ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ: મુખ્યમંત્રી
October 20, 2024
કર્ણાવતી: સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના તત્વાધાનમાં, ગુજરાત પ્રવાસન નિગમના સહયોગ થી છેલ્લા બે દિવસથી ચાલી રહેલા શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલ “સપ્તરંગ શૉર્ટ ફેસ્ટ” ના અંતિમ દિવસે પુરસ્કાર અર્પણ સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા જાણીતા લેખક, નિર્દેશક પદ્મશ્રી ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ગરિમામય ઉપસ્થિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રાંગણમાં યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાંગણમાં સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાતી ફિલ્મ જગતને વિશિષ્ટ મંચ પૂરો પાડવાના ઉદ્દેશ સાથે બે દિવસના “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 277 શોર્ટ ફિલ્મ આવી હતી. અનેક નામાંકિત કલાકારો, નિર્માતા, નિર્દેશકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા ફિલ્મ ચાહકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલમાં …
શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મિટ્ટી પાની ફિલ્મ માટે શ્રેય મરડિયાને,
શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મિટ્ટી પાની ફિલ્મ માટે કિર્તી સોનીને
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો એવોર્ડ “લાલી” ફિલ્મને
શ્રેષ્ઠ ડિરેક્ટરનો એવોર્ડ મિટ્ટી પાની ફિલ્મ માટે આદ્યા ત્રિવેદીને
બેસ્ટ શોર્ટ ફિલ્મ સ્પેશ્યલ મેન્શનનો એવોર્ડ “એની” ફિલ્મના ફાળે ગયો હતો.
બેસ્ટ ફીચર ફિલ્મ સ્પેશ્યલ મેન્શનનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ “કસુંબો” ને
બેસ્ટ ડોક્યુમન્ટ્રી ફિલ્મનો એવોર્ડ “ચાંડાલ” ફિલ્મને,
બેસ્ટ ડોક્યુમન્ટ્રી ફિલ્મ સ્પેશ્યલ મેન્શનનો એવોર્ડ વોર ઍન્ડ અવર વોઇસીઝને આપવામાં આવ્યો.
આ ઉપરાંત બેસ્ટ રાઇટર, બેસ્ટ એનિમેશન ફિલ્મ, બેસ્ટ એનિમેશન ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફેસ્ટ એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને કસબીઓને ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ કરવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે ગુજરાત એ કલા, કથા અને સંસ્કૃતિની ભૂમિ છે અને લોક સંસ્કૃતિને જિવંત રાખવાનું કામ ફિલ્મો કરે છે, ત્યારે આ પ્રકારના આયોજનો વિવિધ સંસ્કૃતિઓના સમન્વયમાં સેતુરૂપ ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે મુખ્મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સપ્તરંગ ફિલ્મ સોસાયટીને અભિનંદન પાઠવતા કહ્યું કે ગુજરાતની અસ્મિતાને ગૌરવ અને સન્માનને નવી ઊંચાઈ આપતો આ ઉત્સવ સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ‘રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ‘ છે.
આપણે સૌ આપણી સંસ્કૃતિ અને વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરીએ. ગુજરાત સમૃદ્ધ વારસો અને ગાથાઓની ભૂમિ છે જેણે અનેક પેઢીઓને પ્રેરણા આપી છે આજનો આ કાર્યક્રમ પણ એની ઉજવણી કરવાનો અનેરો અવસર છે. ફિલ્મ જગત માટે જે દ્રષ્ટિ કેળવાઈ રહી છે એમાંથી સૌને બહાર લાવવાનું આપનું કામ છે. પરિવાર સાથે જોઈ ન શકાય એવી બાબતો પીરસાય એવું જોવું જોઈએ.
આ પ્રસંગે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવનારા પર્ફોર્મિંગ આર્ટ્સ કોર્સનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદન શાહ, જાણીતા કલાકાર અને ફિલ્મ નિર્માતા શ્રી ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ સુશ્રી અમીબેન ઉપાધ્યાય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી વિજયભાઈ ઠાકર સહિત જાણીતા ફિલ્મ નિર્માતાઓ તેમજ કલાકારો–કસબીઓ અને ફિલ્મચાહકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ વિતરણ દરમિયાન દશાવતાર તથા યોગને દર્શાવતા નૃત્ય તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે