હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
November 13, 2024
અમદાવાદ: ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. ૨૩ કરોડની બજેટ જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે. પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકશાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવુ પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે, તેમ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશુપાલકોને પશુ વીમા લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોને વીમા પ્રીમીયમમાં સબસીડી ચૂકવવામાં આવે છે. ભારત સરકારની સબસીડી બાદ થતા પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે.
ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન (NLM) અને રાજ્ય સરકારની પશુધન વીમા સહાય યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ. વચ્ચે MoU કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પશુપાલન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પશુધન વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે તે માટે આવતીકાલ તા. ૧૪ નવેમ્બરથી આગામી એક મહિના સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. અરજી કરી હોય તેવા પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે આ સહાય આપવામાં આવશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે. જ્યારે, બાકીની શેષ પ્રીમીયમની રકમ સબસીડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે ૫૦,૦૦૦ જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે.
ભવિષ્યમાં ક્લેઇમ રજુ કરવા સમયે પશુપાલકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવ્યાની પહોંચ અથવા પોલિસીની નકલ અચૂક મેળવી લેવી, તેવો પશુપાલન મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
તાજેતર ના લેખો
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું
- દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી. વિભાગ દ્વારા ૬,૬૧૭ એક્સ્ટ્રા બસો સાથે ૭ લાખથી વધુ ટિકિટો બુક કરી રૂ. ૧૬ કરોડથી વધુ આવક