પીએફઆઈની કરમકુંડળીનો ઘડો 16 વર્ષે ભરાયો, શું છે આ સંગઠનની વાસ્તવિકતા?

0નવી દિલ્હીઃ  આખા દેશમાં ગઇકાલથી પીએફઆઈની ચર્ચા છે. દેશના ઓછામાં ઓછા 14-15 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) તથા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કાર્યવાહીને પગલે આ અંતિમવાદી સંગઠનની પ્રવૃત્તિઓ ઉપર 16 વર્ષથી લાગેલો પડદો ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો છે.

આ અંતિમવાદી સંગઠનની સ્થાપના 2005ની આસપાસ થઈ હતી. દક્ષિણનાં રાજ્યોમાં તેની સ્થાપના સાથે જ અનેક લોકોને ખ્યાલ આવી ગયો હતો કે પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (સીમી)નો જ નવો અવતાર છે. 1990ના દાયકામાં દેશમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સીમીનો હાથ હોવાના પુરાવા મળ્યા પછી 2001માં સીમી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના નામે બનેલા એ આતંકી સંગઠન ઉપર પ્રતિબંધના પાંચ વર્ષ બાદ પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ)ની સ્થાપના થઈ.

પીએફઆઈ નામનું અંતિમવાદી સંગઠન સીમીનું જ નવું રૂપ છે એ સમજવાનું દેશની સુરક્ષા એજન્સીઓ માટે એટલા માટે અઘરું નહોતું કે, પીએફઆઈના હોદ્દેદારો અગાઉ પ્રતિબંધિત સીમીના જ હોદ્દેદારો હતા.

નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટ ઑફ કેરલ, કર્ણાટક ફોરમ ફૉર ડિગ્નિટી તથા તમિલનાડુના મનીથા નીતિ પસારી નામનાં સંગઠનો એકબીજામાં જોડાયા ત્યારે પીએફઆઈની રચના થઈ હતી. આ સંગઠનોનું એક જૂથ બનાવનાર હતો કોઝીકોડનો અંગ્રેજીનો શિક્ષક પી. કોયા, જેની ગુરુવારના દરોડામાં ધરપકડ કરવામાં આવી છે. જેહાદી માનસિકતા ધરાવતા લોકો હંમેશાં એક વાક્ય બોલ્યા કરતા હોય છે કે, લઘુમતી ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને તેમને અન્યાય થઈ રહ્યો છે. આવું જ કોયા પણ બોલતો હતો અને તેણે પીએફઆઈની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ અંતિમવાદી સંગઠને દેશની રાજકીય વ્યવસ્થામાં ઘૂસણખોરી કરવા માટે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (એસડીપીઆઈ)ની રચના પણ કરી છે. રાજકીય સંગઠન ઉપરતાં પીએફઆઈ દેશ અને સમાજને છેતરવા માટે અલગ અલગ નામે સાંસ્કૃતિક સંગઠનો, મહિલા સંગઠનો પણ ચલાવે છે.

કેરળની સરકારે 2014માં પીએફઆઈ વિરુદ્ધની અદાલતી સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યું હતું કે, પીએફઆઈ એ સીમીનું જ નવું સ્વરૂપ છે. કેરળ સરકારે અદાલતને એમ પણ કહ્યું હતું કે, પીએફઆઈ ધર્માંતરને પ્રોત્સાહન આપીને, વિવિધ મુદ્દાને ઇસ્લામને લાભ થાય એવો કોમવાદી રંગ આપીને, મુસ્લિમ યુવાનોને કટ્ટરવાદી બનાવીને તેમને હત્યાઓ કરવા માટે પ્રેરવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું છે.

કેરળમાં પીએફઆઈની રચના બાદ ટૂંક સમયમાં તેણે દક્ષિણ ભારતના અન્ય રાજ્યો અને ત્યારબાદ ઉત્તર ભારત સુધી જાળ બિછાવવાની શરૂ કરી દીધી હતી.

પીએફઆઈએ ગણવેશધારી યુવાનોનું એક જૂથ પણ તૈયાર કરેલું છે જે દક્ષિણનાં રાજ્યોમાં જાહેરમાં કૂચ કરીને તાકાતનું પ્રદર્શન કરતું હોય છે. જોકે તેનું મૂળ સ્વરૂપ જેહાદી હોવાથી કેરળની સરકારે 2013માં આ કૂચ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.

સ્થાપનાથી જ પીએફઆઈની સંડોવણી અનેક કોમી તોફાનો, વ્યક્તિગત મહાનુભાવોની હત્યા, સંગઠિત હિંસા વગેરેમાં જોવા મળી છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં આવી ઓછામાં ઓછી 30 હત્યામાં પીએફઆઈની સંડોવણીના પુરાવા મળ્યા હતા.

પીએફઆઈનું સૌથી ઘાતકી સ્વરૂપ દેશ વારંવાર યાદ કરે છે અને એ છે એક પ્રોફેસર ઉપર ઇશનિંદાનો ખોટો આરોપ મૂકીને તેમના હાથ કાપી નાખવાની ઘટના. જુલાઈ 2010માં એર્નાકુલમની ન્યૂ મેન્સ કૉલેજના એક પ્રોફેસર ટી.જે. જોસેફે તૈયાર કરેલા એક પ્રશ્નપત્રમાં ઇશનિંદા થઈ છે એવું બહાનું કાઢીને પીએફઆઈ તેમના બંને હાથ કાપી નાખ્યા હતા. આ કેસમાં પીએફઆઈના 13 અંતિમવાદીઓને સજા થયેલી છે.

બે વર્ષ પહેલાં સીએએ કાયદાની વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં લાંબા સમય સુધી જે ધરણાં ચાલ્યા હતા ત્યારે પણ પીએફઆઈની સંડોવણી બહાર આવી હતી. ત્યારબાદ થોડા મહિના પહેલાં એક દસ્તાવેજ ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથમાં આવ્યો હતો જેમાં 2042 સુધીમાં ભારતને ઇસ્લામિક રાષ્ટ્રમાં તબદીલ કરવાની વિગતવાર યોજના જોવા મળી હતી, અને આ દસ્તાવેજ પણ પીએફઆઈ દ્વારા તૈયાર થયો છે એવું સ્પષ્ટ થતું હતું.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો