અંબાજી ત્રિશૂલિયા ઘાટે ૧૬ ફૂટનું ૬૦૦ કિલો વજન વાળું “અખંડ શક્તિ ત્રિશૂલ” સ્થાપિત કરાશે
January 14, 2026
ગાંધીનગરઃ ઉત્તરકાશી સ્થિત આશરે ૧૫૦૦ વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ ખાતે ૧૬ ફૂટ ઊંચું અને આશરે ૬૦૦ કિલો વજન ધરાવતું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” સ્થાપિત કરવામાં આવશે.
આ કાર્ય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન અને સહયોગથી તેમજ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી કરવામાં આવી રહ્યું છે.
આગામી ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અખંડ શક્તિ ત્રિશૂલને દર્શન માટે ખુલ્લું મુકાશે. ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી ૨૧ જાન્યુઆરી સુધી બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી કરી શકશે. દર્શન માટે સ્થળ અમદાવાદ એન્જિનિયર્સ, સી- ૧- બી, ૪૩૧૮, રોડ નં. ૪-યુ, ફેઝ-૪, જીઆઈડીસી, વટવા રહેશે.
સ્થાપિત થનાર આ ત્રિશૂલ ઉત્તરકાશીના વિશ્વનાથ મંદિર નજીક ભાગીરથી નદીના કિનારે સ્થિત માતા આદ્યશક્તિના પવિત્ર અખંડ શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે. આ ત્રિશૂલ માત્ર એક શિલ્પ નથી, પરંતુ શક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે. દેવી મહાત્મ્ય મુજબ, જ્યારે અસુરોના અત્યાચારથી ત્રિલોક વ્યાકુળ બન્યો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના તેજના સંયોજનથી અઢાર ભુજાવાળી આદ્યશક્તિ માતા જગદંબાનું પ્રાગટ્ય થયું હતું. ભગવાન શિવ દ્વારા અર્પિત દિવ્ય ત્રિશૂલથી માતાએ મહિષાસુરનો સંહાર કરી ધર્મ અને સત્યની સ્થાપના કરી હતી.
આ જ ભાવના અને શક્તિના સંદેશને આધારે અંબાજીમાં આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી રહી છે. અંબાજીનું ત્રિશૂલિયા ઘાટ વિશેષ મહત્વ ધરાવે છે. આ ઘાટ માતા અંબાજીના દર્શન માટે જતા યાત્રાળુઓના માર્ગ પર આવેલો છે અને અહીં પહોંચવાનો માર્ગ થોડી ચઢાણવાળો તથા પડકારજનક છે.
ત્રિશૂલિયા ઘાટ પર દિવ્ય ત્રિશૂલની સ્થાપનાથી યાત્રાળુઓમાં આત્મવિશ્વાસ, નિર્ભયતા અને આધ્યાત્મિક શક્તિની ભાવના વિકસે તેવો હેતુ રાખવામાં આવ્યો છે. આથી અંબાજીનો પવિત્ર યાત્રામાર્ગ વધુ આશીર્વાદમય અને સુરક્ષિત બની રહેશે.
આ દિવ્ય ત્રિશૂલની ૧૬ ફૂટ ઊંચાઈ, આશરે ૬૦૦ કિલો વજન, ઉત્તરકાશીના ૧૫૦૦ વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલથી પ્રેરણા અને દેવી મહાત્મ્યના શ્લોકોને આધારરૂપ ભાવના સમાવિષ્ટ છે. આ ત્રિશૂલની સ્થાપના અંબાજીના ત્રિશૂલિયા ઘાટ ખાતે કરાશે. આ ત્રિશૂલની સ્થાપના શક્તિ પરંપરાના પુનર્જાગરણનું પ્રતીક બનશે.
તાજેતર ના લેખો
- ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો: ગુજરાત સરકાર
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે મહત્વના ઠરાવો: ‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’, મુખ્ય કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’
- સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
