ડૂબતા પંજાબઃ દેવાદાર રાજ્યનું અર્થતંત્ર વેન્ટિલેટર પર, ફ્રી યોજનાઓથી શ્રીલંકા જેવી હાલત થઇ શકે
September 20, 2022
વર્ષ 2022-2023માં દેવું 2.85 લાખ કરોડથી વધીને 3.05 લાખ કરોડ થવાનો અંદાજ, રાજ્યમાં માથાદીઠ 1 લાખ રૂપિયાનું દેવું, છતાં AAP સરકાર મફતિયા યોજનાઓના ઢોલ પીટવામાં મગ્ન
ગુણવંત સાધુ
ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ ગુજરાતમાં આવીને મફતની લહાણીઓના વચનો આપી રહ્યા છે. આવી મફતિયા યોજનાઓનો વિરોધ કરતા લોકોને કેજરીવાલ ખરાબ નિયતના ગણાવે છે. દેશની સર્વોચ્ચ અદાલતે રાજકીય પક્ષો દ્વારા કરાતી ફ્રી રેવડીની જાહેરાતો અને લોકોને મફતિયું આપવાની યોજનાઓની ટીકા કરી છે અને તેને અટકાવવાની વાત કરી છે. તો શું સર્વોચ્ચ અદાલતની નિયત ખરાબ છે? આવી મફતિયા જાહેરાતો અને યોજનાઓનો વિરોધ કરતી બંધારણીય સંસ્થાઓ, અર્થશાસ્ત્રીઓ, વિચારકો અને સમજુ નાગરિકોની નિયત ખરાબ છે? લાગે છે કે કેજરીવાલ પોતાની વાજબી ટીકા સહન કરી શકતા નથી એટલે એલફેલ બોલવા લાગ્યા છે. તેમણે પોતાની ફ્રી રેવડીની યોજનાઓના બચાવમાં એવું બકી નાખ્યું કે ગુજરાત પર સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને તે ભ્રષ્ટાચારના કારણે છે.
ગુજરાતનું દેવું સ્વીકાર્ય મર્યાદાથી નીચું
શ્રીમાન કેજરીવાલ, પહેલાં તો તમે જે આંકડો કહ્યો તે ખોટો છે. ગુજરાત પર દેવું છે, પણ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું નહિ પરંતુ ત્રણ લાખ કરોડ રૂપિયાનું છે. હવે, ગુજરાતનું દેવું અને અન્ય નાણાકીય ગુણોત્તરો જોઇએ. 15 માર્ચ, 2022ના રોજ કોંગ્રેસના એક ધારાસભ્ય, પૂજા વંશે રાજ્યનું દેવું કેમ વધી રહ્યું છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો, તેના લેખિત જવાબમાં ગુજરાતના નાણામંત્રી શ્રી કનુ દેસાઇએ વિધાનસભામાં જણાવ્યું હતું કે 2020-21ના સુધારેલા અંદાજ અનુસાર, ગુજરાતનું જાહેર દેવું રૂ.3,00,963 કરોડ છે. શ્રી દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યનું દેવું તેની સ્વીકાર્ય મર્યાદાથી ખૂબ નીચું છે. સ્વીકાર્ય દેવા-જીડીપી ગુણોત્તર અનુસાર, ગુજરાત સરકાર રૂ.4,50,000 કરોડનું દેવું સહન કરી શકે તેમ છે. શ્રી દેસાઇએ જણાવ્યું હતું કે, “દેવું એ રાજ્યના વિકાસનો સૂચકાંક છે. આપણું દેવું જીએસડીપી (ગ્રોથ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના 21% છે, જે નિયત મર્યાદાથી ખૂબ નીચું છે.” તેમણે કહ્યું કે, પંજાબનો દેવા-જીડીપી ગુણોત્તર આશરે 53% છે. તેમણે કહ્યું કે, ‘દેવું એટલા માટે વધી રહ્યું છે, કેમકે સરદાર સરોવર પ્રોજેક્ટ જેવા મોટા વિકાસના કામો પાછળ ખર્ચ કરી રહ્યા છીએ.”
