આદિવાસીનો આર્તનાદ : ડી લિસ્ટિંગ – ગુજરાતમાં આરએસએસના વડા મથકે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો
August 08, 2024
કર્ણાવતીઃ સાહિત્ય સાધના ટ્રસ્ટ – ગુજરાત પ્રકાશિત “આદિવાસીનો આર્તનાદ : ડી લિસ્ટિંગ” પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ આજે (૮-૮-૨૦૨૪ -ગુરૂવાર) કર્ણાવતીના કાંકરિયા ખાતે આવેલ ડૉ. હેડગેવાર ભવન ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક શ્રી ભાનુ ચૌહાણ તેમજ અતિથિ વિશેષ તરીકે નિવૃત આઈએએસ શ્રી સી. એમ. બલાત ઉપરાંત એએમસીના પૂર્વ DETP શ્રી પી.એન. રાઉત સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગેની પ્રેસનોંધમાં જણાવાયું છે કે – ૯ મી ઑગસ્ટે વિશ્વભરમાં વિશ્વ મૂળનિવાસી દિન ઉજવાય છે. આ જ દિવસને ભારતમાં પણ “આદિવાસી દિન” તરીકે ઉજવાવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં આ દિવસની ઉજવણી અચાનક ઇરાદાપૂર્વક વધી ગઈ છે. ચર્ચાઓ થઈ રહી છે, કાર્યક્રમો થઈ રહ્યા છે. આ ઉજવણી – કાર્યક્રમ પાછળ એક મોટું ષડ્યંત્ર છે. આ ષડ્યંત્રનો પર્દાફાશ કરતું પુસ્તક એટલે “આદિવાસીનો આર્તનાદ : ડી લિસ્ટિંગ”
“મૂળનિવાસી” શબ્દના આધારે ભારતને વિભાજિત કરવાનું એક મસમોટું રાષ્ટ્રવ્યાપી ષડ્યંત્ર આજે તેની વિકરાળતા ધારણ કરી રહ્યું છે ત્યારે જરૂર છે તેના પર્દાફશની અને વ્યાપક જનજાગૃતિની. આ પુસ્તક આ દિશામાં પહેલું પગલું છે.
પુસ્તકનો સારાંશ
08-08-2024
શું છે આ પુસ્તકમાં તેની કેટલીક વિગત જોઇએ
શું છે `વિશ્વ મૂળનિવાસી દિન' પાછળનું છૂપું સત્ય? `વિશ્વ મૂળનિવાસી દિન'નો વિચાર કેવી રીતે
આવ્યો?
કેથોલિક મિશનની આર્થિક મદદથી કોલંબસ મોટો કાફલો લઈને સમુદ્રમાર્ગે ભારતને શોધવા માટે નીકળેલો. ૧૪૯૨માં તે અમેરિકાના પૂર્વીય તટ પર પહોંચી ગયો. તે વખતે અમેરિકામાં ચેરોકી, ચિકાસૌ, ચોક્તાવ, માસ્કોગી, અને સેમિનોલ એમ પાંચ મૂળ અમેરિકન (મૂળનિવાસી) સમાજો હતા. કોલંબસે માની લીધું કે, પોતે ભારત પહોંચી ગયો છે. ત્યાંના લોકોને `ઇન્ડિયન’ કહેવા લાગ્યો. જો કે મોડી મોડી કોલંબસને ખબર પડી કે, તે પહોંચ્યો તે ભારત નથી, તેથી ત્યાંના મૂળ નિવાસીઓનું નામ `રેડ ઇન્ડિયન' રાખ્યું. જેને આજે `અમેરિકન ઇન્ડિયન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ત્યાં પોતાની કોલોનીઓ બનાવીને અડ્ડો જમાવવાના ઉદ્દેશ્યને પાર પાડવા અંગ્રેજોએ અમેરિકાના મૂળનિવાસીઓ સામે સન ૧૬૦૦ સુધી યુદ્ધો કર્યાં, પરંતુ અપેક્ષા પ્રમાણેની સફળતા ન મળતાં ઈસાઈ મિશનરીઓને બોલાવીને તેમના દ્વારા શિક્ષણ-આરોગ્ય-સેવાના માધ્યમથી કન્વર્ઝન શરૂ કર્યું. સ્થાનિક લોકોની સૈન્યમાં ભરતી કરી અને `ભાગલા પાડો અને રાજ કરો' કુનીતિ અંતર્ગત અંદરોઅંદર લડાવવાનું કામ હાથ ધર્યું. મૂળનિવાસીઓ પર અત્યાચારો, હત્યાઓ કરીને તેમની સભ્યતાનો નાશ કરવા શક્ય તમામ પ્રયાસ કર્યા. બ્રિટિશ સેનાપ્રમુખ જેફ્રી આમર્સ્ટે વિશ્વનું પહેલું રાસાયણિક યુદ્ધ છેડ્યું. ટીબી, કોલેરા, ટાઇફોઈડ, શીતળા, જેવી ઘાતક બીમારીઓનાં જંતુ-કીટાણું, ઓઢવાના ધાબળા, રૂમાલમાં વગેરે કપડાંમાં મેળવીને લગભગ ૮૦ ટકા લોકોને તડપાવી તડપાવીને મારી નાખ્યાં. પોતાનું સામ્રાજ્ય સ્થાપવા બ્રિટિશ સેનાએ આચરેલો આ એક મહાભયાનક અત્યંત બર્બર હત્યાકાંડ હતો. આમ કરતાં કરતાં ૧૭૭૫ સુધી અંગ્રેજોએ પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું અને સંખ્યાબંધ કોલોનીઓ સ્થાપી. `ઇન્ડિયન રિમૂવલ એક્ટ, ૧૮૩૦; (ઇન્ડિયા શબ્દ સાથે જોડાયેલું નામ સાંભળીને આશ્ચર્ય થયું ને?) હેઠળ તમામ મૂળનિવાસીઓને મિસિસિપી નદીને પેલે પાર ખદેડી દેવામાં આવ્યા. આ સંઘર્ષમાં ૩૦,૦૦૦ લોકો તો રસ્તામાં જ મરી ગયા. આ ઘટનાને `The trail of tears’ થી ઓળખાય છે.
