વડાપ્રધાન 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે ‘આરંભ 2022’ માં ઓફિસર તાલીમાર્થીઓને સંબોધન કરશે

— આરંભ 2022માં રોયલ ભૂટાન સિવિલ સર્વિસિસ સહિત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસના કુલ 455 સિવિલ સર્વન્ટ્સ હિસ્સો લેશે

— આરંભ 2022નું આ વર્ષનું થીમ છે: ‘અમૃતકાળમાં સુશાસન: ડિજિટલ ટેક્નોલોજીસ, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતી નિમિત્તે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અહીં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કેવડિયા મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘આરંભ (AARAMBH) 2022’ કાર્યક્રમમાં હાજરી આપશે, અને ત્યાં ઉપસ્થિત ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે.

આરંભ કાર્યક્રમનું આ ચોથું સંસ્કરણ છે. આરંભ 2022 કાર્યક્રમનું આ વર્ષનું થીમ છે ‘અમૃતકાળમાં સુશાસન: ડિજિટલ ટેક્નોલોજીસ, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’. કેવડિયા ખાતે 28 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન આરંભ 2022 કાર્યક્રમ અંતર્ગત ઓફિસર તાલીમાર્થીઓ માટે વિવિધ સત્રો આયોજિત કરવામાં આવશે. આ સત્રો દરમિયાન, કેવી રીતે ભારત તેની ટેક્નોલોજીના પાયાને મજબૂત કરવા અને જાહેર સેવાની ડિલિવરી સુધારવા માટે ટેક્નોલોજીની સીમાઓનું અન્વેષણ કરવા પોતાની ક્ષમતાઓ વધારી શકે છે, તે વિષય પર તેમજ વિવિધ ક્ષેત્રોમાં તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણમાં ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થઇ શકે તેના ઉપર નિષ્ણાંતો દ્વારા સંબોધન કરવામાં આવશે.

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ તેમજ રોયલ ભૂટાન સિવિલ સર્વિસિસના મળીને કુલ 455 સિવિલ સર્વન્ટ્સ આ વર્ષે આરંભ 2022માં હિસ્સો લઇ રહ્યા છે, જેમને વડાપ્રધાન 31 ઓક્ટોબરના રોજ સંબોધન કરશે.

વર્ષ 2019માં પ્રથમ કરવામાં આવી હતી ‘આરંભ’ કાર્યક્રમની શરૂઆત

દર વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર મહિના દરમિયાન, સૌથી અઘરી સ્પર્ધાત્મક પરીક્ષાને પાસ કરતા યુવા સિવિલ સર્વન્ટ્સ મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એકેડેમી) ખાતે આયોજિત ફાઉન્ડેશન કોર્સમાં જોડાય છે. યુવા દિમાગ માટે, આ ફાઉન્ડેશન કોર્સ એ વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં શાસનના વિચારો, પડકારો અને જવાબદારીઓ સાથે પ્રથમ પરિચય કરાવે છે. આ એકેડેમીમાં ફાઉન્ડેશન કોર્સના પાર્ટિસિપન્ટ્સને નેતૃત્વ, નાગરિક સેવકો માટેના કૌશલ્યો તેમજ એડમિનિસ્ટ્રેશન અને દેશ માટે વ્યક્તિગત કૌશલ્યો અને વિઝનના પાઠ ભણાવવામાં આવે છે. આ બધાનો હેતુ એડમિનિસ્ટ્રેશનને લોકોની જરૂરિયાતો પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો છે. સાડા ત્રણ મહિનાના આ કોર્સ દરમિયાન મોટી સંખ્યામાં દેશના અને દેશ બહારના વક્તાઓ, નિષ્ણાતો અને પ્રેરણાદાયી વ્યક્તિઓ જાહેર વહીવટકર્તા તરીકેના અધિકારી તાલીમાર્થીઓના વિઝનને આકાર આપવા માટે તેમની સાથે વાર્તાલાપ કરે છે.

એકેડેમીની મર્યાદિત ક્ષમતાને કારણે ફાઉન્ડેશન કોર્સ અત્યાર સુધી મસૂરી સહિત બે થી ત્રણ તાલીમ સંસ્થાઓમાં એક સાથે ચલાવવામાં આવતો હતો. ફાઉન્ડેશન કોર્સ દરમિયાન તમામ સેવાઓને એકસાથે લાવવાના તેમજ સિવિલ સર્વન્ટની કારકિર્દીની શરૂઆતથી જ તમામ વિભાગો અને સેવાઓને એકસૂત્રે સાંકળવાના વિઝન સાથે, ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ, ગ્રુપ-એ સેન્ટ્રલ સર્વિસ અને ફોરેન સર્વિસના તમામ તાલીમાર્થીઓ માટે વર્ષ 2019માં પ્રથમ વખત કોમન ફાઉન્ડેશન કોર્સ (CFC) ની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલને ‘આરંભ’ (AARAMBH) નામ આપવામાં આવ્યું હતું.

સિવિલ સેવકોને પરિવર્તનનું નેતૃત્વ કરવા અને વિભાગો અને ક્ષેત્રોમાં એકીકૃત રીતે કાર્ય કરવા સક્ષમ બનાવવાની દ્રષ્ટિ સાથે, આરંભ નામનો કોમન ફાઉન્ડેશન કોર્સ (CFC) 2019માં 94મા ફાઉન્ડેશન કોર્સના ભાગ રૂપે શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં 425 અધિકારી તાલીમાર્થી (ઓફિસર ટ્રેઇની)ઓએ ભાગ લીધો હતો, જેઓ વિશ્વસ્તરીય સંસ્થાઓના નિષ્ણાતોની મદદથી બદલાતી ટેક્નોલોજી અને તેની ગવર્નન્સ માટેની શક્યતાઓને સમજવા માટે ગુજરાતના કેવડિયા ખાતે એક સપ્તાહ માટે ભેગા થયા હતા. આ કાર્યક્રમની થીમ ‘સિવિલ સર્વન્ટ્સને ફ્યુચર માટે તૈયાર કરવા- 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધવું’ હતી. આ આખી એક્સરસાઇઝનું વડાપ્રધાન સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વડાપ્રધાને અધિકારી તાલીમાર્થીઓને સંબોધ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો