વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૧૨ વર્ષ શાસન સંભાળીને રાજ્યને મોડલ સ્ટેટ પ્રસ્થાપિત કર્યુંઃ રાષ્ટ્રપતિ મુર્મુ

— રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો નાગરિક અભિવાદ સમારોહ યોજાયો

— ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓને અભિવાદન કરૂ છું. ગુજરાતીઓનો પ્રેમ  હંમેશા યાદ રહેશે

— ગુજરાત પ્રાચીન કાળથી સમૃદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક વારસો ધરાવતું સભ્યતાનું રાજ્ય

ગાંધીનગરઃ   ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુએ રાજભવન ખાતે યોજાયેલા નાગરિક અભિવાદન સમારોહમાં કહ્યું હતું કે ગુજરાતમાં આવીને હું પ્રસન્નતા-ખુશી અનુભવું છું. ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓને અભિવાદન કરૂ છું. ગુજરાતીઓનો  પ્રેમ  હંમેશાં યાદ રહેશે. ગુજરાત પ્રવાસ દરમિયાન સાબરમતી આશ્રમ જોવાનો અને માણવાનો અવસર મળ્યો. સાબરમતી આશ્રમ વર્ષ ૧૯૧૭ થી ૧૯૩૩ દરમિયાન ભારતની સ્વતંત્રતાનું કેન્દ્ર હતું. મહાત્મા ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ આ પવિત્ર સ્થળેથી દાંડીયાત્રા શરૂ કરી હતી.

રાષ્ટ્રપતિશ્રીએ સન્માન અંગે પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે નવરાત્રિમાં નવદુર્ગાના રૂપમાં મહાશક્તિના પૂજનનો અનેરો મહિમા છે. ગુજરાત સહિત દીપાવલી અને નૂતનવર્ષ દેશભરમાં ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે. ઊર્જાવાન ગુજરાતીઓ પરિશ્રમ, સેવા માટે વિશ્વભરમાં જાણીતા છે. ગુજરાત પ્રાચીન કાળથી સભ્યતાનું કેન્દ્ર રહ્યું છે. ધોળાવીરા, અશોકના શિલાલેખ, સૂર્યમંદિર મોઢેરા જેવો  સમૃદ્ધ ઐતિહાસિક વારસો ગુજરાત ધરાવે છે. આ સિવાય વલ્લભી વિશ્વવિધાલય, પાલીતાણાના જૈન મંદિરો, ગિરનાર પર્વત, બોદ્ધની ગુફાઓ, ઉદવાડા ખાતે આવેલી અગિયારી જેવા ધાર્મિકસ્થાનોનો વારસો ધરાવે છે. જેના પરિણામે નરસિંહ મહેતાના વૈષ્ણવ જનતો તેને રે કહીએ… ભજને  આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીજીને અનેરી પ્રેરણા આપી હતી.

તેમણે કહ્યું હતું કે ૬૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવતું અમદાવાદ વર્ષ ૨૦૧૭માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મેળવનાર ભારતનું પ્રથમ શહેર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૧૨ વર્ષ શાસન સંભાળીને રાજ્યને મોડલ સ્ટેટ પ્રસ્થાપિત કર્યુ છે. અમદાવાદ ખાતે વિશ્વકક્ષાના સરદાર પટેલ સ્ટેડિયમમાં એક સાથે ૧.૩૦ લાખ પ્રેક્ષકો એક સાથે બેસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત  અગ્રણી રાજ્ય પ્રસ્થાપિત થયું છે.  ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ, દૂધ એટલે કે સફેદ ક્રાંતિ તેમજ દેશનું ૭૬ ટકા મીઠાનું ઉત્પાદન કરતુ અગ્રણી રાજ્ય બન્યું છે.

આ ઉપરાંત પર્યાવરણનું સંરક્ષણ એ ગુજરાતની પ્રાથમિકતા રહી છે. પર્યાવરણના જતન માટે સોલર રૂફ ટોપ અને વિન્ડ એનર્જી ઉત્પાદનમાં પણ ગુજરાત અગ્રેસર અને આગવું સ્થાન ધરાવે છે તેમ રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યુ હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રપતિનું અભિવાદન કરતાં કહ્યું હતું કે, ઘણા વર્ષોથી રાષ્ટ્પતિને મળવાનું થાય છે. રાષ્ટ્રપતિમાં હંમેશા ભારતીય નારીના શાલીન, સૌમ્ય, ગૌરવમાન અને દૈદીપ્યમાન વ્યવહારના દર્શન થાય છે. તેમણે ગુજરાતની ધરાનું ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની પાવનભૂમિ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. નવજાગૃતિના પુરોધા મહર્ષિ  દયાનંદની, દેશને અહિંસા અને સત્યનો માર્ગ ચીંધનાર ગાંધીજીની તથા લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની આ જન્મભૂમિ છે. વિદેશમાં ક્રાંતિની જ્યોત જીવંત રાખનારા શ્યામજી કૃષ્ણવર્મા જેવા ક્રાંતિકારીઓની આ જન્મભૂમિ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશનો ચતર્મુખી વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત પણ તમામ ક્ષેત્રે અગ્રેસર બની પોતાનું યોગદાન આપી રહ્યું છે. કનેક્ટીવિટી, સિંચાઈ, શિક્ષણ, સ્ટાર્ટઅપ, ઉદ્યોગ વગેરે જેવા ક્ષેત્રે ગુજરાતે નવી રાહ ચિંધી છે. જેના પરિણામે દેશ-વિદેશના લોકો દ્વારા ગુજરાતના રોલ મોડલનો અભ્યાસ કરવા આવે છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપતિશ્રીના ગુજરાતની યાત્રા અવિસ્મરણીય રહેશે એવી આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દુર્ગાષ્ટમીના પાવન અવસરે રાષ્ટ્રપતિશ્રીની ગુજરાતની પ્રથમ મુલાકાત ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે. ગુજરાતે છેલ્લા બે દાયકામાં ‘ગુડ ગવર્નન્સ’ અને ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય દ્વારા તમામ ક્ષેત્રોમાં ઊંચો વિકાસ દર હાંસલ કરવામાં આવ્યો છે, જેના પરિણામ ગુજરાત દેશ-વિદેશમાં રોલ મોડલ બન્યું છે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા વિકાસનો પાયો નાંખવામાં આવ્યો ત્યારથી ગુજરાતે દરેક ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ મેળવી છે. વિદેશી પ્રત્યક્ષ રોકાણ, સ્ટાર્ટ-અપ, રોજગાર સર્જન, ગરીબો માટે આવાસ, પ્રાકૃતિક ખેતી, ઉદ્યોગો અને બંદર વિકાસ જેવા ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. જનકલ્યાણ-જનવિકાસ માટે રાજ્ય સરકાર હરહંમેશ કાર્યરત છે. વિકસિત, ઉન્નત અને આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો