સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય
September 17, 2022
¤ રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીની સાથેના એક સગાને બે ટાઇમ પૌષ્ટિક ભોજન અપાશે
¤ રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સિનિયર સિટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે
ગાંધીનગરઃ રાજ્ય સરકારની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે આઠ કલાક સુધી ઓ.પી.ડી દ્વારા સારવાર પૂરી પાડવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે તેમ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીના એક સગાને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવશે.
શ્રી અગ્રવાલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આરોગ્ય સેવાઓને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના સામાન્ય જન, શ્રમજીવી પરિવારોને આરોગ્ય લક્ષી સેવાઓ નિષ્ણાત તજજ્ઞો દ્વારા સાંજના સમયે તેમજ રવિવારે પણ મળી રહે તે હેતુસર સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેની સાથે સાથે લેબોરેટરી,એક્સ-રે તપાસ, ફાર્મસી, ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે. તદઅનુસાર સવારની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવાર થી રવિવાર) સવારે ૦૯.૦૦ થી ૦૧.૦૦ કલાક અને સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવાર થી શનિવાર) સાંજે ૦૪.૦૦ થી ૦૮.૦૦ કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું કે,આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સુવિધાઓ પુરી પાડવા ઘણી બધી આરોગ્યલક્ષી સેવાઓમાં ઉતરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. જે અનુસાર જનસેવાના ધ્યેય સાથે રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે તબીબી સારવારની સુવિધાનો લાભ રાજ્યના નાગરિકોને આપવામાં આવે છે. પરંતુ જે કિસ્સાઓમાં ઉચ્ચ કક્ષાની સારવારની જરૂર હોય છે તેવા કિસ્સાઓમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલો અથવા મહાનગર ખાતેની હોસ્પિટલો ખાતે દાખલ થવાની જરૂર પડતી હોય છે. આવા સંજોગોમાં મોટા શહેરોમાં સામાજિક સગા સંબંધીઓના અભાવે ઘણીવાર દર્દી સાથે આવેલા સગાંને પૌષ્ટિક અને આરોગ્યલક્ષી તાજા ખોરાકની અસુવિધા અને નાણાકીય અગવડતાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્યની સબ ડીસ્ટ્રીકટ, ડીસ્ટ્રીકટ તેમજ મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે દાખલ દર્દી અને તેની સાથેના એક સગાને નિ:શુલ્ક બે ટાઈમ પૌષ્ટિક ભોજન મળી રહે તેવી સેવાકીય વ્યવસ્થા ઊભી કરાશે.
આ માટે જે હોસ્પિટલોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્દી અને દર્દીના સગાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવી સંસ્થાઓ સાથે જે તે હોસ્પિટલ દ્વારા ફરજિયાતપણે એમ.ઓ.યુ. કરી બેઠક વ્યવસ્થા તેમજ લાઇટ-પંખા તેમજ સ્વચ્છતાની જાળવણી સાથૈ જમવા માટે નિશ્ચિત જગ્યા ખાતે યોગ્ય આયોજન કરવામાં આવશે અને જે હોસ્પિટલોમાં આવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન વ્યવસ્થાનું આયોજન હાલમાં કરવામાં આવતું નથી ત્યાં હોસ્પિટલ દ્વારા સરકારી ખર્ચે આયોજન કરવામાં આવશે તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરીટી દ્વારા સેવાભાવી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ ખાતેના રસોઇ ઘરની સમયાંતરે મુલાકાત લઈને અને દર્દી તેમજ તેના એક સગાને અપાતા ભોજનની ગુણવત્તાનું ચેકીંગ કરી સતત મોનીટરીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી અગ્રવાલે ઉમેર્યું કે,રાજ્યમાં ૪૫૦ ઉપરાંત સી.એચ.સી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો અને મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો કાર્યરત છે.જેમાં હાલ ની ઓ.પી.ડી માં દરરોજ ૧.૨૫ લાખથી ૧.૩૦ લાખ નાગરિકો ઓ.પી.ડીની સેવાઓનો લાભ લઈ રહ્યા છે. આ બે કલાકનો સમય વધારવાના લીધે દરરોજ ના ૩૫ થી ૪૦ હજાર નાગરિકો વધુ લાભ લઈ શકશે. આ સમય વધારવાના લીધે નાના સ્વરોજગાર મેળવતા લોકો તથા નોકરિયાત લોકો પણ આ સેવાનો લાભ લઈ શકશે.
શ્રી અગ્રવાલે ઉમેર્યુ કે,રાજ્યના વયોવૃધ્ધ-સિનિયર સિટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્ય લક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય કરાયો છે.
વયોવૃધ્ધ વ્યક્તિઓ એટલે કે, ૬૦ વર્ષ કે તેથી ઉપરની વયના લોકો માટે રાજ્યની તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંદ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેંટરો તેમજ હોસ્પિટલો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે જે સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે જેમાં તમામ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્રો પર ઓ.પી.ડી., કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વગેરે સ્થળ પર વયોવૃધ્ધ વ્યક્તિઓને મુશ્કેલી ન થાય તે માટે અલગ લાઇનની વ્યવસ્થા કરાશે જેમાં વયોવૃધ્ધને પ્રાધાન્ય પણ અપાશે તથા શક્ય હોય તેવી જગ્યાએ અલાયદી ઓપીડીની વ્યવસ્થા ઊભી કરાશે.
આ ઉપરાંત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ,મ્યુ. કોર્પો. હોસ્પિટલ, જીલ્લા હોસ્પિટલ, પેટા જીલ્લા હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે અલગ વોર્ડ પણ નિયત કરાશે. જો તેમ શક્ય ન બને તો દરેક વોર્ડમાં ઓછામાં ઓછા બે બેડ (૨-પથારી) આરક્ષિત રાખવામાં આવશે. આ તમામ સેવાઓ અગેના સાઇનેજ બોર્ડ પણ લગાડવામાં આવશે તેમજ જો કોઇ નિરાધાર વયોવૃધ્ધ જણાય તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ૨૪×૭ એલ્ડર હેલ્પલાઇન-૧૪૫૬૭નો સંપર્ક કરી જરૂરી સહાય પણ કરાશે.આ હેલ્પલાઈન દ્વારા વૃધ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન: સ્થાપનની કામગીરી પણ કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ આવી કોઈ જરૂરીયાત ઊભી થાય તો તેમાં સહાય કરી સેવાઓ પુરી પડાશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- બરડા જંગલ સફારી ફેઝ-1નું ઉદઘાટન થશેઃ પ્રવાસીઓ માટે સિંહ જોવાનું નવું ઠેકાણું બનશે
- રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને રાહત
- જળ રમત-ગમત, નૌકાવિહાર પુનઃ શરુ થશે; ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મુખ્યમંત્રીની મંજૂરી
- સક્રિય સદસ્યતા અભિયાન પ્રવેશોત્સવ પછી ગુણોત્સવ માટેનો અવસર છે: ભરત પંડ્યા
- વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે
- નાણાકિય શિસ્ત જાળવનાર રાજ્યોને ફાયનાન્સ કમિશન તરફથી શિરપાવ મળવો જોઇએ: મુખ્યમંત્રી
- વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન સાચેઝ આગામી 28 ઓક્ટોબરે લેશે વડોદરા શહેરની મુલાકાત