ભારત બન્યું વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર, હવે 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનું લક્ષ્યઃ ગ્રોથ એન્જિન ગુજરાતે ગતિ વધારવી પડશે

મોદી સરકારના સબળ નેતૃત્વ અને નીતિઓના કારણે ભારતીય અર્થતંત્ર વૈશ્વિક પડકારો છતાં વૃદ્ધિના પંથે આગળ વધી રહ્યું છે

ગુણવંત સાધુ

વિશ્વના ટોચના વિકસિત દેશોના વિકાસની ગતિ મંદ પડી ગઇ છે પરંતુ ભારતની ગતિ તેજ બની છે. ભારતીય અર્થતંત્રની મજબૂતીના આંકડા અને પુરાવાઓ વચ્ચે વધુ એક તાજા સમાચાર છે કે તે બ્રિટનના અર્થતંત્રને પાછળ ધકેલીને વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્રની યાદીમાં આવી ગયું છે. એક દાયકા પહેલાં વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોમાં ભારતનો ક્રમ 11મો હતો અને બ્રિટન પાંચમા સ્થાને હતું. એટલે કે એક દાયકામાં ભારતે 7 સ્થાનનો હનુમાન કૂદકો લગાવ્યો છે. આટલા વર્ષમાં બ્રિટન પોતાના સ્થાનથી એક સ્થાન પાછળ હટ્યું છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડની જીડીપીના આંકડાની ગણતરીના આધારે ભારતીય અર્થતંત્રે આ સ્થાન હાંસલ કર્યું છે. આ ગણતરી યુએસ ડોલર મૂલ્ય પર આધારીત છે. રીપોર્ટ અનુસાર, માર્ચ 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે ભારતનું નોમિનલ જીડીપી 854.70 અબજ યુએસ ડોલર નોંધાયું હતું. જ્યારે બ્રિટનનું નોમિનલ જીડીપી મૂલ્ય 816 અબજ યુએસ ડોલર હતું.

ભારત 2029 સુધીમાં વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બની શકે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક તાજા રીસર્ચ રીપોર્ટ અનુસાર, ભારતીય અર્થતંત્ર છેલ્લા આઠ વર્ષમાં મોટાપાયે માળખાકીય પરિવર્તન પામ્યું છે અને તેના કારણે તે બ્રિટનને પાછળ રાખીને વિશ્વના પાંચમા નંબરનું અર્થતંત્ર બન્યું છે. રીપોર્ટ વધુમાં જણાવે છે કે આગામી સમયમાં જો આ વૃદ્ધિ દર ચાલુ રહેશે તો ભારત 2027માં જર્મનીને અને 2029 સુધીમાં જાપાનને પાછળ રાખીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બને એવી સંભાવના છે. એ જ રીતે, આરબીઆઇના ગવર્નર ડી સુબ્બારાવે પણ ગયા મહિને જણાવ્યું હતું કે જો જીડીપી 9 ટકાના દરે વધતો રહેશે તો ભારત 2028-29 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે.

5 ટ્રિલિયન ડોલરનું ભારતીય અર્થતંત્ર બનાવવા નરેન્દ્ર મોદી સરકારનું મિશન

કોવિડ-19ની મહામારી અને તે પછી રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઇ ગયું છે. મોંઘવારી બેફામ વધી છે અને ચીજવસ્તુઓની અછત સર્જાઇ છે. નાના અને વિકાસશીલ દેશોની હાલત સાવ કફોડી થઇ છે. નબળા શાસકો અને તેમના નબળા શાસનના કારણે આપણા પાડોશી દેશો શ્રી લંકા અને પાકિસ્તાનની હાલત નાદારીના આરે આવી ગયા છે. મોટા અને વિકસિત દેશોની સ્થિતિ પણ વણસી છે અને તેમની જીડીપી વૃદ્ધિ પણ મંદ પડી ગઇ છે. આ વૈશ્વિક પડકારો અને કપરા સંજોગોનો ભારતે સફળતાપૂર્વક સામનો કર્યો છે. ભારતમાં શ્રી નરેન્દ્ર મોદીની સરકારની સક્ષમતા અને કાબેલિયત પરિણામે ભારત પ્રગતિના પંથે આગળ વધીને અગ્રેસર રહ્યું છે. મિનિમમ ગવર્ન્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સનો મંત્ર આપનાર વડાપ્રધાન શ્રી મોદીએ 2019માં કલ્પના કરી હતી કે ભારત 2024-25 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર અને વૈશ્વિક પાવરહાઉસ બને. 2021-22માં ભારત 3.09 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બન્યું હતું. તે પછી કોવિડની મહામારી અને તે પછી રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડ્યો છે અને તેની અસર ભારતને પણ થઇ છે. છતાં ભારતીય અર્થતંત્ર તેમાંથી બહાર આવીને આગળ વધી રહ્યું છે. ભારતીય અર્થતંત્રની મજબૂતીના પુરાવા નીચેના આંકડાઓમાંથી મળે છે.