કેજરીવાલે દેવામાં ડૂબેલા પંજાબની ચિંતા કરવી જોઇએ
શ્રીમાન કેજરીવાલ, તમારે ગુજરાત નહિ પંજાબની ચિંતા કરવાની જરૂર છે, કેમકે તે ભારે દેવા હેઠળ છે. ત્યાં તમારા પક્ષની સરકાર છે અને નાણાકીય સ્થિતિ ખરાબ છે. ચાલો આપણે પંજાબ રાજ્યનું વિશ્લેષણ કરીએ, ખાસ કરીને માર્ચ 2022માં નવી રાજકીય વ્યવસ્થા દ્વારા આર્થિક લહાણીઓ અને બિનઆર્થિક લોકરંજક નિર્ણયો પછી અર્થતંત્રમાં મંદી ઘેરી બની છે.
જૂન, 2022માં પંજાબ વિધાનસભામાં રજૂ થયેલા શ્વેતપત્ર અનુસાર, રાજ્યનું કુલ બાકી દેવું રૂ.2.85 લાખ કરોડ છે, જેમાં અગાઉની કોંગ્રેસ સરકારનું દેવું વારસામાં આવ્યું છે. આમ, રાજ્યની નાણાકીય હાલત પક્ષને તેના ચૂંટણી વચનો તાત્કાલિક પૂરા કરવાનું શક્ય બને એવી નથી. શ્વેતપત્ર અનુસાર, રાજ્યના દેવા સૂચકાંકો સમગ્ર દેશમાં સૌથી ખરાબ હાલતમાં છે.
પંજાબની હાલત દેવાળિયા શ્રીલંકાના યાદ અપાવે છે
પંજાબ તેના સમૃદ્ધ કૃષિ સંસાધનો અને અનુકૂળ આબોહવાના કારણે દેશમાં અનાજ અને રોકડિયા પાકોના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. ભારતના વાર્ષિક ખાદ્ય ઉત્પાદનમાં પંજાબનો ફાળો 68 ટકા છે. તેથી પંજાબને ભારતનો “અન્નનો કટોરો” કહેવામાં આવે છે. પંજાબ હરિયાળી ક્રાંતિને કારણે ઘણા વર્ષોથી માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતનું સૌથી ધનિક રાજ્ય હોવાનો દરજ્જો ભોગવે છે. પરંતુ છેલ્લા બે દાયકામાં, પંજાબે તેના સૌથી ખરાબ આર્થિક દિવસો જોયા છે, જે માટે અગાઉથી ચાલી આવતી (કેસ્કેડિંગ) અસરો સહિત અનેક કારણો છે. વિડંબના એ છે કે, શ્રીલંકાની કટોકટીમાંથી શીખવાને બદલે પંજાબ શ્રીલંકાના માર્ગે આગળ વધી રહ્યું છે. શ્રીલંકાની કટોકટીનું મુખ્ય કારણ મફતની યોજનાઓ પરનો અવિચારી ખર્ચ હતો.
તાજેતરમાં સંસદ ટીવી પર યોજાયેલી એક ચર્ચામાં ઇગ્રો (EGROW)ના સીઇઓ પ્રો. ચરણસિંહે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે મફત આપવાનું કહેવું એ છેતરપીંડી છે. કોઇ સરકાર કશું મફત આપતી નથી. હકીકતમાં રાજ્ય સરકારો દ્વારા જે કઇં મફતમાં આપવામાં આવે છે તેના માટે કાં તો કેન્દ્ર સરકાર પાસેથી લોનરૂપે નાણાં લેવામાં આવે છે અથવા રાજ્યના નાગરિકો પર અલગ રીતે વેરા લાદવામાં આવે છે. તેમણે જણાવ્યું કે મફતની જાહેરાતો કરનારા રાજકારણીઓએ મતદારો સમક્ષ સ્પષ્ટતા કરવી જોઇએ કે તમને અત્યારે મફત આપીશું તો 10 વર્ષ પછી તમારા બાળકો પાસેથી વસૂલ કરીશું અથવા તમારા પર ટેક્સ લાદીશું.
