વલસાડઃ સ્ક્રેપ મટિરિયલ બાંધવા માટે ત્રિરંગા અને હિન્દુ ધાર્મિક બેનરોનો ઉપયોગ કરનાર લિયાકત ખાનની ધરપકડ

વલસાડઃ વલસાડ જિલ્લામાં સ્ક્રેપ મટિરિયલ બાંધવા માટે ભારતના ત્રિરંગાનો તથા ભગવાન શ્રી રામ અને હનુમાનજીની છબી વાળા બેનરનો ઉપયોગ કરનાર ગોડાઉન મેનેજર લિયાકત ખાનની ધરપકડ કરવામાં આવી છે.

વાપી ગામ નજીક મોરાઈ દરવાજા પાસે આવેલા વાપી-સુરત હાઈવે પરના ગોડાઉનમાં નકામી ચીજવસ્તુઓને બાંધવા માટે ત્રિરંગાનો તથા શ્રી રામ અને હનુમાનજીની છબી વાળા બેનરોનો વ્યાપક ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ બાબત સ્થાનિક લોકોના ધ્યાનમાં આવતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી જેને પગલે પોલીસે કેસ દાખલ કરીને લિયાકત ખાનની ધરપકડ કરી હતી.

ઓપઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, સ્થાનિક લોકોના ધ્યાનમાં આ બાબત આવ્યા બાદ તેમણે વાપીના વિશ્વહિન્દુ પરિષદના પ્રમુખ નરેન્દ્ર પયકને જાણ કરી હતી. જેમણે સ્થળ ઉપર પહોંચીને બરાબર ખાતરી કર્યા બાદ વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ તત્કાળ આ સ્થળે પહોંચી ગઈ હતી.

લિયાકત ખાનના આ ગોડાઉનમાંથી ભારતના 30 ત્રિરંગામાં, શ્રી રામની છબિ ધરાવતા 12 બૅનર તથા શ્રીરામ અને હનુમાનની છબિ ધરાવતા ચાર બૅનરમાં સ્ક્રેપ બાંધવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ ઉપરાંત અન્ય ધર્મોનાં બૅનરમાં પણ કચરો બાંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

લિયાકત ખાનની ધરપકડ બાદ તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સુરતની એક કાપડ મિલમાં ત્રિરંગા તેમજ ભગવાનની છબિ ધરાવતાં કાપડ બન્યા હતા, પરંતુ પ્રિન્ટિંગમાં ભૂલ હોવાથી બધા ત્રિરંગા અને ધાર્મિક બૅનરોનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. અને આ જથ્થો કોઇક રીતે લિયાકત પાસે પહોંચ્યો હતો.

પોલીસે આ અંગે સુરતની કાપડ મિલના માલિકને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.

દરમિયાન, દિલ્હીથી પણ ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે જેમાં મોહમ્મદ તારિક નામના એક વ્યક્તિએ ભારતના ત્રિરંગા ઉપર ઊભા રહીને નમાજ પઢી હતી.

અહેવાલ અનુસાર, આસામનો મોહમ્મદ તારિક દુબઈથી દિલ્હી આવ્યો હતો. નમાજનો ટાઇમ થયો હોવાથી તેણે વિમાનમથકે જ ભારતીય ત્રિરંગો પાથરીને તેના ઉપર નમાજ પઢવા લાગ્યો હતો. ત્યાં ફરજ ઉપર હાજરી સીઆઈએસએફના જવાનોના ધ્યાનમાં આ વાત આવતા તેમણે તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.