માંગ વધવાથી જીએસટી કલેક્શનમાં ઊછાળો

દેશમાં મોંઘવારી છતાં માંગમાં વધારો થઇ રહ્યો છે તે આ વર્ષના પાછલા છ માસના જીએસટી કલેક્શનના આંકડા બતાવે છે. ઑગસ્ટ 2022માં જીએસટી કલેક્શન રૂ. 1.43 લાખ કરોડ (ટ્રિલિયન) થયું હતું, જે ગયા વર્ષના ઑગસ્ટના આંકડા કરતાં 28 ટકા વધ્યું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, સતત છઠ્ઠા મહિને જીએસટી કલેક્શન 1.4 લાખ કરોડની ઉપર રહ્યું છે. એપ્રિલમાં આ આંકડો રૂ.1.67 ટ્રિલિયન હતો. સારા વરસાદ અને આગામી તહેવારોના કારણે માંગ વધશે તેના પગલે જીએસટી કલેક્શનના આંકડા વધતા જોવા મળી શકે છે એવું નિષ્ણાતો માને છે.

મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં વેગ, પીએમઆઇ 56.2 પર

ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની પ્રવૃત્તિનું માપ આપતો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) આ વર્ષના જુલાઇમાં 56.4 અને ઑગસ્ટમાં 56.2 નોંધાયો હતો. આ આંકડા એવું બતાવે છે કે ફુગાવાની ચિંતા ઘટવાની સાથે માંગ વધી છે. તેથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતી આવી છે. પીએમઆઇ 50થી ઉપર હોય તો તે આર્થિક પ્રવૃત્તિમાં વૃદ્ધિ દર્શાવે છે અને 50થી નીચે હોય તો સંકોચન અથવા ઘટાડો બતાવે છે.

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, દેશમાં 84,835 મિલિયન યુએસ ડોલરનો રોકાણપ્રવાહ આવ્યો

કોવિડ-19 મહામારીની અસરો અને વૈશ્વિક પડકારો છતાં, ભારતે નાણાકીય વર્ષ 21-22માં 84,835 મિલિયન યુએસ ડોલર જેટલું સૌથી વધુ વાર્ષિક સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) મેળવ્યું છે, જે ગયા વર્ષના એફડીઆઇથી 2.87 બિલિયન યુએસ ડોલર વધારે છે.

જુદા જુદા સેક્ટરમાં આવેલું એફડીઆઇ જોઇએ તો, ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) માટે ઝડપથી પસંદગીના દેશ તરીકે ઉભરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2021-22માં એફડીઆઇ 21.34 બિલિયન ડોલર આવ્યું છે, જે અગાઉ 2020-21માં આવેલા 12.09 બિલિયન યુએસ ડોલરની સરખામણીમાં 76% વધુ છે.

સરકારે એફડીઆઈની નીતિના અમલીકરણ હેઠળ વીમા, સંરક્ષણ, ટેલિકોમ, નાણાકીય સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, રિટેલ વ્યાપાર, ઈ-કોમર્સ, બાંધકામ અને વિકાસ, નાગરિક ઉડ્ડયન વગેરે જેવા ક્ષેત્રોમાં ઘણા પરિવર્તનકારી સુધારા અમલમાં મૂક્યા છે. તેના પરિણામે એફડીઆઇ વધ્યું છે.

