલાં લેવાને બદલે ડીજેબીએ કોન્ટ્રેક્ટ રિન્યુ કર્યો એટલું જ નહીં પરંતુ પાણીવેરાના બિલમાં પ્રતિ બિલ પાંચથી છ રૂપિયાનો વધારો ફ્રેશપે સોલ્યુશન્સને કરી આપ્યો. એજન્સી જે રકમ એકત્ર કરતી તે ફેડલર બેંકમાં જમા કરાવતી અને ત્યાંથી એ નાણા ડીજેબીના ખાતામાં જવાને બદલે કોઈ મેસર્સ ઔરુમ ઈ-પેમેન્ટ્સ પ્રા. લિ.ના ખાનગી ખાતામાં ટ્રાન્સફર થઈ જતી. આવો નાણાકીય વ્યવહાર ડીજેબી અને કૉર્પોરેશન બેંક વચ્ચે થયેલા કરારનું સદંતર ઉલ્લંઘન હતું અને તેથી આ અંગે વધારે ઊંડી તપાસ થઈ રહી છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો