ટોચના પાંચમાં કોનું ઉતરાણનું કમ્યુનિકેશન કેવું રહ્યું?

અંદર બહાર ગુજરાત

જપન પાઠક

ચૌદમી જાન્યુઆરી ને ઉતરાણના દિવસે વિવિધ નેતાઓનું કમ્યુનિકેશન કેવું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરાણ વિશેની પોતાની ગુજરાતી કવિતા, આકાશમાં વાદળો હોય અને સૂરજ હોય તેવી તસવીર પર ટવીટ કરી. વડાપ્રધાનના પદનું વજન અને કવિતાની નરમાશની સાથે ઉતરાણની પ્રાસંગિકતા અને ગુજરાતી ભાષાનું પોતીકાપણું … આ બધાને લઇને નરેન્દ્રભાઇની ટવીટ ન્યૂઝ બની.

અમિત શાહ જગન્નાથ મંદિરમાં ગયા, દેવ દર્શન કર્યા, મંદિરના હાથી અને ગાયને ભોજન કરાવ્યું એ વાસ્તવમાં આખા દેશ માટે સારું કમ્યુનિકેશન હતું. જો કે શાહ સાંજે સાલ હોસ્પિટલ રોડ પર મેપલ ટ્રી ફ્લેટ સ્કીમમાં ધાબે પતંગ ચગાવવા ગયા એ કમ્યુનિકેશને ગુજરાતમાં જુદો ગણગણાટ શરુ કર્યો છે. દર અસલ ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કરેલી અને પછીથી જાહેર કરેલી ગાઇડલાઇનમાં એ મુદ્દો ખાસ મૂક્યો હતો કે આ વર્ષે ઉતરાણ પ્રસંગે સૌએ પોતપોતાના ઘરેના ધાબા-અગાસીએથી જ પતંગ ચગાવવો અને કોઇ એકબીજાના ધાબે નહીં જાય. આમ છતા અમિત શાહ પોતાના થલતેજના બંગલાને છોડીને મેપલ ટ્રીના ધાબે પતંગ ચગાવવા ગયા. અહેવાલ છે કે અહીં અમિતભાઇના બહેનનું ઘર છે. અમિતભાઇની સાથે સ્વાભાવિક રીતે મિડિયા, ટેકેદારો, સ્થાનિક લોકોની ભીડ પણ હતી. આદર્શ ઉદાહરણ પ્રસ્તુત કરી થલતેજના જ ધાબે રહેવાના બદલે ગાઇડલાઇનના ભંગના સિગ્નલ ગયા એમાં આ સાંજવાળું કમ્યુનિકેશન બગડ્યું.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ સાંજના સાડા પાંચ વાગ્યે ફેસબુક પર પ્રિરેકોર્ડેડ અને પ્રોફેશનલી રેકોર્ડેડ સંબોધન મૂક્યું. આમાં તેમણે મકરસંક્રાન્તિના સૂર્ય ઉત્સવ તરીકેના સ્વરુપને લઇને ગુજરાતની સૂર્ય ઉર્જા ક્ષેત્રે પ્રગતિ વિશેની વાતો સમાવી. રુપાણીનું સંબોધન એક તો ઉતરાણના દિવસે સાંજે સાડા પાંચે થયું કે જ્યારે આખું ગુજરાત ધાબા પર પતંગ ચગાવવા માટે ઉમટ્યું હોય. કેલેન્ડરીકલ ચીજો સવારે જ સારી લાગે. બીજું કે સંબોધનમાં કોઇ એનાઉન્સમેન્ટ ન હતું. સંબોધનની ટેક્સ્ટ બ્લોગ થઇ હોત, મિડિયાને એની લીંક મોકલાવી હોય તેવું પણ નહીં. રુપાણી પોતાના ધાબેથી પરિવાર સાથે પતંગ ચગાવીને માહિતી ખાતાના કેમેરા હાજર રાખી તેનો પ્રસાર કરી શક્યા હોત. એ કમ્યુનિકેશન સારું પણ જાત અને લોકોને રસ પણ પડત. પરંતુ કદાચ ઘણાં જીવદયાવાળા પતંગ નથી ચગાવતા તો તેમણે પણ નહીં ચગાવ્યા હોય. કોને ખબર? અથવા એવું હોય કે યોજનાથીજ મંદિરે દર્શન, ગૌદાન અને પતંગ ચગાવવાવાળું કમ્યુનિકેશન માત્ર અમિતભાઇ માટે રાખ્યું હોય.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર જતા ઉવારસદ ચોકડી પરના ઓવરબ્રીજ અને ગુજરાતના સૌથી પહોળા દસ લેનના રસ્તા (અડાલજ ત્રિમંદીરથી હનુમાન મંદિરને જોડતા)નું ઉદઘાટન કરીને તેમની આગવી સ્ટાઇલમાં સંબોધન નહીં પરંતુ સંવાદની સ્ટાઇલમાં ન્યૂઝી વક્તવ્ય આપ્યું. જેમને માહિતીપ્રદ ન્યૂઝમાં રસ હોય તેમને લીસ્ટ આપી દીધું કે હવેના છ મહિનામાં કયા કયા ઓવરબ્રીજ, એલીવેટેડ કોરીડોરનું અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઉદઘાટન થવાનું છે. નર્મદા નદી પરના ભરુચ અંકલેશ્વરને જોડતા પુલનું કામ પૂરુ થવાનો પણ અંદાજ આપી દીધો. જેમને રાજકીય પ્રકારના વિષયમાં રસ પડે છે તેમના માટે તેવી વાતો પણ કરી દીધી. નીતિનભાઇનું કમ્યુનિકેશન ન્યૂઝની દ્રષ્ટિએ સૌથી આગળ રહ્યું. ઇન ફેક્ટ ન્યૂઝ ડિલીવરી-
પ્રસંગોચિત માહિતીની સેન્સને કારણે અને સંબોધનને બદલે સંવાદના ટોનને કારણે નીતિનભાઇ કમ્યુનિકેશનમાં મોટેભાગે આગળ રહે છે.

ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આમ તો ડીંડોલી, નવાગામમાં શિવાજીના પૂતળાના અનાવરણ પ્રસંગે હાજરી આપી પરંતુ સોશ્યલ મિડિયા પર દિવસભર તેમની ટીમે ગુજરાતી સમાચાર ચેનલ પર તેમના વ્હોટસએપ દ્વારા સરકારની યોજનાની માહિતી જાણવાની સિસ્ટમ વિકસાવાઇ છે તે અંગેનો ઇન્ટર્વ્યૂ વહેંચ્યા કર્યો. વોટસએપથી યોજનાની જાણકારી વાળી વાત પંદર-વીસ દિવસ જૂની છે અને અગાઉ સમાચારમાં આવી ગઇ છે એટલે લોકોમાં આ કમ્યુનિકેશનની કોઇ પીચ પડી નહીં.