રાજ્યના સવા લાખથી વધારે યુવાનોને રોજગાર નિમણૂકપત્રો / એપ્રેન્ટિસશીપ કરારપત્ર વિતરણ કરાશે

ગાંધીનગરઃ   આગામી સોમવારે રાજ્યના સવા લાખથી વધારે યુવાનોને રોજગાર નિમણૂકપત્રો / એપ્રેન્ટિસશીપ કરારપત્ર વિતરણ કરવામાં આવશે. આ સમારંભ ૩૩ જિલ્લામાં અને ૭ મહાનગરપાલિકા વિસ્તારમાં એક સાથે યોજાશે. ચાલુ વર્ષે રાજ્યમાં રોજગાર કચેરીઓના પ્રયત્નોથી અને જૉબફેરના માધ્યમથી સવા લાખથી વધારે ઉમેદવારોએ રોજગારી મેળવી છે.

આ પ્રસંગે  મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો રોજગાર નિમણૂકપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે. ઉપરાંત મહાનગરપાલિકાના વિસ્તારોમાં ૭ કાર્યક્રમ અને જિલ્લા કક્ષાએ ૩૩ કાર્યક્રમ એમ કુલ ૪૦ કાર્યક્રમો અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર છે.

રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતીકાત્મક રૂપે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ઉમેદવારોને રોજગાર નિમણૂકપત્રો /એપ્રેન્ટિસશીપ કરારપત્ર એનાયત કરવામાં આવશે. સાથોસાથ અન્ય કાર્યક્રમમાં પણ હાજર મહાનુભાવોના વરદ હસ્તે ઉમેદવારોને રોજગાર નિમણૂક પત્રો /એપ્રેન્ટિસશીપ કરારપત્ર એનાયત કરવામાં આવનાર છે.

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ઓગસ્ટ-૨૦૨૨ માં પ્રસિદ્ધ થયેલ ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-૨૦૨૧’ મુજબ રોજગારી ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

Ministry of statistics and programme implementation (MOSPI), ભારત સરકાર દ્વારા થતા Periodic Labour Force Survey માં બેરોજગારીના દર અંગેની ગણના થાય છે. જેનો અધ્યતન વાર્ષિક રિપોર્ટ જુલાઈ-૨૦૨૧ માં પ્રકાશિત થયો છે. સર્વેનો સમયગાળો જુલાઈ-૨૦૧૯ થી જુન-૨૦૨૦ છે. જેમાં તમામ વય માટે થયેલા સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૪.૮ ટકા છે જ્યારે ગુજરાતમાં માત્ર ૨.૦ ટકા જ છે જે દેશના તમામ રાજ્યો કરતાં સૌથી નીચો છે.

લશ્કરી ભરતી મેળા  તથા નિવાસી તાલીમ

લશ્કર/અર્ધલશ્કરી દળોમાં ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં  રાજ્યવ્યાપી ર૭૧ તાલીમવર્ગોના આયોજનથી ૭,૪પ૪ ઉમેદવારોને શારીરિક તથા લેખિત કસોટી અંગેની સધન તાલીમ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલા સંરક્ષણ ભરતી મેળામાં રાજ્યની રોજગાર કચેરીઓના પ્રયત્નોને કારણે ૩,૮૩૪ ઉમેદવારો પસંદગી પામ્યા છે.

રોજગારી તથા રોજગાર ભરતી મેળા

રોજગાર કચેરીઓ દ્વારા રાજ્યમાં છેલ્લા પ વર્ષમાં ગુજરાતમાં ૧પ,૭૭,૦૬૮ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન રોજગાર કચેરીએ ૯૩૦ ભરતીમેળા યોજાયા છે.

અનુબંધમવેબપોર્ટલ તથા મોબાઇલ એપ્લિકેશન

ગુજરાતના યુવાનોને રોજગારી આપવા તથા નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનું માનવબળ ઑનલાઈન વ્યવસ્થાથી પુરું પાડવાના શુભ આશયથી “અનુબંધમ” વેબપોર્ટલ તથા મોબાઇલ એપ વિકસાવવામાં આવેલી છે. આ વેબપોર્ટલ થકી રોજગારવાંચ્છુ ઉમેદવારો ઓનલાઈન નામ નોંધણી કરી શકે છે. ઉપલબ્ધ રોજગારીની તકો શોધી શકે છે. ખાલી જગ્યાઓ સામે ઉમેદવારી નોંધાવી રોજગારી મેળવી શકે છે.  શૈક્ષણિક લાયકાત તથા સ્કીલ પ્રમાણે નોકરી શોધી શકે છે. તેમજ ઑનલાઇન એકનોલેજમેન્ટ લેટર મેળવી શકે છે. વધુમાં નોકરીદાતાઓ પણ તેમની સંસ્થાની ઑનલાઈન નોંધણી કરી શકે છે. તેમની સંસ્થામાં રહેલી ખાલી જગ્યાની નોંધણી કરી જરૂરીયાતની લાયકાત મુજબના યુવાનોને શોધીને મેચમેકીંગ કરી શકે છે. અને યુવાનોના ઇન્ટરવ્‍યુ ગોઠવી રોજગારી માટે પસંદગી કરી શકે છે.

“અનુબંધમ” વેબ પોર્ટલમાં હાલની સ્થિતિએ ૨,૬૯,૩૮૧ ઉમેદવારોની તથા ૪૦,૯૧૯ નોકરીદાતાઓની નોંધણી થયેલી છે અને બે લાખથી વધુ ઉમેદવારોને આ પોર્ટલનાં માધ્યમથી નોકરી મળેલી છે.

“રોજગાર સેતુ” પ્રોજેકટ

રાજ્યના યુવાનોને કૉલ સેન્ટરના માધ્યમથી કોઈપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સરકારી યોજનાની માહિતી ટેલિફોનીક માધ્યમથી મેળવી શકે તે માટે દેશમાં સૌપ્રથમ વખત “રોજગાર સેતુ” પ્રોજેકટ જાન્યુઆરી-૨૧ માં અમલમાં મૂક્યો હતો. આ સેવાનો આજ દિન સુધીમાં એક લાખથી પણ વધારે યુવાનોએ લાભ લીધો છે.

દેશ ગુજરાત