૧૪૯૨માં યુરોપિયનો પ્રથમ વખત કોલંબસ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે હેનરી એફ. ડોબીન્સના કહેવા મુજબ ત્યાંના મૂળનિવાસી (અમેરિકન ઇન્ડિયન)ની સંખ્યા ૧ કરોડ ૮૦ લાખ હતી. વસ્તીવધારાનું પ્રમાણ જોતાં તેમની સંખ્યા આજે આશરે ૧૫ કરોડ આસપાસની હોત, પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલા અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ વગેરે યુરોપિયનોએ કરેલા મૂળનિવાસીઓ ઉપરના એકધારા અત્યાચારોને કારણે આ મૂળનિવાસીઓની ૨૦૧૦માં ગણાયેલી સંખ્યા માત્ર ૫૫ લાખ જ હતી. ઓસ્ટ્રેલિયામાં સૌ પ્રથમ વર્ષ ૧૭૭૦માં બ્રિટિશ આર્મીનો લેફ્ટનન્ટ જેમ્સ કૂક પહોંચ્યો હતો. તે સમયે જેમ્સ કૂક અને તેના સાથી જોસેફ બેંક્સના કહેવા પર બ્રિટિશ સરકારે પોતાના કેદીઓને ઓસ્ટ્રેલિયામાં રાખવાનું નક્કી કર્યું. ૧૩-મે, ૧૭૮૭ના રોજ ૧૧ વહાણોથી ૭૩૭ કેદીઓ સહિત દોઢ હજારથી વધુ બ્રિટિશરો ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા અને આ રીતે ઓસ્ટ્રેલિયામાં વસાહતની શરૂઆત થઈ. તે સમયે ઓસ્ટ્રેલિયામાં રહેતા મૂળનિવાસીઓની સંખ્યા ૧૦ લાખ કરતાં વધુ હતી. વસ્તીવધારાનું પ્રમાણ જોતાં તેમની સંખ્યા ૬૦ લાખથી વધુ હોત, પરંતુ ૨૦૧૬ની વસ્તીગણતરી પ્રમાણે માત્ર ૭ લાખ ૯૦ હજાર છે, કારણઃ બર્બર નરસંહાર.
૧૪૯૨ની ૧૨મી ઓક્ટોબરે કોલંબસે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો હતો. આ દિવસને ૫૦૦ વર્ષ થવા નિમિત્તે અમેરિકાના મૂળનિવાસીઓ પર કોલંબસે મેળવેલા વિજયની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવણીનો ત્યાંના મૂળનિવાસી સમાજે પ્રચંડ વિરોધ કર્યો. `કોલંબસ ચાલ્યા જાવ' કેમ્પેઈન ચલાવ્યું. પોતાના પૂર્વજોનાં કાળાં કરતૂતો દુનિયા આખી સામે જાહેર થવાની બીકે અમેરિકાની અંગ્રેજ પ્રજા ડઘાઈ ગઈ. અમેરિકા આ ઉજવણી ન કરી શક્યું. અંતે વિરોધી કેમ્પેઈનને શાંત કરવા ત્યાંના વંચિત અને ઉપેક્ષિત મૂળનિવાસીઓનો કથિત ઉદ્ધાર કરવાના નામે અમેરિકાએ આ દિવસે અમેરિકાનો `ઇન્ડિજિનિયસ પીપલ ડે એટલે કે `અમેરિકન મૂળનિવાસી દિન' ઉજવવાનું શરૂ કર્યું.
૯મી ઓગસ્ટે કઈ વૈશ્વિક ઘટના ઘટેલી?
સંયુક્ત રાષ્ટ (UN) પણ અમેરિકાના ટેકામાં ૧૨મી ઓક્ટોબરે જ `વિશ્વ મૂળનિવાસી દિન ઉજવવાનું હતું, પણ અમેરિકામાં થયેલો પ્રચંડ વિરોધ જોતાં અન્ય દિવસ વિચારણાએ લીધો. સન ૧૬૦૦ પછી અમેરિકાના મૂળનિવાસીઓ સામે અંગ્રેજોએ ત્રણ મોટાં યુદ્ધ છેડ્યાં હતાં, તે પૈકીનું પહેલું યુદ્ધ આજના વર્જિનિયા પ્રાંતના મૂળનિવાસીઓના પોવહાટન નામના કબીલા સામે કર્યું. આ યુદ્ધ સન ૧૬૧૦ના ૯મી ઓગસ્ટના દિવસે થયું, યુદ્ધમાં સંપૂર્ણ કબીલો પૂરેપૂરો ખત્મ થઈ ગયો. મૂળનિવાસીઓની આ હારે પોતાની ગુલામીનો માર્ગ ખોલી દીધો. સંયુક્ત રાષ્ટ (UN) દ્વારા ષડયંત્રપૂર્વક અમેરિકાની મૂળનિવાસીઓ પરની આ જીત ધ્યાને રાખીને ૯મી ઓગસ્ટને `વિશ્વ મૂળનિવાસી દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો.
જો કે જાહેરમાં તો એવું જૂઠ સતત દોહરાવવામાં આવી રહ્યું છે કે, UNનું `વર્કિંગ ગૃપ ઓન ઇન્ડિજીનીયસ પોપ્યુલેશન; ૯મી ઓગસ્ટે બેઠક સ્વરૂપે મળ્યું હોઈ ૯મી ઓગસ્ટને `વિશ્વ મૂળનિવાસી દિન; તરીકે ઘોષિત કરવામાં આવેલો છે.
આમ કોલંબસને બાજુએ રાખી ૧૨ ઓક્ટોબરના બદલે ૯ ઓગસ્ટે પોતે મૂળનિવાસીઓનું મોટુ મસિહા છે તેવો આડંબર ઊભો કરીને UNનું નામ વટાવીને પોતાની આબરૂ બચાવવામાં અમેરિકા સફળ રહ્યું. મૂળનિવાસીઓ પ્રત્યે નકલી પ્રેમનો ડોળ-દેખાડો ચાલુ કરી દેવામાં આવ્યો. કેટલાક સમય પહેલાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ સ્થાનિક મૂળ નિવાસીઓના પ્રત્યે સાર્વજનિકરૂપે મગરનાં આંસુ સારીને માફી માગી હતી.
`વિશ્વ મૂળનિવાસી દિન' સાથે ભારતને કંઈ લેવાદેવા કેમ નથી?
ભારતમાં પણ `ભાગલા પાડો અને રાજ કરો'વાળી પોતાની નીતિ મુજબ અંગ્રેજોએ ગામ-નગરોના લોકો આર્યો છે; તેવું ચલાવ્યું. બહારથી આવેલા આ આર્યોએ મૂળનિવાસીઓને જંગલમાં ખદેડી દીધા તેવી તદ્દન વાહિયાત ભાગલાજન્ય થિયરી ઊભી કરી. પરંતુ વેદકાળથી લઈને આજના DNA-વિજ્ઞાને પ્રમાણભૂત રીતે સાબિત કરી દીધું કે, ભારતમાં સૌ એક જ પૂર્વજોનાં સંતાન છે. તેથી મુસ્લિમો અને અંગ્રેજો આવ્યા તે પહેલાંના સમયથી અહીં રહેતાં સૌ કોઈ મૂળનિવાસી જ છે, નથી કોઈ આક્રાંતા કે નથી કોઈ ઘૂસપેઠી.
શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ કહેલું છે કે, સૌ પહેલી વાત તો એ છે કે, એ વાતનું કોઈ પ્રમાણ નથી મળતું કે, આર્યો ભારતમાં બહારથી આવ્યા હતા અને તેમણે અહીંના નિવાસીઓ પર આક્રમણ કર્યું હતું. એ વાતની પુષ્ટિ માટે પ્રચુર પ્રમાણો છે કે, આર્યો ભારતના મૂળનિવાસી હતા.
તાજેતર ના લેખો
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર
- ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરાઈ
- અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ ઓનલાઈન અરજી કરી શકશે
- કાંકરિયા કાર્નિવલમાં આ વખતે શું શું હશે? કોણ કોણ આપશે સ્ટેજ પરફોર્મન્સ? કયો વિશ્વ વિક્રમ સર્જાશે? વાંચો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય