કોના માન-પાન છે

ગુજરાતની વાત, જપન પાઠકઃ અમદાવાદમાં અને અન્યત્રે કરોડપતિઓ એટલા બધા થઇ ગયા છે કે અધધધ સંખ્યા થઇ ગઇ છે. આ બધાને ભેગા કરો તો તમામ સ્ટેડિયમો ભરાય અને છતાં જગ્યા ખૂટી પડે એટલા બધા છે. એટલે પૈસાદાર હોવાથી હવે લોકો લળી લળીને આપે તેવું માન-પાન નથી મળતું. મારા અલવોકને જણાયું છે કે રાજાશાહી માન-પાન મેળવવાનો રસ્તો પૈસા નહીં પણ પોઝીશન્સ છે, અને પ્રસિદ્ધિ પણ ખરી..

પોઝીશન્સ કેવી? જો તમે આઇએએસ ઓફિસર છો તો લળી લળીને માન-પાન આપનારાની લાઇન લાગે છે. હમણાં એક મેનેજમેન્ટ સંસ્થાના કાર્યક્રમમાં એક આઇએએસ અધિકારી આવ્યા તો બે – ત્રણ માણસો ઉભા થઇ ગયા અને આગળની હરોળ ખાલી કરાવીને તેમને ત્યાં બેસાડવામાં આવ્યા. રાજકારણીઓ આવે છે, જાય છે, પરંતુ આઇએએસ અધિકારીની નોકરી દુનિયાની સૌથી સલામત નોકરીઓ પૈકીની એક છે. લાઇફટાઇમ પ્રીવીલેજ અને પાવર છે. જો તમે સિનિયર સનદી અધિકારી છો તો તો સન્માન ઘણું, જો યુવાન છો તો ભવિષ્યમાં કામ લાગી શકો છો તેથી પણ સન્માન મળે છે. માનો કે મેનેજીંગ ટ્રસ્ટી પર સ્કૂલ-કોલેજમાં એડમીશન માટે સો લોકોના ફોન કોલ આવે છે તમામ કરોડપતિ છે, પરંતુ તેમાંના જે સનદી અધિકારી છે અથવા તેમને સાધીને આવ્યા હોય છે તેમનો ચાન્સ સૌથી આગળ.

બીજો નંબર આવે છે હાઇકોર્ટના જજનો. જજનો કોલ જાય તેની સાથે જ કામ સુલભ થઇ જવાની શક્યતા રહે છે. ત્રીજો ક્રમ છે આઇપીએસ અધિકારીઓનો અને પ્રસિદ્ધ સેલિબ્રીટી ટાઇપ લોકોનો કે જેઓ ખૂબ જ પ્રસિદ્ધ હોવા ઉપરાંત કરોડોપતિ પણ બની ચૂક્યા છે.

હવે તમે કહેશો કે રાજકારણીઓ અને મિડિયા, આ બે મહત્વના સ્તંભોનું શું? તો જવાબ છે કે જેઓ રાજકારણ અને મિડિયામાં પોતાનું વિશિષ્ટ અને વિરલ વ્યક્તિત્વ ઉપસાવી શક્યા છે તેમને સન્માન મળે છે, બાકી રાજકારણ બે – ત્રણ ટોચના નેતાઓની પરિધિમાં એકહથ્થુ થઇ જવાના કારણે અને બાકી નીચેના રાજકારણીને આજે ટોચ પર ને કાલે ઘરે બેસાડી દેવામાં આવતા હોવાથી, અને મિડિયાનું જોર એક-બે અખબારોના સ્થાને સંખ્યાબંધ અખબારો, વેબ, સોશ્યલ મિડિયા અને ટીવીમાં વહેંચાઇ જવાના કારણે ન બરાબર થઇ ગયું છે. હા કોઇએ વ્યક્તિગત પ્રતિભા ઉજાગર કરી હોય કે સંબંધો વિકસાવ્યા હોય તો તેમનું વળી ક્યાંક ચાલી જાય છે.

સંખ્યાબંધ લોકોને મળવાના ક્રમમાં અને સંખ્યાબંધ સ્થળોએ હાજરી આપવાના સિલસિલા થકી મને આવું લાગ્યું છે.

નોંધઃ આ લખ્યા પછી વડોદરાના પાંચ ધારાસભ્યોનો પત્ર જાહેર થયો છે જેમાં તેમણે અધિકારી રાજની અને ધારાસભ્યપદના અવમૂલ્યનની મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. આ પત્ર અહીં બીડું છું.