રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકારનું સઘન આયોજન: ખેતી નિયામક
December 16, 2022
ગાંધીનગર: રાજયના ખેતી નિયામક શ્રી એ જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે કૃષિમંત્રી શ્રી રાધવજીભાઈ પટેલના માર્ગદર્શંન હેઠળ સઘન આયોજન કરાયું છે.રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે,રાજ્યમાં મુખ્ય ખાતર તરીકે યુરિયા, ડી.એ.પી. અને એન. પી.કે.નો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ખાતર પર માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાથી રવી ઋતુમાં વાવેતરમાં પણ વધારો થયેલ છે. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરીયાત હોઇ, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રવી/ઉનાળુ ઋતુ માટે યુરિયા ૧૨.૫૦ લાખ મે.ટન, ડી.એ.પી. ૨.૫૦ લાખ મે.ટન, એન.પી.કે. ૨.૮૫ લાખ મે.ટન તથા એમ.ઓ.પી. ૬૦ હજાર મે.ટન જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે.
રવી ઋતુમાં ડિસેમ્બર માસ સુધીની યુરિયાની ૭.૫૦ લાખ મે.ટન જરૂરિયાત સામે ૮.૭૧ લાખ મે.ટન, ડી.એ.પી. ૧.૮૦ લાખ મે.ટન સામે ૨.૪૯ લાખ મે.ટન, એન.પી.કે. ૧.૮૭ લાખ મે.ટન સામે ૨.૬૬ લાખ મે.ટન તથા એમ. ઓ.પી. ૪૬ હજાર મે. ટન સામે ૫૦ હજાર મે. ટન અત્યાર સુધીમાં ઉપલબ્ધ છે. આમ, ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ કરાવેલ છે.
તેમણે કહ્યું કે, તાજેતરમાં કેટલાક પ્રચાર માધ્યમમાં રાસાયણિક ખાતરની અછત અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયેલ છે, તે અન્વયે જણાવવાનું કે રાજ્યમાં હાલમાં રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટોક ઉપલ્બ્ધ છે. રાજ્યમાં હાલમાં ૧.૯૮ લાખ મે.ટન યુરિયા, ૪૩ હજાર મે.ટન ડી.એ.પી., ૯૭ હજાર મે.ટન એન.પી.કે. તથા ૨૫ હજાર મે.ટન એમ.ઓ.પી.નો જથ્થો ઉપલ્બ્ધ છે, તેમજ ખાતર કંપનીઓ દ્વારા નિયમિત ધોરણે રેલવે તથા રોડ મારફતે ખાતર સપ્લાય ચાલુ છે. ખેડૂતોને રાજ્યમાં સમયાંતરે જરૂર મુજબ ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે આગોતરું ચોક્કસ આયોજન કર્યું છે, સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્યને પૂરતું ખાતર મળી રહે તે માટે નિયમિત રીતે રાજ્ય સાથે સંકલન કરીને પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.
આમ, રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોઇ ખેડૂતોને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અપીલ છે તેમજ ખાતરની અછત અંગેની ચિંતા કરવાની જરૂર નથી. ખાતર અંગેની કોઇ ફરિયાદ હોય તો ખેડૂતોએ જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા જે તે તાલુકાના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કૃષિ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે