કિનારે ઉભેલા ડૂબતા નથી એ સાચું, પણ એવાઓ તરતા પણ નથી શીખતાઃ સરદાર પટેલના યાદગાર કથનો
October 31, 2023
ગાંધીનગરઃ આજે સરદાર સાહેબની જયંતિના દિવસે અહીં તેમની વાણીમાંથી ચૂંટેલા કેટલાક સુવાક્યો પ્રસ્તુત છે. આ થોડાક વાક્યોમાં જ સરદાર સાહેબના વ્યક્તિત્વની ખાસ્સી ઝલક મળી રહે છે.
– પાણીમાં તરનાર ડૂબે છે ખરા અને કિનારે ઉભેલા ડૂબતા નથી એ સાચું, પણ એવાઓ તરતા પણ નથી શીખતા.
– આજનું કામ આજ કરો, કાલનું કામ એની મેળે થઇ જશે.
– તાકાત વગર બોલવાથી ફાયદો નથી. દારુગોળા વગર જામનગરી ભડાકો નથી થવાનો. જેટલું કરો એના જોર પર બોલજો.
– મગજ અને હાથપગ વચ્ચે અંતર ન જોઇએ.
– તમારા કાન પણ સભ્યતા શીખે. નિંદા સાંભળવા ન ટેવાય એનું ધ્યાન રાખજો.
– તમે એ વાત ભૂલી જાઓ છો કે તમને અને મને પેદા કરનાર ઇશ્વર એક છે.
– દુનિયા એ જબરજસ્ત વિદ્યાલય છે. એ વિદ્યાલયની ડિગ્રી ઝટ મળતી નથી.
– મને જુવાનોના ખેલ ખેલવાનું મન થાય છે પણ વૃદ્ધોનો અનુભવ મને સંયમ પણ શીખવે છે. જુવાનોના ઉત્સાહથી હું જટેલી પ્રેરણા મેળવું છું તેટલો વૃદ્ધોનો અનુભવ પણ હું સાથે જોડવા માંગુું છું.
-મારી જીભ કુહા઼ડા જેવી છે અને મારી વાત કડવી લાગે તો પણ આપણા બેઉના હિતની છે.
– મારા જેવાને તો એક આદત પડી છે કે પગ મૂકું ત્યાંથી પાછુ ન પડવું.જ્યાં પગ મૂકીને પાછા ફરવું પડે ત્યાં પગ મૂકવાની મને આદત નથી.અંધારામાં ભૂસકો મારવાની મને ટેવ નથી.
– મેં તો અનુભવ કરી જોયા છે કે લોકોને સીધી સાચી વાત કહેવાની આદત નથી તેમને ખુશામતની બહુ ટેવ પડી ગઇ છે.
– તમે ખુશામત છોડી દેજો તેના જેવો ઝેરી રોગ નથી.
– એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે મરવાનું એક જ વખત છે. દરેકને માટે કાથી અને વાંસ સિવાય બીજું કશું છે જ નહીં.
– રાત દિવસ કામ કરનાર સહેજ્યે ઇન્દ્રિય પર સંયમ મેળવે છે.
– પૈસો તો આજે છે ને કાલે જતો રહેશે. સટ્ટાના બજારમાં ઘણા માણસો પૈસો ગુમાવે છે. પણ સેવાના બજારમાં કોઇ દિવસ ગમાવવાનું હોતું નથી.
– કેવળ પૈસા વેરવાથી કોઇ ઉમેદવાર ચૂંટાઇ શકશે નહીં. મતપેટી સિક્કાથી કે નોટોથી ભરવાની નથી હોતી પણ મતપત્રકોથી ભરવાની હોય છે.
– પ્રીત ત્રણ પ્રકારની હોય છે. એક ભયની, બીજી ગરજની અને ત્રીજી નિસ્વાર્થી.
– ભગવું પહેર્યું એટલે ભોળો હિંદુ તેને સાધુ માને છે. ભગવાધારી એટલા સાધુ નથી.ભગવા પહેરનારા તે જ સાધુ નહીં, જેઓ પ્રજાની સાચી સેવા કરે તે સાધુ. તેમ ધોળી ટોપી ને ઘોળું કૂર્તુ પહેર્યું એટલે ગાંધીનો માણસ નથી થઇ જતો.
– ઝવેરીને હીરાની કિંમતની ખબર પડે. વાંદરાને આપ્યો હોય તો એ તો એને કરડે અને એના દાંત પડી જાય.
– યમના દૂતથી કોઇ સંતાયેલો રહી શકવાનો નથી તે તો દુનિયાના પડ પર કોઇ પણ ઠેકાણેથી શોધી કાઢશે.
– ગુનો કબૂલ કરીને ફાંસીને લાકડે લટકાવામાં બહાદુરી છે બાકી સંતાવામાં તો કાયરતા જ છે.
-મરવાનું તો સૌએ છે પણ ઇજ્જત સાથે મરવાનું આવે તો બે વર્ષ વહેલું આવે તોય પોષાય.
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર