અંતિમવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા વિરુદ્ધ દેશમાં દરોડા, 100થી વધુ શકમંદોની ધરપકડ

નવી દિલ્હીઃ  અંતિમવાદી ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ) વિરૂદ્ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા બે દિવસથી મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલકાયદા અને તાલિબાન જેવા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનો સાથે પીએફઆઈની સાંઠગાંઠ ધરાવતા હોવાના પુરાવાને પગલે કેન્દ્રીય તપાસ એજન્સીઓ એનઆઈએ તેમજ ઈડીએ દેશના 13 રાજ્યોમાં એક સાથે કાર્યવાહી હાથ ધરીને અત્યાર સુધીમાં 100થી વધુ શકમંદોની ધરપકડ કરી લેવામાં આવી છે.

એએનઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ (https://aninews.in/news/national/general-news/nia-searches-underway-at-pfi-office-in-bihars-purnia20220922101121/  ) મુજબ આતંકવાદી ફંડિગ તથા આતંકવાદી તાલીમ કેમ્પના આયોજનો તેમજ લોકોને, ખાસ કરીને મુસ્લિમ યુવાનોને કટ્ટરવાદ તરફ દોરી જવાના આરોપો બાદ કેન્દ્રીય એજન્સીઓએ આ કાર્યવાહી કરી હતી.

દરમિયાન, એએનઆઈ તથા ઈડીની આ કાર્યવાહી બાદ આજે ગુરુવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બંને એજન્સીના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

અહેવાલ મુજબ આ મહિનાના પ્રારંભે એનઆઈએ દ્વારા તેલંગણા, આંધ્રપ્રદેશમાં 40 સ્થળે દરોડા પાડીને તપાસ કરી હતી અને કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓની પૂછપરછ બાદ એજન્સીએ ત્યારબાદ અન્યત્ર દરોડા પાડીને શકમંદ સાહિત્ય તેમજ રૂપિયા 8,31,500ની બિન હિસાબી રકમ પણ જપ્ત કરી હતી.

અગાઉ મે, 2022માં ઈડીએ અબ્દુલ રઝાક પીડિયક્કલ ઉર્ફે અબ્દુલ રઝાક બીપી તથા અશરફ ખદીર ઉર્ફે અશરફ એમકે પાસેથી રૂપિયા 22 કરોડનું બેહિસાબી નાણું મળી આવ્યા પછી બંને વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

તપાસ દરમિયાન કેન્દ્રીય એજન્સીઓને જાણ થઈ કે પીએફઆઈ દેશના ઓછામાં ઓછા 22 રાજ્યોમાં શાખાઓ ધરાવે છે જેને પગલે ગઇકાલથી અત્યાર સુધીમાં 13 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે.

બે દિવસથી જે રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પુડુચેરી, આસામ, રાજસ્થાનનો સમાવેશ થાય છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો