ઉત્તરાખંડમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવાના નિર્ણયની જાહેરાત

હરિદ્વારઃ ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં સમાન નાગરિક કાયદો (યુસીસી) લાગુ કરવાના નિર્ણયની મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ શુક્રવારે જાહેરાત કરી હતી. “અમે રાજ્યમાં યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગોવા પછી આ કાયદો લાગુ કરનાર ઉત્તરાખંડ બીજું રાજ્ય બનશે. અમે રાજ્યના તમામ નાગરિકો માટે યુસીસી લાગુ કરીશું” તેમ મુખ્યપ્રધાન ધામીએ એક સમારંભમાં બોલતા કહ્યું હતું.

રાજ્ય સરકારે આજે જ યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટેની સમિતિની જાહેરાત કરી હતી. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈ કરશે, જ્યારે સમિતિના અન્ય સભ્યોમાં દિલ્હી હાઇકોર્ટના નિવૃત્ત જજ પ્રમોદ કોહલી, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવો શત્રુઘ્નસિંહ, મનુ ગૌડ તથા સુરેખા દંગવાલનો સમાવેશ થાય છે.

ભાજપ શાસિત વિવિધ રાજ્યોમાં યુસીસી લાગુ કરવા માટેની વિચારણા થઈ રહી છે. તે અનુસાર ગત બીજી મેએ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે પણ જાહેરાત કરી હતી કે રાજ્યમાં ટૂંક સમયમાં સમાન નાગરિકો કાયદો લાગુ કરવામાં આવશે. હાલ એકમાત્ર ગોવામાં આ કાયદો અમલમાં છે જે ત્યાં પહેલેથી લાગુ થયેલો છે.

તાજેતર ના લેખો