2003માં નવરાત્રીમાં યોજાઇ હતી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ; 9 સમિટમાં “ગ્લોબલ બિઝનેસ હબ” તરીકે ગુજરાતનો ડંકો વાગ્યો

2003માં નવરાત્રીમાં યોજાઇ હતી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, અત્યાર સુધીની 9 સમિટમાં ગ્લોબલ બિઝનેસ હબ તરીકે વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વાગ્યો

એક પછી એક સમિટને મળેલી પ્રચંડ સફળતાથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાવા લાગ્યું, ગુજરાત સાથે ભાગીદાર બનવા વિશ્વના દેશો તત્પર બન્યા

ગુણવંત સાધુ

વરિષ્ઠ પત્રકાર gunvants1@gmail.com

આસો સુદ નવરાત્રી ગુજરાત માટે માતાજીની આસ્થા, આરાધના અને ઉમંગનું પર્વ છે. ગુજરાતનો ખરો થનગનાટ અને ઉત્સાહ નવરાત્રીમાં પ્રગટ થાય છે. નવલી નવ રાતોમાં ગુજરાતનું ગૌરવ, ગુજરાતનું ખમીર, ગુજરાતનું સૌંદર્ય, ગુજરાતનું સંગીત અને ગુજરાતનું શૌર્ય ઝળહળી ઊઠે છે. આખા ગુજરાતમાં મોડી રાત સુધી ઢોલનો ધબકાર, ઝાંઝરનો ઝણકાર, તાલીઓનો તાલ અને લોકોનો ધમધમાટ ધબકતો રહે છે. નવરાત્રી આમ તો નવ રાતની હોય છે, પરંતુ ગુજરાતીઓનો ગરબ રમવાનો ઉત્સાહ એટલો પ્રબળ હોય છે કે શરદ પૂર્ણિમા સુધીના 15 દિવસ સુધી આ ધબકાર ચાલે છે. નવરાત્રીમાં માતાજીની આરાધના માટે નૃત્ય અને સંગીત સાથે ગરબા અને રાસ ગવાય છે. આ પર્વ દરમિયાન ભક્તો અને રસિકોમાં અનેરો ઉમંગ અને થનગનાટ હોય છે. તેથી ગુજરાતની નવરાત્રી એક વાઇબ્રન્ટ મહોત્સવ કહેવાય છે અને આ દિવસોમાં સમગ્ર ગુજરાત ધબકતું રહેતું હોવાથી વાઇબ્રન્ટ ગુજરાત કહેવાય છે.

2003માં નવરાત્રી દરમિયાન યોજાઇ હતી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને ગુજરાતના વિકાસને વેગવંતો બનાવવા દેશ-વિદેશના રોકાણકારોની સમિટનું સૌ્પ્રથમવાર આયોજન નવરાત્રીમાં કર્યું હતું અને તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ તરીકે જાણીતી બની, જે દર બે વર્ષે યોજાતી રહી છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સૌપ્રથમ શરૂઆત 2003માં નવરાત્રિ પર્વ દરમિયાન (28 સપ્ટેમ્બથી 2 ઓક્ટોબર, 2003) જ થઇ હતી.

ગુજરાતના બે વ્યાપારી શહેરો અમદાવાદ અને સુરતમાં તેનું આયોજન થયું હતું. અમદાવાદની સમિટનું ઉદ્ઘાટન તે વખતના નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીએ અને સુરતની સમિટનું ઉદ્ઘાટન તે સમયના નાણાંપ્રધાન જશવંતસિંહે કર્યું હતું. અમદાવાદમાં ઔદ્યોગિક રોકાણ, એગ્રો-પ્રોસેસિંગ, બાયોટેક્- ફાર્મા, નેચરલ ગેસ અને ઓઇલ, ઇન્ફ્રાસ્ટ્ક્ચર, માઇનિંગ, ટુરિઝમ, એપરલ, અને જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રો પર અધિવેશનો થયા હતા અને સુરતમાં ગારમેન્ટ એન્ડ ટેક્સ્ટાઇલ્સ તથા જેમ્સ એન્ડ જ્વેલરી પર અધિવેશનો યોજાયા હતા. તેમાં આશરે 45 દેશના 125 વિદેશી પ્રતિનિધિમંડળો, 200 એનઆરઆઇ અને 200 અગ્રણી મહાનુભાવો અને ભાગીદારો સામેલ થયા હતા. આ સમિટમાં 14 અબજ યુએસ ડોલર (રૂ.70,000 કરોડ)ના મૂલ્યના કુલ 76 એમઓયુ થયા હતા.

2005ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાવર પ્રોજેક્ટસમાં ભારે રોકાણના કરાર

બીજી વાઇબ્રન્ટ સમિટનું આયોજન 2005માં જાન્યુઆરીમાં ઉત્તરાયણમાં એટલે કે પતંગોત્સવ સાથે કરવામાં આવ્યું હતું અને તે પછીની દરેક વાઇબ્રન્ટ સમિટ આ સમયે યોજાતી રહી છે. સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, એસ્સાર ગ્રુપના શશી રૂઇયા, બ્રિટીશ ગેસના નાઇજલ શૉ જેવા મહાનુભાવો સહિત 6,000થી વધુ લોકોએ હાજરી આપી હતી. આ બે દિવસની સમિટના અંતે રૂ. 1060 અબજ રોકાણના 226 એમઓયુ થયા હતા, તેમાં એન્જિનિયરિંગ, ગેસ અને પોર્ટ ક્ષેત્રોમાં મોટી સંખ્યા રોકાણ દરખાસ્તો આવી હતી. ઉપરાંત, ચાર ઉદ્યોગ જૂથો- ટોરન્ટ, એસ્સાર, વેલ્સ્પન અને અદાણીએ ગેસ-આધારીત કે લિગ્નાઇટ આધારીત પાવર પ્રોજેક્ટ્સ માટે રૂ.120 અબજનું રોકાણ કરવાના સંકલ્પ કર્યા હતા, જે ગુજરાતને ભવિષ્યમાં ખૂબ મહત્ત્વના ક્ષેત્ર એવા પાવર માટે આત્મનિર્ભર બનાવવાના હતા.

2009ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં નરેન્દ્ર મોદી ભાવિ વડાપ્રધાનતરીકે ઊભર્યા

પાછલી ત્રણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પછી ગુજરાત વૈશ્વિક રોકાણ માટેના એક સ્થળ તરીકે જાણીતું બન્યું હતું અને તે ભારતીય અર્થતંત્રના ગ્રોથ એન્જિન તરીકે ગણાવા લાગ્યું હતું. આ ત્રણેય સમિટમાં રોકાણકારોને ખાતરી કરાવવામાં આવી હતી કે ગુજરાતમાં રોકાણકારો માટે હંમેશા રેડ કાર્પેટ બિછાવવામાં આવે છે અને રેડ ટેપને અહીં કોઇ સ્થાન નથી. વળી, ગુજરાત એવું સ્થળ છે કે જ્યાં રૂપિયા વાવશો તો ડોલર કમાશો તેવો સંદેશો રોકાણકારો સુધી પહોંચતો થયો હતો.

2009માં જાન્યુઆરીમાં યોજાયેલી ચોથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગીદાર તરીકે જાપાન હતો. આમ, કોઇ દેશના એક રાજ્ય સાથે કોઇ દેશ ભાગીદાર બને તે પ્રથમ ઘટના હતી. જાપાનમાંથી 70 સભ્યોનું મોટું પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. તે ઉપરાંત, અમેરિકાનું પ્રતિનિધિમંડળ પણ સામેલ થયું હતું.

તેમાં ભારતની અગ્રણી કંપનીઓ ઉપરાંત 45 દેશોના પ્રતિનિધિ મંડળોએ હાજરી આપી હતી. સમિટમાં ટાટા ગ્રુપના ચેરમેન, રતન ટાટા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન, મુકેશ અંબાણી, આઇસીઆઇસીઆઇના ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડન્ટ, કે.વી. કામથ, બિરલા ગ્રુપના ચેરમે, કુમાર મંગલમ બિરલા, એસ્સાર ગ્રુપના ચેરમેનસ શશી રૂયિયા, ભારતી ગ્રુપના સુનીલ મિત્તલ સહિતના કોર્પોરેટ માંધાતાઓએ હાજરી આપી હતી. ઉપરાંત, જાપાન, યુકે, ચીન, રશિયા, કેનેડા, ઇઝરાયેલ, પોલેન્ડ, કોરીયા, યુએઇ, ઇન્ડોનેશિયા, ઓમાન, કેન્યા, ઇટલી, જર્મની સહિતના દેશના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સમિટમાં શ્રી નરેન્દ્ર મોદી ભારતના વિકાસ પુરુષ કે એક મોટી રાષ્ટ્રીય હસ્તી તરીકે ઊભરી ચૂક્યા હતા અને લગભગ દરેકે તેમની ગતિશીલતા, દીર્ઘદ્રષ્ટિ અને સર્વસમાવેશી વિકાસના પ્રણેતા તરીકે પ્રશંસા કરી હતી. ભારતી ગ્રુપના ચેરમેન સુનીલ મિત્તલ અને અનિલ અંબાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારતના આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હોવા જોઇએ.

બે દિવસની આ સમિટમાં 243 અબજ યુએસ ડોલર (રૂ.1200 અબજ)ના મૂલ્યના 8,662 એમઓયુ થયા હતા.

2015ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 25 લાખ કરોડના 22,602 એમઓયુ થયા

પાછલી છ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મળેલી ભવ્ય સફળતા પછી ગુજરાત હવે “ગ્લોબલ બિઝનેસ હબ” તરીકે ઓળખાવા લાગ્યું હતું. આ સમયે શ્રી નરેન્દ્ર મોદી ભારે બહુમતીથી ચૂંટાઇને ભારતના વડાપ્રધાન બની ચૂક્યા હતા.

આ વખતે વિકાસ માટે જે મુખ્ય ક્ષેત્રો પસંદ કરવામાં આવ્યા હતા તેમાં ઇનોવેશન, સસ્ટેનેબિલિટી, યુવા અને કૌશલ્ય વિકાસ, નોલેજ શેરિંગ અને નેટવર્કિંગનો સમાવેશ થતો હતો. આ સમિટ અન્ય રાજ્યો અને દેશો માટે તેમની શક્તિને પ્રદર્શિત કરવા, વ્યવસાયની તકોને જાહેર કરવા, જ્ઞાનના પ્રસારની સુવિધા કરી આપવા માટે એક આદર્શ પ્લેટફોર્મ હતું.

2015ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભારત અને અન્ય 110 દેશોના 25,000 પ્રતિનિધિઓએ ભાગ લીધી હતી અને 10 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. સમિટ ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો માટે પણ જાણીતું છે. દર વર્ષે 2000થી વધુ કંપનીઓ આ પ્રદર્શનમાં ભાગ લે છે.

આ સમિટમાં અમેરિકાના વિદેશ પ્રધાન જ્હોન કેરીએ જણાવ્યું હતું કે, “તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્લોગન સબકા સાથ, સબકા વિકાસથી ખૂબ પ્રોત્સાહિત થયા છે.” યુએન મહામંત્રી બાન કિ મૂને રીન્યુઅલ એનર્જીનો વધુ ઉપયોગ કરવા અંગે ભારત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

2015ની સમિટમાં રૂ.25 લાખ કરોડના રોકાણ માટેના 22,602 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.

2017 અને 2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટકાઉ આર્થિક-સામાજિક વિકાસ પર ભાર

2017માં યોજાયેલી આઠમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો ભાર ટકાઉ આર્થિક અને સામાજિક વિકાસ પર હતો. આ સમિટમાં થયેલા કુલ 25,578 એમઓયુમાંથી 1107 વ્યૂહાત્મક અને ટેકનોલોજિકલ ભાગીદારી, 5,938 જેટલા એમઓયુ વિશાળ સેક્ટર્સ તરફથી રોકાણના હેતુઓ માટે અને 18,533 જેટલા MSME ક્ષેત્રમાં જોવા મળ્યા હતા. શહેરી વિકાસ ક્ષેત્રમાં સૌથી વધુ 1,625 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ અને વિદેશમાંથી 30,000 પ્રતિનિધિ હાજર રહ્યા હતા. આ સમિટમાં 28,360 એમયુઓ પર હસ્તાક્ષર થયા હતા, તેમાંથી મોટા ભાગના એટલે કે 21,889 સુક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (એમએસએમઇ) સેક્ટરમાં થયા હતા. જોકે, કુલ કેટલું રોકાણ આવશે તેનો કોઇ આંકડો જાહેર કરવામાં આવ્યો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા સોલાર પાર્ક, કોપર પ્લાન્ટ, સિમેન્ટ યુનિટ અને લિથિયમ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 55,000 કરોડનું રોકાણ કરશે.

10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ પર આધારીત હતી. જોકે, જાન્યુઆરીમાં કોવિડના વધેલા કેસ અને તે પછી રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે આ સમિટ મોકૂફ રાખવામાં આવી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશના ટોચના ઉદ્યોગ ગૃહો અને વિદેશની ટોચની કંપનીઓ તેમજ નેતાઓની હાજરીથી જાણે રોકાણ અને બિઝનેસ માટેનો મહાકુંભ ભરાતો હોય એવું વાતાવરણ જામતું હોય છે. વિદેશી નેતાઓ અને કંપનીઓ ગુજરાતની આર્થિક નીતિ અને સાનુકૂળ વલણ માટે પ્રશંસા કરતાં થાકતા નથી. અત્યાર સુધીની કુલ 9 સમિટ પછી ગુજરાત દેશના અર્થતંત્રનું ગ્રોથ એન્જિન અને વૈશ્વિક બિઝનેસ હબ તરીકે પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે.

તાજેતર ના લેખો