અઢી દાયકા પહેલાંનું દબાયેલું ગુજરાત: મંદ વિકાસ, ભ્રષ્ટાચાર, કોમી તોફાનો, દુકાળ અને અછતથી ત્રસ્ત

મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના આગમન પછી ગુજરાતનો ઝડપથી કાયાકલ્પ થયો અને વિકાસનું ગુજરાત મોડેલ પ્રખ્યાત બન્યું

ગુણવંત સાધુ

વરિષ્ઠ પત્રકાર gunvants1@gmail.com

છેલ્લાં અઢી દાયકામાં ગુજરાતે જે અકલ્પ્ય અને ઝડપી પ્રગતિ કરી છે તેનાથી તે માત્ર દેશમાં જ નહિ પરંતુ વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે. આજે ગુજરાતના વિકાસ અને પરિવર્તનને બે ભાગમાં વહેંચીને જોવાનું અનિવાર્ય બન્યું છે. પહેલું, ગુજરાત રાજ્યની રચનાથી લઇને 2000ની સાલ સુધીનું ગુજરાત અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તે પછીનું ગુજરાત.

અઢી દાયકા પહેલાંનું ગુજરાત

2000ની સાલ પહેલાંનું ગુજરાત બેશક વિકાસ કરતું હતું પરંતુ તે ગતિ ખૂબ ધીમી અને મર્યાદિત હતી. ગુજરાતના નામે ગણીગાંઠી સિદ્ધિઓ હતી. એક સમયે દેશનું માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં કાપડની મીલો ટપોટપ બંધ થઇ જતા કર્મચારીઓ અને મજૂરો બેકાર બન્યા હતા. રાજકીય મોરચે કેન્દ્રની કોંગ્રેસ સરકાર તરફથી ગુજરાત પ્રત્યે સતત ઓરમાયું વર્તન અનુભવાતું હતું. ગુજરાતે કેન્દ્ર સમક્ષ કરેલી વિવિધ માંગણીઓ લાંબા સમય સુધી પડતર રહેતી હતી અને તેના તરફ કશું ધ્યાન અપાતું ન હતું. ગુજરાત સાથે સતત રાજકીય અને આર્થિક અન્યાયો થતા હતા. ગુજરાતના નેતાઓનો કેન્દ્રમાં કોઇ અવાજ ન હતો.

સામાજિક મોરચે જોઇએ તો, એક યા બીજા મુદ્દાઓ પર સમાજના વિવિધ વર્ગો વચ્ચે તનાવ સર્જાતો રહેતો હતો અને અવારનવાર તોફાનો ફાટી નિકળતા હતા. છાશવારે થતા કોમી રમખાણો અને કોમી છમકલાંના કારણે પોલીસ અને લશ્કર ચોક્કસ વિસ્તારોમાં થાણાં નાખીને પડ્યા પાથર્યા રહેતા હતા. બંધ, આંદોલનો, પત્થરમારો, સ્ટેબિંગ અને આગચંપીના બનાવોની નવાઇ ન હતી. આવા બનાવોના કારણે શહેરોમાં કર્ફ્યૂ લાગુ પડતો અને લોકોને દિવસો સુધી ઘરોમાં કેદ રહેવું પડતું. શાળા-કોલેજો બંધ રહેવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડતી હતી. લાંબા ગાળા સુધી ધંધા-રોજગાર બંધ રહેવાથી ગરીબો તથા મધ્યમ વર્ગ માટે હાલાકીભર્યા દિવસો વીતતા હતા.

રાજ્યમાં આંગળીના વેઢે ગણાય એવી ઇમારતો અને નિર્માણો સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપક વિકાસ ન હતો. રાજ્યના ધાર્મિક સ્થળો અને તીર્થસ્થાનોમાં સુવિધાઓનો અભાવ રહેતો હતો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હતું. રાજ્યમાં રસ્તાઓ અને ધોરીમાર્ગો સાવ બિસ્માર હાલતમાં હતા. દૂરના ગામો સુધીની પાકી સડકો ન હતી કે પુલો ન હતા. તેથી વાહનવ્યવહારની સુવિધા પણ અપૂરતી હતી.  રાજ્યના છેવાડાના ગામોમાં વીજળીની પહોંચ ન હતી. કારણ કે ગુજરાતમાં વીજળીના અછત હતી અને વીજચોરી પણ મોટા પાયે થતી હતી. ઘણા ગામોમાં આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો. ગામડાના લોકોને નજીકમાં મોટી હોસ્પિટલો નહિ હોવાથી શહેરો તરફ આવવું પડતું હતું અને તેમાં પણ રસ્તાઓ નહિ હોવાના કારણે રસ્તામાં જ મૃત્યુ થઇ જતા હતા. ગામડાના યુવાનોને માધ્યમિક અને કોલેજનું શિક્ષણ માટે શહેરોમાં આવવું પડતું હતું.

સરકાર, વહિવટ અને શિક્ષણ સ્થાનોમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો હતો. સરકારી યોજનાઓનો લાભ ગામડાઓ અને ગરીબોને પૂરતો મળતો ન હતો. 1975માં મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે લોકોએ રાજ્ય સરકાર સામે નવનિર્માણનું આંદોલન કર્યું હતું જે એટલું ઉગ્ર બન્યું હતું કે તે સમયે ચીમનભાઇ પટેલની સરકારે રાજીનામુ આપવું પડ્યું હતું. સરકારી કામકાજ મંદ ગતિએ થતા હતા અને લાંચ સિવાય કામ આગળ વધતા ન હતા.

વરસાદ પર સંપૂર્ણ નિર્ભર ખેડૂતોને વરસાદ ન આવે તેવા વરસોમાં પાક નિષ્ફળ જવાથી અને દેવું વધવાથી આપઘાત કરવા પડે એવી સ્થિતિ સર્જાતી હતી. નર્મદા યોજનાનો પાયો 1961માં નંખાયો હતો, પરંતુ રાજકીય ખટપટો અને કિન્નાખોરીના કારણે ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના ખોરંભે પડી હતી અને ગુજરાતના હજારો ગામડાં પાણી વિના તરસતા હતા. વરસાદની અનિયમિતતાના કારણે ગુજરાતમાં અવારનવાર દુકાળ પડતો હતો. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં વરસાદ હંમેશા ઓછો પડતો હોવાના કારણે પ્રજાને ખૂબ હાલાકી પડતી હતી અને આ વિસ્તારો સૂકાભઠ્ઠ રહેતા હોવાના કારણે તેમનો વિકાસ પણ થયો ન હતો. 2001માં કચ્છમાં આવેલા ભૂકંપથી કચ્છ વિનાશ પામ્યું હતું અને આખું ગુજરાત હચમચી ગયું હતું. ભૂકંપે વેરેલા વિનાશથી ગુજરાત અનેક મહિનાઓ સુધી ગમગીન બન્યું હતું.

મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના આગમન પછી ગુજરાતનો કાયાકલ્પ

ભૂકંપની આ ઘટના ગુજરાતના ભવિષ્ય માટે ટર્નિંગ પોઇન્ટ બની. અગાઉ ક્યારેય કોઇ ચૂંટણી નહિ લડેલા શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઓક્ટોબર, 20001માં આશ્ચર્યજનક રીતે એન્ટ્રી થઇ અને તેમના કાર્યકાળની શરૂઆતના માંડ થોડા મહિના વીત્યા ત્યાં ગોધરા કાંડ જેવો અત્યંત આંચકાજનક કરુણ બનાવ બન્યો. તેના કારણે ગુજરાતને તેમજ વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીને ખૂબ કપરો અને પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નરેન્દ્ર મોદીની મક્કમતા અને કાબેલિયત તથા તેમણે એક પછી એક લીધેલા મહત્ત્વના પગલાંના કારણે ગુજરાતમાં વિકાસ અને વિશ્વાસનું વાતાવરણ વિકસિત થયું, જે “ગુજરાત મોડેલ” તરીકે પ્રખ્યાત થયું અને તેઓ એક સબળ અને કાબેલ નેતા તરીકે પ્રખ્યાત થતા ગયા.

ગુજરાતમાં તેમના શાસન દરમિયાન તીવ્ર વેગ જોવા મળ્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત નંબર વન બને એવી હરીફાઇ જામી. તે મુખ્યમંત્રી બન્યા તેના શરૂઆતના વર્ષોમાં જ ગુજરાત વીજળીની તંગીમાંથી મુક્ત બનીને સરપ્લસ સ્થિતિમાં આવી ગયું હતું. ગુજરાતમાં મોટા પાયે રોકાણ આકર્ષવા તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનો કર્યા અને તેમના માર્કેટિંગ અને આયોજનોના કારણે દેશ અને વિદેશમાંથી અગ્રણી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા આવવા લાગી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા જોઇને અન્ય રાજ્યો પણ તેનું અનુકરણ કરવા લાગ્યા. તેમના બે મેગા પ્રોજેક્ટ્સ, સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીએ ગુજરાતને વિશ્વના નકશામાં વધુ પ્રખ્યાત બનાવ્યું છે. મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીનું આશરે 12 વર્ષનું શાસન અને તે પછી આવેલા ભાજપના અન્ય ત્રણ મુખ્યમંત્રીઓ શ્રીમતી આનંદીબને પટેલ, શ્રી વિજય રૂપાણી અને શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શ્રી મોદીએ પ્રચલિત બનાવેલા ગુજરાત મોડેલને વધુ વેગવંતો બનાવવાનું કાર્ય કર્યું છે. તેના પરિણામે, ગુજરાતે છેલ્લા બે દાયકામાં હાંસલ કરેલા ઝડપી વિકાસ અને સિદ્ધિઓ આપણે અનુભવી રહ્યા છીએ. (ક્રમશ🙂

તાજેતર ના લેખો