રાજાધિરાજ મ્યુઝીકલ પ્લે તેના સ્કેલ, ક્રાફ્ટ, ગ્રાન્ડ્યોર, ટેકનીક્સ અને કનેક્ટથી મંત્રમુગ્ધ કરે છે

ગુજરાતની વાત, અમદાવાદઃ ત્રીજી જાન્યુઆરી, શનિવારે બપોરે અમદાવાદના શેલા સ્થિત ઔડા ઓડિટોરિયમમાં અમદાવાદની અને ગુજરાતની અગ્રણી હસ્તીઓની ઉપસ્થિતિમાં રાજાધિરાજ મ્યુઝીકલ પ્લેનું મંચન થયું. અહીં મુખ્યમંત્રી પણ હાજર હતા.

દર અસલ રાજાધિરાજ અમદાવાદના જ ધનરાજભાઇ નથવાણી દ્વારા નિર્મિત છે, પરંતુ આ પ્લે મુંબઇ, દિલ્હી અને દુબઇ સુદ્ધામાં ભજવાઇ ગયું પરંતુ અમદાવાદમાં મોડેથી આવ્યું કારણકે અમદાવાદમાં આ સ્તરના પ્લે માટે એવો મોટો ઓડિટોરિયમ હોલ જ નથી. મુંબઇના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઓડિટોરિયમ વિશાળ છે અને ખાસ તો તેનો મંચ ખૂબ જ મોટો છે. રાજાધિરાજનો જે સ્કેલ છે તે માટે આવા મોટા મંચની જ જરુર પડે. બેકગ્રાઉન્ડમાં પણ ખૂબ ઉંચાઇવાળી દિવાલ જોઇએ. અમદાવાદમાં તો ઠીક, આખા ગુજરાતમાં આ સ્તરનું ઓડિટોરિયમ નથી. છેવટે ઉપલબ્ધ ઓડિટોરિયમના સ્કેલમાં રાજાધિરાજ અમદાવાદમાં લાવવામાં આવ્યું છે અને છતાં પ્લેની આંખોને આંજી દે તેવી ભવ્યતામાં કોઇ કસર બાકી નથી રહી.

બે કલાકના પ્લેમાં વચ્ચે દસ મિનીટનો મધ્યાંતર છે. પ્રથમ ભાગમાં કૃષ્ણના જીવનના પ્રસંગોનું મંચન છે, તો બીજા ભાગમાં શ્રીનાથજી, દ્વારિકાધીશ, માધવપુરનો રુકમણિ વિવાહ વગેરેનું મંચન છે.

આપણા ગુજરાતમાં એક તો મ્યુઝીકલ પ્લે ભાગ્યેજ થાય છે. મુંબઇના એનસીપીએ અને એનએમએસીસી જેવો વૈભવ ગુજરાતને પ્રાપ્ત નથી, તેવામાં રાજાધિરાજ એક હટકે પ્રસ્તુતિ છે. બીજું એ કે આ મ્યુઝીકલ પ્લેમાં કોઇ કસર છોડવામાં નથી આવી કે બાંધછોડ નથી કરાઇ. પૂર્ણપૂર્તિવાળું પ્લે ફુલ સ્કેલમાં મંચાયું છે અને પૂર્ણ રીતે ખીલ્યું છે. આમ સ્કેલ એ તેનું બીજું પાસું છે.

ત્રીજું છે ગ્રાન્ડ્યોર એટલેકે ભવ્યતા. દર્જનો કલાકારો, રંગો, મંચ સજ્જા આ બધું પ્લેને ભવ્ય ઓપ આપે છે. આ પાંચ – પંદર કલાકારોવાળું, સ્થાયી મંચસજ્જાવાળું નાટક નથી.

ચોથું છે ક્રાફ્ટ. શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉંચકતા હોય કે પછી મંચ પર હાથીનું આગમ હોય કે પછી રથ કે ગાડું ચાલતું હોય, કે પછી મટુકીઓમાંથી ગુલાલ ઉડતું હોય તે દર્શાવવા ગુલાબી કપડું રાખ્યું હોય, કે પછી નદીનું દ્રશ્ય દર્શાવવા જળના રંગ પહેરેલી કલાકારાઓ નૃત્ય કરતી હોય, દરેક ઠેકાણે ક્રાફ્ટ દાદ માંગી લે તેવું છે.

પાંચમું પાસું છે તકનીક. બેકગ્રાઉન્ડના ઉંચા અને મોટા સ્ક્રીન્સ પરના દ્રશ્યો જે રીતે પ્લેનો સતત ભાગ બને છે, લાઇટસનો અને સ્પોટલાઇટસનો જે રીતે ઉપયોગ થયો છે, સાઉન્ડ ઇફેક્ટ… આ બધી તકનીક પણ મંત્રમુગ્ધ કરે તેવી છે. એકાદ બે વખતે તો મંચ પરની લાઇટસ પણ પ્રેક્ષકો તરફે તકાય છે.

છઠ્ઠું પાસુ છે પ્રેક્ષકગૃહનું જ સમયાંતરે મંચ બનવાનું. આને ફાઇવ-ડી ઇફેક્ટ કહી શકો, કે કલાકારો મંચ પરથી નીચે ઉતરીને પ્રેક્ષકો વચ્ચે ફૂલ નાંખવા, કે દીવો લઇને કે જયકારો બોલાવતા ફરતા હોય,
કે લાઇટ્સ પ્રેક્ષકો તરફ તકાય અને તેમાં પ્રેક્ષકગૃહ તરબોળ થાય.

આ બધાથી સંયુક્ત રીતે જે નીપજે છે તે છે પ્લેનો દર્શક સાથેનો ભાવાત્મક નાતો. શ્રીજીબાવાવાળા દ્રશ્યોમાં લોકોની આંખમાં ભાવાવશ ઝળઝળિયા જોવા મળે તો ઉત્સવના દ્રશ્યોમાં લોકોના મુખ પર ઉત્સવમાં ભાગ લેતા હોય તેવા હાવભાવ જોવા મળે. આ કનેક્ટ નીપજે છે.

પ્લેના અમદાવાદના મંચનમાં કુલ પચાસથી સો કલાકારો હશે. પરંતુ મંચ પાછળની ટીમ આથી પણ મોટી હશે. આ સ્કેલ, ક્રાફ્ટ, ટેકનીક, કનેક્ટ સાથેની રાજાધિરાજની યાત્રા અમદાવાદમાં તેર જાન્યુઆરી સુધી છે.