મૂળ પંજાબના પ્રો. ચરણસિંહે વધુમાં કહ્યું હતું કે, “અમારા રાજ્યમાં સ્થિતિ એ છે કે રાજ્ય સરકાર આવક ઊભી કરવા દારૂની દુકાનો ખોલી દેશે. આના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનશે. દારૂની દુકાનો ખોલી દેવાથી મફતની વહેંચણી માટે જે નાણાં જોઇએ છે તે મળશે, પરંતુ નાગરિકોની ઉત્પાદકતા પર ગંભીર અસર પડશે. તેમણે વધુમાં કહ્યું કે મફતનું આપવાની જે જાહેરાતો થઇ છે તે રાજ્યની જીડીપીના આશરે 2.7 ટકા છે. એટલે કે પંજાબની જે કુલ ખાધ છે તે રાજ્યની જીડીપીના 4.6 ટકા છે. રાજ્યની આવક કરતાં આ આંકડા વધુ છે. આનો સીધો અર્થ એ થાય કે મફતનું આપવાની જાહેરાતો છે તે લોન લઇને આપવામાં આવશે. હાલ પંજાબે મફતની જે જાહેરાતો કરી છે તે તેની કુલ આવકના 45 ટકા છે. તો વિચારો કે રાજ્યની નાણાકીય સ્થિતિનું શું થશે. પંજાબની સ્થિતિ ખૂબ ગંભીર છે એમાં કોઇ શંકા નથી.” તેમણે કહ્યું કે, લોનની ચૂકવણીના પ્રમાણમાં પંજાબની આવકનો રેશિયો 50 ટકાથી ઓછો છે. એટલે કે આવક કરતા લોનની ચુકવણી 50 ટકા વધુ છે. આ તફાવત દેશના અન્ય રાજ્ય કરતાં વધુ છે. એટલું જ નહિ, પંજાબ સરકારનો રોજિંદો ખર્ચ તેની આવકના 90 ટકા જેટલો છે. એટલે પંજાબ સરકાર જે નવી લોનો લેશે તેમાંથી કોઇ નવી યોજના નહિ આપી શકે, પરંતુ નવી લોન ખર્ચા પૂરા કરવા અને અગાઉ લીધેલી લોનનું વ્યાજ ચૂકવવામાં વપરાશે. આમ, રાજ્ય દેવાના ગંભીર ભરડામાં ફસાઇ જશે.
દેવાની જાળમાં ફસાયું પંજાબ
પંજાબ અત્યારે અત્યંત દેવાદાર રાજ્ય છે અને પરિસ્થિતિ શ્રીલંકા જેવી થઇ રહી છે. પંજાબના નાણાપ્રધાનના જાહેર નિવેદન મુજબ, પંજાબનું અર્થતંત્ર દેવાની જાળમાં ફસાયાની સ્થિતિનું દર્શાવી રહી છે. રાજ્યનું બાકી દેવું નાણાકીય વર્ષ 2022-2023માં 2.85 લાખ કરોડથી વધીને 3.05 લાખ કરોડ થવાનો અંદાજ છે. પંજાબમાં માથાદીઠ 1 લાખ રૂપિયાનું દેવું છે, જે તેને ભારતીય રાજ્યોમાં સૌથી ખરાબ રીતે સંચાલિત અર્થતંત્રોમાં પૈકીનું એક બનાવે છે.
- પંજાબનો ડેટ-ટુ-જીડીપી રેશિયો હવે દેશમાં સૌથી વધુ 3% છે, જે કેન્દ્ર અને ભારતના રાજ્યો દ્વારા સ્વીકાર્ય 20%ની ટોચમર્યાદાથી ખૂબ વધુ છે. તેનો અર્થ એ છે કે પંજાબનું દેવું પંજાબમાં એક વર્ષમાં થતા ઉત્પાદનના કુલ નાણાકીય મૂલ્યના 50% કરતાં વધુ છે.
- કલ્પના કરો કે દેવામાં ડૂબેલો માણસ માત્ર વધતા જતા વ્યાજની ચૂકવણી કરવા માટે ઉધાર લે છે અને એટલું જ નહિ, આવક કરતાં ઘણો વધારે ખર્ચ કરે છે અને વળી તેની આવકના સ્ત્રોતોને પણ નબળા પાડે છે! શ્રીલંકામાં ફ્રી સ્કીમો પાછળ પુષ્કળ ખર્ચ થયો હતો.
- પંજાબમાં આવું જ થઈ રહ્યું છે. અર્થતંત્ર કથળ્યું હોવા છતાં, AAP સરકાર રાહતો આપી રહી છે અને દરોમાં ઘટાડો કરી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ પાવર સબસિડી રૂ. 24,886 કરોડ છે જેમાં આ વર્ષે જુલાઈથી દર મહિને મફત 300 યુનિટ પાવરના હિસાબે ફ્રીબીઝ તરીકે 15,845 કરોડનો સમાવેશ થાય છે. જૂની લોન પરનું વ્યાજ ચૂકવવા માટે સરકારે 2 મહિનામાં 8,000 કરોડ રૂપિયા ઊછીના લીધા છે.
- ભારતનું એક સમયે સૌથી સમૃદ્ધ રાજ્ય, પંજાબ 1981માં ભારતીય રાજ્યોમાં માથાદીઠ જીડીપીમાં પ્રથમ ક્રમે હતું જે 2001માં ઘટીને ચોથા ક્રમે આવી ગયું હતું, પરંતુ 2000 અને 2010 વચ્ચેના સમયગાળામાં તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તુલનામાં મણિપુર પછી બીજા ક્રમે સૌથી ધીમો માથાદીઠ જીડીપી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય રહ્યું હતું. 2019-20માં, માથાદીઠ જીડીપીની દ્રષ્ટિએ પંજાબનો ક્રમાંક 17થી ઘટીને 19ના સ્થાને આવી ગયો છે.
- બજેટ 2022માં કોઈ નવા કરની જાહેરાત કરવામાં આવી નથી. કુલ 95,378 કરોડની આવકમાંથી 20,550 કરોડ GSTમાંથી, 6,250 કરોડ VATમાંથી અને 9,647 કરોડ રાજ્ય આબકારીમાંથી આવવાનો અંદાજ છે. આવકમાં વધારો કર્યા વિના સરકાર કેવી રીતે ટકી શકે?
- રાજ્યનું મોટાભાગનું ઋણ દેવાની અને વ્યાજની ચૂકવણીમાં જાય છે. પગારની ચુકવણી, વ્યાજની ચૂકવણી, પેન્શન અને નિવૃત્તિ લાભો તમામ પ્રતિબદ્ધ જવાબદારીઓ, રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય છે.
- બજેટમાં સૂચિત 107,932 કરોડના મહેસૂલ ખર્ચમાંથી રૂ.66,440 કરોડ એટલે કે 56% પ્રતિબદ્ધ ખર્ચ (પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણી) છે, જે રાજ્યની આવકના 70% છે. રાજ્યની પ્રતિબદ્ધ જવાબદારીઓ દેશમાં સૌથી વધુ છે. વધુમાં, શ્રીલંકાની જેમ, AAP સરકાર બિનઆર્થિક ક્ષેત્રો પર ખર્ચ કરી રહી છે. નવાઇની વાત એ છે કે પાછલા 2 મહિનામાં AAP સરકારે માત્ર જાહેરાતો પર 37 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.
પંજાબનું અર્થતંત્ર વેન્ટિલેટર પર છે ત્યારે તેનો ઢાંકપીછોડો કરવાની નહીં પણ સાજા કરવાના સખત પગલાં લેવાની આવશ્યકતા છે. AAPની આગેવાની હેઠળની સરકાર રાજકોષીય ખાધને ઘટાડવા અને પંજાબના અર્થતંત્રને પુનઃપ્રાપ્તિના માર્ગ પર લાવવા માટે તેની મફતિયા યોજનાઓના ઢોલ પીટવાના બદલે તેમને નિયંત્રણમાં લઇને સખત પગલાં લેવાનો સમય આવી ગયો છે.
(સ્રોત: ઇન્ટરનેટમાં ઉપલબ્ધ બજેટની વિગતો અને મીડિયાના અહેવાલો)
તાજેતર ના લેખો
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર