મેં માત્ર ધાર્મિક પુસ્તકમાં જે લખાયું છે એ જ ટાંક્યું છે, કોઇનું અપમાન કર્યું નથીઃ નૂપુર શર્મા

નવી દિલ્હીઃ મેં તો માત્ર ધાર્મિક પુસ્તકમાં જે લખાયું છે એ વાત જ ટાંકી હતી, કોઇનું કર્યું નથી અને અન્ય ધર્મનું અપમાન કરવાનું વિચારી પણ ન શકું તેમ નૂપુર શર્માએ એક સમાચાર ચૅનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું.

આ વાતચીતમાં નૂપુર શર્માએ કહ્યું હતું કે, મારી ટીવી ચર્ચમાં મેં જે કંઈ કહ્યું હતું તેમાંથી આગળ-પાછળનો સંદર્ભ દૂર કરી દઇને ફેક ન્યૂઝ ફેલાવનાર ઓલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબેરે મારા વાક્યોના માત્ર થોડા ટુકડા અલગ કરીને વાયરલ કર્યા જેને કારણે ભારતથી લઇને છેક ઈંગ્લેન્ડ સુધી પડઘા પડ્યા. મને અથવા મારા પરિવારના કોઇપણ સભ્યને જરાસરખું પણ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મોહમ્મદ ઝુબેરની રહેશે તેમ નૂપુર શર્માએ આ વાતચીત દરમિયાન ત્રણથી ચાર વખત કહ્યું હતું.

તેમણે કહ્યું કે, મોહમ્મદ ઝુબેરે આ ઉશ્કેરાટ ફેલાવ્યો છે પણ તેનું કોઈ સ્તર નથી કે હું તેની સાથે ચર્ચા દ્વારા સ્પષ્ટતા કરું અને તેથી હું વિદ્વાન મૌલવીઓને, ઇસ્લામના જાણકારોને નિમંત્રણ આપું છું કે તેઓ આ બાબતે ચર્ચા કરે અને મને કહે કે મેં શું ખોટું કહ્યું છે. મેં તો માત્ર તેમના પુસ્તકમાં લખાયેલી વાતનો જ પુનરોચ્ચાર કર્યો હતો.

આ તબક્કે નૂપુર શર્માએ ધર્માંતર અને આતંકવાદીઓની ઉશ્કેરણી કરવાના કેસમાં ભાગેડુ ઝાકિર નાયકનો એક વીડિયો પણ ચૅનલની પત્રકારને દર્શાવ્યો હતો જેમાં ઝાકિર નાયક પોતે એ જ શબ્દો બોલે છે જેનો ઉલ્લેખ નૂપુર શર્માએ ટીવી ચર્ચામાં કર્યો હતો. ઝાકિરનો એ વીડિયો દર્શાવીને નૂપુર શર્માએ પ્રશ્ન કર્યો હતો કે, શું મોહમ્મદ ઝુબેર એવું કહેશે કે ઝાકિર નાયકે પયગંબરનું અપમાન કર્યું છે?
પોતે ઝુબેરે ચલાવેલા જૂઠના સંદર્ભમાં કેસ દાખલ કરી દીધો હોવાનું પણ નૂપુર શર્માએ કહ્યું હતું.

પોતાને મળી રહેલી ધમકીઓ વિશે વાત કરતાં નૂપુર શર્માએ જણાવ્યું કે, તેમને 70-80 હજાર જેટલી ધમકીઓ મળી ચૂકી છે. કેટલાક લોકો તો મારા જૂના ઘરે પહોંચી ગયા હતા અને હું ક્યાં છું તેના વિશે પૂછપરછ પણ કરી હતી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આ બધા ધમકીભર્યા સંદેશા મને મારા શુભેચ્છકો કમ્પાઇલ કરીને મોકલે છે તેમ જણાવી નૂપુર શર્માએ ધમકી આપનારાઓ મારી માતા વિશે, મારા અને મારી બહેન વિશે અભદ્ર ભાષા તો વાપરે જ છે પરંતુ એક ધમકીમાં તો એવું લખ્યું છે કે, શ્રીકૃષ્ણ સામૂહિક બળાત્કારી હતા. હવે તમે જ કહો આવું કહેનારા વિરુદ્ધ અમે કોઈએ સર તન સે જૂદાની ધમકી ઉચ્ચારી ખરી?

તાજેતર ના લેખો