નિફ્ટી-50માં 16 ટકા તેજી સાથે વિશ્વના શેરબજારો કરતા ભારતનો ચડિયાતો દેખાવ

ભારતીય અર્થતંત્રની મજબૂતીના પગલે વિદેશી અને સ્થાનિક રોકાણકારોનો ભારતીય બજારોમાં વિશ્વાસ વધ્યો છે તે શેરબજારમાં જોવા મળતી જોરદાર તેજીથી જોઇ શકાય છે. વૈશ્વિક મંદીના ભયથી વિશ્વભરના બજારોમાં મંદીનો માહોલ છે ત્યારે ભારતીય શેરબજારો નવા ઊંચા શિખરો સર કરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધના પગલે વૈશ્વિક બજારોમાં ઘટાડો આવ્યો હતો, જે આ વર્ષના જૂનમાં તળિયે પહોંચ્યો હતો. પરંતુ જૂન પછી જોવા મળેલા સુધારાના પગલે ભારતીય શેરબજારોએ અન્ય શેરબજારોની તુલનામાં તીવ્ર વેગે કમબેક કર્યું છે. ભારતીય શેરબજારના બેન્ચમાર્ક નિફ્ટી-50 ઇન્ડેક્સે જૂનની નીચી સપાટીથી ઑગસ્ટના અંત સુધીમાં આશરે 16 ટકા તેજી બતાવી છે, જે વિશ્વના બજારો કરતા ચડિયાતું પ્રદર્શન છે.

ભારતને 5 ટ્રિલિયન ડોલરે પહોંચાડવા ગ્રોથ એન્જિન ગુજરાતે 9 ક્ષેત્રો પર ફોકસ વધારવું પડે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકવાર કહ્યું છે કે, “ગુજરાત કા વિકાસ, દેશ કા વિકાસ.” ભારતીય અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલર પર પહોંચાડવામાં ગુજરાતની ભૂમિકા મહત્ત્વની રહેવાની છે, કેમકે તે દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. 2021માં દેશની જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8.36 ટકા હતો. ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવામાં ગુજરાત કેવી રીતે ફાળો આપી શકે તેની વ્યુહરચના ઘડી કાઢવા માટે ફેબ્રુઆરી 2022માં ગુજરાત સરકારે ભૂતપૂર્વ કેન્દ્રીય ફાઇનાન્સ સેક્રેટરી ડો હસમુખ અઢિયાના અધ્યક્ષપદે એક ટાસ્કફોર્સ કમિટિ બનાવી હતી અને તેનો રીપોર્ટ મે મહિનામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સોંપવામાં આવ્યો હતો. ટાસ્ક ફોર્સે કરેલા સૂચનો અનુસાર, ગુજરાતે તેની વૃદ્ધિની ઝડપ વધારવી પડે અને દેશની જીડીપીમાં 10 ટકા ફાળો આપવો પડે. આનો અર્થ એ કે ગુજરાતે 2026-27 સુધીમાં 500 અબજ યુએસ ડોલરની જીએસડીપીના લક્ષ્યને હાંસલ કરવું પડશે.

આ માટે ટાસ્ક ફોર્સે 9 મજબૂત ક્ષેત્રો પર ધ્યાન આપીને મેન્યુફેક્ચરિંગ વધારવા અને ટોચની ટેકનોલોજી કંપનીઓને આકર્ષવાના સૂચના કર્યા છે. ટાસ્ક ફોર્સે જે નવ સફળ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવાનું સૂચન કર્યું છે તેમાં ઓટોમોબાઇલ્સ, બેઝિક મેટલ્સ, એપેરલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સ્ટાઇલ્સ છે. ટાસ્ક ફોર્સે આઇટી/આઇટીઇએસ, ફિનટેક્ અને ટુરિઝમ સહિત તમામ સેવાઓ પર ફોકસ કરવા પણ જણાવ્યું છે. રાજ્યે આ તમામ ક્ષેત્રો માટે ઉચ્ચ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા મોટાપાયે નાણાંનું રોકાણ કરવા અને ટોચની આઇટી કંપનીઓ તથા ટુરિઝમ સેક્ટરના પ્રમોટરોને આકર્ષવા નાણાં ખર્ચવા પણ ટાસ્ક ફોર્સે ભલામણ કરી હતી.

ગ્રોથ એન્જિન ગુજરાત

માર્ચ, 2022માં રજૂ થયેલા ગુજરાત રાજ્યના બજેટ અનુસાર, વર્ષ 2022-23 માટે ગુજરાતની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી) રૂ. 22,03,062 કરોડ (288.73 બિલિયન ડોલર) અંદાજવામાં આવી છે.

કેન્દ્રના 2019-20ના વાર્ષિક ઔદ્યોગિક સર્વે અનુસાર, ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18.1 ટકા હિસ્સા સાથે યાદીમાં ટોચ પર છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો આશરે 30 ટકા છે.

તાજેતર ના લેખો