ભ્રષ્ટાચાર અને પરિવારવાદ વિરુદ્ધ હવે દેશે નિર્ણાયક લડાઈ લડવી પડશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 76મા સ્વતંત્રતા દિવસ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં નાગરિકોને પાંચ પ્રણ લેવાની હાકલ કરી હતી અને સાથે જ મક્કમ શબ્દોમાં કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને સગાવાદ વિરુદ્ધ દેશે હવે નિર્ણાયક લડાઈ લડવી જ પડશે.

આજે વહેલી સવારે 7.30 વાગ્યે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામનો સમગ્ર સમય સંઘર્ષમાં વીત્યો છે. દેશનો કોઈ ભાગ, કોઈ પ્રદેશ એવો નહોતો જ્યાં નાગરિકોએ સ્વતંત્રતા માટે ત્યાગ અને બલિદાન આપ્યાં ન હોય.

76મા સ્વતંત્રતા દિવસની દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં વડાપ્રધાને કહ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામની ચર્ચા કરીએ ત્યારે આદિવાસી સમુદાયના અગ્રણીઓના બલિદાનને પણ ભૂલી ન શકીએ. આ સંદર્ભમાં તેમણે બિરસા મુંડા સહિત એવા તમામ આદિવાસી લોકનાયકોને યાદ કર્યા હતા જેમણે જંગલોમાં રહીને પણ ભારતની સ્વતંત્રતા માટેનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો અને બલિદાન આપ્યાં હતાં.

નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, વિભાજન સમયની પીડા, અત્યાચાર, મહિલાઓ પરના દમનને ભૂલી શકાય તેમ નથી અને તેથી 14 ઑગસ્ટે દેશવાસીઓ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ભારે મને યાદ કરે છે.

અનેકતામાં એકતાની ભારતીય ભાવનાને યાદ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતની વિવિધતા, જે બીજાને બોજ લાગે છે એ વિવિધતા જ ભારતની શક્તિ છે. ભારત લોકશાહીની જનેતા છે. અમૃતકાળની આ પહેલી પ્રભાત છે ત્યારે હું જોઈ શકું છું કે ભારતનું જન-માન આકાંક્ષિત જન-મન છે. આજે હિન્દુસ્તાનના દરેક વર્ગમાં, દરેક સમાજમાં, દરેક ભાગમાં આકાંક્ષાઓ ભરેલી છે. દેશની પ્રજા ગતિ ઈચ્છે છે, પ્રગતિ ઈચ્છે છે. ભારતવાસીઓમાં ચેતનાનું પુનઃજાગરણ થઈ રહ્યું છે. 10 ઑગસ્ટ સુધી દેશવાસીઓને કદાચ ખ્યાલ પણ નહોતો કે દેશની અંદર ત્રિરંગા પ્રત્યે કેટલી ચેતના પડી છે! આ બધું જ છેલ્લા ત્રણ દિવસથી દેખાઈ રહ્યું છે.

આજના મહત્ત્વના દિવસે દેશના દૂરદૃષ્ટા વડાપ્રધાને કહ્યું કે, આગામી 25 વર્ષ આપણા દેશ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં તેમણે હાકલ કરી કે, આપણે પંચ-પ્રણ પર આપણી શક્તિને કેન્દ્રિત કરવી પડશે. 1. વિકસિત ભારત, 2. ગુલામી માનસમાંથી મુક્તિ, 3. આપણો વારસો, 4. એકતા-સંગઠન, 5. નાગરિક-કર્તવ્ય. આ પંચ-પ્રણ હાંસલ કરવા માટે સંકલ્પ પણ મોટો રાખવો પડશે. 2047માં સ્વતંત્રતાના 100 વર્ષે “ભારત વિકસિત દેશ” હશે એવા સંકલ્પ સાથે યુવાનો મારી સાથે આગળ આવે.

દેશના અમૂલ્ય વારસાની યાદ અપાવતા તેમણે જણાવ્યું હતું કે, જબ હમ અપની ધરતી સે જુડેંગે તભી તો ઊંચા ઉડેંગે. આ જ છે આપણો વારસો. આજે આપણા વારસાથી દુનિયા પ્રભાવિત થઈ રહી છે. દુનિયા આજે યોગ, આયુર્વેદ તરફ વળી રહી છે એ જ બતાવે છે કે આપણે હજારો-હજારો વર્ષથી સાચા રસ્તે જ છીએ.

આપણે એ લોકો છીએ જે જીવમાં શિવ જોઇએ છીએ, નરમાં નારાયણ જોઇએ છીએ, નારી તુ નારાયણી માનીએ છીએ, નદીને માતા ગણીએ છીએ. આ બધો આપણો વારસો છે. આપણે ગૌરવ સાથે આપણા વારસાનું સન્માન કરીએ. ઈન્ડિયા ફર્સ્ટ વિચારને કેન્દ્રમાં રાખશો તો સમાનતાનો રસ્તો ખૂલશે તેમ તેમણે જણાવ્યું હતું.

મહિલાઓનું સન્માન એ બીજી કોઇપણ બાબત કરતાં સર્વોચ્ચ છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એ દિવસથી એટલે કે 2014થી મહિલા સન્માન વિશે ચિંતિત અને સક્રિય રહ્યા છે. આ સંદર્ભમાં આજે તેમણે વધુ એક વખત જાહેરમાં ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું, “હું એક પીડા વ્યક્ત કરવા માગું છું. આપણે બોલચાલમાં નારીને અપમાનિત કરી રહ્યા છે, શું આપણે તેમાંથી મુક્તિનો સંકલ્પ લઈ શકીએ? નારીનું ગૌરવ રાષ્ટ્રના સ્વપ્નને પૂરું કરવા માટે બહુ મોટી તાકાત બની શકે તેમ છે.”

દેશ માત્ર સરકાર અથવા વહીવટીતંત્રથી ચાલતો નથી. દેશની પ્રગતિમાં દરેકે દરેક નાગરિક સામેલ થાય એ પણ એટલું જ અગત્યનું છે. તેમણે કહ્યું કે, આપણે કર્તવ્ય ઉપર ભાર મૂકવો પડશે. નાગરિક કર્તવ્યથી કોઈ મુક્ત નથી. શાસકો, પ્રશાસકો, પોલીસ, ખેડૂત બધાએ નાગરિક કર્તવ્યનું પાલન કરવું જોઇએ. સ્વદેશી સે સ્વરાજ્ય, સ્વરાજ્ય સે સુરાજ્ય – આ મહર્ષિ અરવિંદનો સંદેશ હતો. આજે તેમની જન્મજયંતી છે ત્યારે તેમની વાતને આગળ વધારીએ.

આત્મનિર્ભર ભારત કોઈ સરકારી કાર્યક્રમ નથી, એ આત્મગૌરવની હાકલ છે. 75 વર્ષ પછી આજે પ્રથમ વખત લાલ કિલ્લા દેશમાં તૈયાર થયેલી તોપ દ્વારા સલામી આપવામાં આવી. આનાથી મોટું ગૌરવ શું હોઈ શકે? મારા સૈન્ય જવાનોને સલામ. સાથે નાનાં બાળકોને પણ સલામ કેમ કે આ બાળકોએ વિદેશી રમકડાંમાંથી મુક્તિનો સંકલ્પ કરી લીધો છે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આગળ વધારવા હું ખાનગી ક્ષેત્રને પણ નિમંત્રિત કરું છું.

જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાન પછી હવે જય અનુસંધાન જોડીને આગળ વધીએ, તેમ જણાવી તેમણે કહ્યું કે, દેશનો યુવાન આજે અનેકવિધ સંશોધન કરી રહ્યો છે. આ સંદર્ભમાં દુનિયાના દેશોની નજર અને અપેક્ષાઓ પણ ભારત પ્રત્યે છે. હવે 5જી માટે વધારે રાહ જોવી નહીં પડે. ગ્રામ્ય ક્ષેત્રોમાં ચાર લાખ ડિજિટલ કૉમન સર્વિસ સેન્ટર તૈયાર થઈ રહ્યા છે. તેનાથી ઘણી મોટી ક્રાંતિ થશે. ડિજિટલ ઈંડિયાથી દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવશે. આગામી ડેકેડ એ ટેકેડ બનશે એ હું જોઈ રહ્યો છું.

દેશના દરેકે દરેક ક્ષેત્રમાં નારીશક્તિ ખૂબ આગળ વધી રહી છે. આગામી સમયમાં દીકરીઓને – મહિલાઓને મહત્ત્વ આપીશું તો દેશની પ્રગતિ, ગતિને અસાધારણ તાકાત મળશે એવો મને વિશ્વાસ છે. આપણા રાજ્યોની વચ્ચે આપણી સેવાઓને વધારે ઝડપી, વધારે સારી રીતે કરવાની સ્પર્ધા થવી જોઇએ.

વડાપ્રધાને સૌથી અગત્યની વાત ભ્રષ્ટાચાર અને પરિવારવાદના સંદર્ભમાં કરી હતી. તેમણે કહ્યું કે, દેશની બે વિકૃતિ – (1) ભ્રષ્ટાચાર (2) પરિવારવાદ – આ બંનેની વિરુદ્ધ સમયસર પગલાં નહીં લઈએ તો આગામી 25 વર્ષની મહેનત સફળ નહીં થાય. પણ તેને સફળ બનાવવા માટે આ બંને વિકૃતિમાંથી મુક્તિ મેળવવાનો સંકલ્પ કરીએ.

જેમણે દેશને લૂંટ્યો છે તેમને એ રકમ પરત કરવાની ફરજ અમે પાડીશું. કોઈ ચમરબંદીને છોડવામાં નહીં આવે એ નિશ્ચિત છે. ભ્રષ્ટાચાર દેશને ખોખલો બનાવી રહ્યો છે. “મારે તેની સામે લડવું છે. હું આજે દેશવાસીઓનો સાથ માગું છું જેથી હું ભ્રષ્ટાચાર સામે લડી શકું.”

પરિવાર-વાદે આપણી અનેક સંસ્થાઓને ભરડો કરેલો છે, તેમાંથી દેશ મુક્ત થવો જોઇએ. માત્ર રાજકારણ નહીં, દરેક જગ્યાએથી પરિવારવાદથી મુક્તિ મળવી જોઇએ. પરિવારવાદ સામે નફરત થશે ત્યારે દેશ પ્રગતિ કરી શકશે. પરિવારવાદી રાજકારણને પણ દેશ સાથે કોઈ લેવાદેવા હોતી નથી.

ભારત અને ભારતીયોની ક્ષમતા ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાને અંતે જણાવ્યું હતું કે,  આ દેશ સામે કરોડો મુશ્કેલીઓ હશે તો કરોડો સમાધાન પણ છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો