મનીષ સિસોદિયાએ ઉદ્દઘાટન કરેલા દિલ્હીના ફૂટ ઓવરબ્રિજનું કામ સાત વર્ષથી ચાલે છે, ક્યારે પૂર્ણ થશે કોઈ જાણતું નથી!

નવી દિલ્હીઃ સાબરમતી નદી ઉપર બનેલા અટલ ફૂટ ઓવરબ્રિજનું ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું તે સાથે દેશમાં અન્ય આવી કોઈ યોજનાઓ તરફ મીડિયા અને સામાન્ય લોકોનું ધ્યાન દોરાયું છે. અને દિલ્હીમાં આવી એક યોજના ધ્યાનમાં આવી છે.

દિલ્હીમાં કેજરીવાલ સરકારના નાયબ મુખ્યપ્રધાન અને પીડબલ્યુડી પ્રધાન મનીષ સિસોદિયાએ જુલાઈ મહિનામાં એક સ્કાયવૉક (ફૂટ ઓવરબ્રિજ)નું ઉદ્દઘાટન કર્યું હતું, પરંતુ આ સ્કાયવૉકનું ઓછામાં ઓછું 50 ટકા જેટલું કામ બાકી છે એવું ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ અહેવાલ અનુસાર આ સ્કાયવૉકનું કામ નજીકના ભવિષ્યમાં પૂરું થાય એવાં કોઈ લક્ષણ દેખાતાં નથી. બાંધકામના સ્થળે કાચના ટુકડા જ્યાં-ત્યાં પડેલા છે, અન્ય બાંધકામ સામગ્રીના ઢગલા પડેલા છે, ફાઇબરના બોર્ડ ગમેત્યાં પડેલા જોવા મળે છે. સ્કાયવૉકમાં ઉપર જવા માટે જે પગથિયાં બનાવવામાં આવ્યાં છે તેમાં હજુ પથ્થર ગોઠવવાના જ બાકી છે. ચિંતાજનક બાબત એ છે કે, એ સ્થળે કામ ચાલે છે અને તેથી નાગરિકોએ કે બાળકોએ એ તરફ જવું નહીં એવા મતલબની ચેતવણી આપતા સાઇનબોર્ડ પણ ક્યાંય જોવા મળતા નથી.

સ્થળ ઉપર આ કામગીરીના પીડબલ્યુડીના સુપરવાઇઝરે કહ્યું કે, અમે કામગીરી કરી રહ્યા છીએ પરંતુ પૂર્ણ ક્યારે થશે એ વિશે કશું કહી શકાય તેમ નથી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી અમને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે અને બાકીનું કામ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

પ્રશ્ન એ છે કે, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને પીડબલ્યુડી પ્રધાન મનીષ સિસોદિયાએ એક એવા સ્કાયવૉકનું ઉદ્દઘાટન કરી દીધું હતું જે હજુ પૂરો જ નથી થયો અને કામ પૂરું ક્યારે થશે એ કોઈ જાણતું પણ નથી.

અહેવાલ અનુસાર આ સ્કાયવૉકની કામગીરી 2015માં શરૂ થઈ હતી, પરંતુ આજે સાત વર્ષે પણ કામ ચાલ્યા જ કરે છે. આ યોજના આ વર્ષે માર્ચમાં પૂરી થવાની હતી, પરંતુ તેની મુદત એક મહિનો વધારીને એપ્રિલ કરવામાં આવી હતી. જુલાઈમાં કેજરીવાલ સરકારે આવા સાવ અધુરા ફૂટ ઓવરબ્રિજનું ઉદ્દઘાટન પણ કરી દીધું હતું, છતાં પણ હવે તો ઑગસ્ટ પણ પૂરો થવા આવ્યો છતાં ઓછામાં ઓછું 50 ટકા કામ બાકી હોય એવું સ્થળ પર લાગે છે.

આ સ્કાયવૉક બેનિટો જુરેઝ માર્ગ ઉપર છે જે એક તરફ મેટ્રો સ્ટેશનને અને બીજી તરફ રિંગ રોડને જોડે છે. આ વૉકવે તૈયાર થઈ ગયો હોત તો ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોના સમય અને નાણાની બચત થઈ હોત.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો