મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના: પ્રદીપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના એક અગ્રણી અખબારે ‘‘ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકાર છૂપાવે છે. ૭૧ દિવસમાં ૧.ર૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇસ્યુ થયાં’’ એવા પ્રસિદ્ધ કરેલા સમાચારને હકીકતલક્ષી વિગતોથી તદ્દન જુદા અને આધારવિહીન ગણાવ્યા છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ અહેવાલમાં મરણ પ્રમાણપત્ર-ડેથ સર્ટીફીકેટને આધાર બનાવીને જે મૃત્યુની સંખ્યા ગણવામાં આવી છે તે યોગ્ય નથી તેમજ તેની સરખામણી કોવિડ-૧૯થી થયેલા મૃત્યુ સાથે કરવામાં આવી છે તે પણ અયોગ્ય છે.

તેમણે આ વિષયે ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં મરણ નોંધણી પ્રમાણપત્ર અને ડેથ સર્ટીફીકેટ ઓન લાઇન આપવાની પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, જયારે કોઇ પરિવાર-કુટુંબમાં મોભીનું કે, સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમને મરણ પ્રમાણપત્રની બેંક, ઇન્સ્યોરન્સ, એલ.આઇ.સી. જેવી વિવિધ બાબતો માટે જરૂર પડતી હોય છે. સ્વજનના મૃત્યુના દુ:ખદ સમયે ઘર-પરિવારને આ ઓનલાઇન પદ્ધતિથી ઘરે બેઠાં સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તેવી સંવેદનાશીલતા સાથે આ પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે અને વિવિધ વિષયો માટે ડેથ સર્ટીફીકેટની જરૂર પડતી હોય તેવા સંજોગોમાં કોઇવાર એક જ મૃત્યુના કિસ્સામાં એક થી વધુ વખત રજીસ્ટ્રેશન થયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. આના પરિણામે, ઇશ્યુ ડેથ સર્ટીફીકેટ અને થયેલ મૃત્યુની સંખ્યામાં તફાવત હોઇ શકે છે.

એટલું જ નહીં, પરિવારમાં થયેલ મૃત્યુથી શોકમગ્ન પરિવારો અન્ય વિધિઓ, રીત-રિવાજો વગેરેને કારણે મૃત્યુ થયાના સમયે જ મરણ નોંધણી પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન કરાવી ન જ શકે તે સ્વાભાવિક છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આમ, મૃત્યુ સમય, રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું એ ત્રણેય બાબતો અલગ અલગ છે. તેને એકસાથે સાંકળીને આ અખબારી અહેવાલમાં જે સંખ્યા બતાવાઇ છે અને નિષ્કર્ષ-તારણ દર્શાવાયા છે તે બિલકુલ અનુચિત અને અયોગ્ય છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ ઉમેર્યું કે, આ અખબારી અહેવાલમાં ર૦ર૦ના વર્ષની દર્શાવાયેલી આંકડાકીય વિગતોમાં એકયુરસી-ચોક્કસતા નથી.

આ અહેવાલમાં માર્ચ અને એપ્રિલ-ર૦ર૦માં કુલ મરણ પ્રમાણપત્ર ઇશ્યુ થવાની સંખ્યા ૪૪,૯૪૩ બતાવવામાં આવી છે અને હકીકતે ડેટા જોઇએ તો ૬૧,૫૦૫ છે એટલે કે, ૧૬,૫૬ર ઓછા બતાવ્યા છે. જે ૩૦ ટકા ઓછા છે. આમ અંડર રીપોર્ટીંગ છે. તેના કોઇ ચોક્કસ આધાર નથી.

તદ્દઉપરાંત, જયારે મૃત્યુના આંકડાની ટકાવારીની સરખામણી પાછલા કે અગાઉના વર્ષો સાથે કરવામાં આવે ત્યારે જનસંખ્યામાં થયેલ વૃદ્ધિ તેમજ કુદરતી મૃત્યુ-નેચરલ ડેથના આંકડા પણ ધ્યાને લેવાવા જોઇએ જે આ અહેવાલમાં ધ્યાનમાં લીધા વિના જ તૂલના કરવામાં આવેલી છે, તેમ શ્રી જાડેજાએ જણાવ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ એમ પણ કહ્યું કે, આ અહેવાલમાં ર૦ર૦ અને ર૦ર૧ના વર્ષના મરણ પ્રમાણપત્રના આંકડાઓની તુલના કરવામાં આવી છે. અહેવાલમાં જે સમયગાળા દરમિયાનની તુલના કરાઇ છે તે ર૦ર૦ના વર્ષમાં લોકડાઉનનો સમય હોવાથી રાજ્ય સરકારે આ સમયમાં થયેલ મૃત્યુના મરણ પ્રમાણપત્ર એક વર્ષ એટલે કે ૩૧ જુલાઇ, ર૦ર૧ સુધી લેઇટ ફી કે એફીડેવીટ વિના આપવાનો નિર્ણય કરેલો છે. તે પણ ધ્યાનમાં લેવાવું જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.

આમ, સમગ્રતયા આ અખબારી અહેવાલમાં કરવામાં આવેલ વિશ્લેષણ પદ્ધતિ અને આંકડા ધ્યાને લઇએ તો રાજ્ય સરકાર દ્વારા મોતના જે આંકડા છૂપાવવાની વાત કરવામાં આવી છે તે યોગ્ય નથી.

શ્રી પ્રદીપસિંહ જાડેજાએ એમ પણ જણાવ્યું કે, કોવિડ-૧૯થી થતા મૃત્યુની સંખ્યા માટે જે ચોક્કસ પ્રસ્થાપિત પદ્ધતિ કોરોના ડેથ પ્રોટોકોલ અન્વયે અપનાવવામાં આવી છે તેનું રાજ્ય સરકાર યોગ્ય પાલન કરે છે અને કોવિડ-૧૯ના મૃત્યુની સંખ્યાનું પણ ચોક્કસ રીપોર્ટીંગ કરવામાં આવે છે. કેટલીક વાર પોસ્ટ કોવિડ રીકવરીના કિસ્સામાં પણ મૃત્યુ થાય છે તેને કોવિડ ડેથ તરીકે અખબારી અહેવાલમાં ગણવા તે પણ યોગ્ય નથી.

આવા સમયે લોકશાહીના ચોથા સ્થંભ ગણાતા પ્રચાર માધ્યમોના આવા આધારવિહીન અને સત્યથી વેગળા અહેવાલોથી લોકોમાં બિનજરૂરી પેનિક ભય-ડરનો માહોલ ઉભો થવાની શકયતાઓ રહેલી છે.

હકીકતે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના રાજ્ય સરકાર, લોકો અને સંગઠનોના પ્રયાસોમાં સહયોગ આપી જનહિતમાં સમાજ દાયિત્વ પ્રચાર માધ્યમોએ નિભાવવું જોઇએ, તેવી અપીલ પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કરી
છે.